યંગેસ્ટ હ્યુમન કૅલ્ક્યુલેટર તરીકે ઓળખાતાં બે કચ્છી બાળકોએ કરી દીધા ૧૩૮ રેકૉર્ડ

12 December, 2022 10:38 AM IST  |  Mumbai | Rohit Parikh

મુલુંડનાં આઠ અને ૧૧ વર્ષનાં કચ્છી બાળકોએ મેન્ટલ કૅલ્ક્યુલેશન સ્પર્ધામાં ઇતિહાસ રચ્યો : તાજેતરમાં આ બન્નેએ એશિયા બુક અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં સ્થાન મેળવીને દેઢિયા પરિવારની સાથે કચ્છી જૈન સમાજનું પણ નામ ભારતમાં જ નહીં, વિશ્વભરમાં રોશન કર્યું

મેન્ટલ કૅલ્ક્યુલેશન સ્પર્ધામાં એશિયા બુક અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં સ્થાન મેળવ્યા બાદ એશિયા બુક અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સના સર્ટિફિકેટ સાથે ડાબેથી જીનાંશ દેઢિયા અને શનાય દેઢિયા.

મુલુંડ-વેસ્ટના કચ્છી વીસા ઓસવાળ જૈન આઠ વર્ષના શનાય દેઢિયા અને તેના મોટા ભાઈ ૧૧ વર્ષના જીનાંશ દેઢિયાએ માટુંગાના‍ શ્રી હીરજી ભોજરાજ કચ્છી વીસા ઓસવાળ જૈન છાત્રાલય (શિશુવન)માં એશિયા બુક અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સની જ્યુરી અને કચ્છી જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં મેન્ટલ કૅલ્ક્યુલેશન સ્પર્ધામાં ૧૧ કલાક ૧૫ મિનિટમાં ૧૩૮ વર્લ્ડ રેકૉર્ડ બનાવીને એક ઇતિહાસ રચ્યો હતો. દેઢિયા પરિવારનાં આ બે આઇન્સ્ટાઇન બાળકોની ટૅલન્ટ જોઈને ત્યાં હાજર રહેલા જૈન અગ્રણીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ બન્ને બાળકોએ એશિયા બુક અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં સ્થાન મેળવીને દેઢિયા પરિવારની સાથે કચ્છી જૈન સમાજનું નામ રોશન કર્યું હતું.

મૂળ મુન્દ્રા તાલુકાના પત્રી ગામના મુલુંડમાં રહેતા વિમેશ દેઢિયા અને જિનલ દેઢિયાના આ બે પુત્રો જીનાંશ અને શનાયે માનસિક ગણતરી વડે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવા ગણિતના વિવિધ રેકૉર્ડ બનાવ્યા છે. જીનાંશે અને શનાયે અત્યાર સુધીમાં કુલ ૧૩૮ રેકૉર્ડ બનાવ્યા છે. ગયા શનિવારે અને રવિવારે માટુંગાના કચ્છી છાત્રાલયમાં મેન્ટલ મૅથ્સના ક્ષેત્રમાં આ બન્ને ભાઈઓ જીનાંશે અને શનાયે કુલ ૧૩૮ રેકૉર્ડ બનાવીને એશિયા બુક અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં તેમનાં નામ સ્થાપિત કર્યાં હતાં.

જીનાંશ અને શનાયની માનસિક ગણતરીના ક્ષેત્રની સફર શૅર કરતાં તેમના પપ્પા વિમેશ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો આ બે બાળકોના પિતા હોવાનો અમે ગર્વ અનુભવીએ છીએ. મારા આ બન્ને પુત્રોએ નાની ઉંમરમાં માનસિક ગણતરીના ક્ષેત્રમાં એશિયા બુક અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં સ્થાન મેળવીને વિશ્વભરમાં કચ્છી જૈન સમાજનું નામ રોશન કર્યું છે. મારા આઠ વર્ષના પુત્ર શનાયે ૧૫ એશિયા બુક અને ૧૫ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સ સફળતાપૂર્વક બનાવ્યા બાદ એશિયા બુક અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સ દ્વારા શનાયને યંગેસ્ટ હ્યુમન કૅલ્ક્યુલેટર તરીકેનું બિરુદ આપવામાં આવ્યું હતું. સરવાળા, ગુણાકાર, ફ્લૅશનંબર્સ અને બીજી ઘણીબધી વિવિધ ગણતરીઓ કરવા માટે કુલ ૩૦ રેકૉર્ડ તેના નામે નોંધાયેલા છે.

તેની આ સફળતાને આરતી ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના ચંદ્રકાંત ગોગરી અને કચ્છી જૈન ફાઉન્ડેશનના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ નવીન શાહે પણ બિરદાવી હતી. શનાયે વિવિધ પ્રકારના રુબિક્સ ક્યુબ્સ શીખીને તેની મુસાફરી શરૂ કરી હતી અને સાડાત્રણ વર્ષની ઉંમરે ભારતનો સૌથી નાનો ક્યુબર બન્યો હતો. ત્યાર બાદ શનાયને તુર્કીની યુનિવર્સિટીમાં તેની પ્રતિભા દર્શાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેના મોટા ભાઈ જીનાંશને પગલે-પગલે તેણે માનસિક ગણતરીઓ શીખવાનું શરૂ કર્યું હતું. તે ૨૦૨૧ અને ૨૦૨૨માં વર્લ્ડ એજ્યુકેશન ગેમ્સ ઑસ્ટ્રેલિયામાં ખૂબ જ પ્રૅક્ટિસ કરીને ત્રણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં સાડાત્રણ મિલ્યન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા માઇક્રોસૉફ્ટ, યુનિસેફ અને થ્રીપી લર્નિંગ દ્વારા સંચાલિત હતી. આ સિવાય તેને બૅડ્‍મિન્ટન અને ક્રિકેટ રમવાનો પણ શોખ છે. તે તેના ફ્રી સમયમાં પેઇન્ટિંગ અને વાંચનના તેના શોખને ન્યાય આપે છે.’

જીનાંશે મેળવલી સિદ્ધિઓ વિશે માહિતી આપતાં વિમેશ દેઢિયાએ કહ્યું હતું કે ‘જીનાંશ નાનપણથી જ ક્યુબ્સ ઉકેલવા અને માનસિક ગણતરીઓ કરવા ઉપરાંત બૅડ્મિન્ટન અને ક્રિકેટનો શોખીન છે. જીનાંશે ૫૪  એશિયા બુક અને ૫૪ ઇન્ડિયા બુક ઓફ રેકૉર્ડ્સ સફળતાપૂર્વક બનાવ્યા બાદ એશિયા બુક અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સ દ્વારા જીનાંશને ફાસ્ટેસ્ટ હ્યુમન કૅલ્ક્યુલેટર તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે. સરવાળા, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, કૅલેન્ડરની તારીખો અને બીજી ઘણીબધી ગણતરીઓ કરવા માટે તેના નામે કુલ ૧૦૮ રેકૉર્ડ નોંધાયેલા છે.’

જીનાંશે પણ ક્યુબ શીખવાની સાથે તેની સફર શરૂ કરી હતી અને ચાર વર્ષની ઉંમરે વિવિધ પ્રકારના ક્યુબ્સ ઉકેલનાર ભારતનો સૌથી નાનો ક્યુબર બન્યો હતો એમ જણાવીને જિનલ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ પછી તરત જ અમે તેને માનસિક ગણતરીની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. તેણે માનસિક ગણતરીના વિવિધ વિષયો શીખવા અને પ્રૅક્ટિસ કરવામાં ખૂબ જ રસ કેળવવાનું શરૂ કર્યું હતું. તે નિષ્ઠાપૂર્વક ખૂબ જ મહેનત સાથે તેની પ્રૅક્ટિસ કરતો હતો. એને કારણે તે માઇક્રોસૉફ્ટ, યુનિસેફ અને થ્રીપી લર્નિંગ દ્વારા સંચાલિત વર્લ્ડ એજ્યુકેશન ગેમ્સ - ઑસ્ટ્રેલિયામાં સાડાચાર વર્ષની ઉંમરે ભારત માટે તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો હતો. પાંચ વર્ષની ઉંમરે તે વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ્‍સ ઑલિમ્પિક્સ - યુએસએમાં ભાગ લેનાર વિશ્વનો સૌથી યુવા સ્પર્ધક હતો. સ્પર્ધામાં તેના જબરદસ્ત પ્રદર્શન પછી તેને સ્ટીવ હાર્વે અભિનીત હૉલીવુડના પ્રખ્યાત શો ધ લિટલ બિગ શૉટ્સમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે છ વર્ષની ઉંમરે જર્મનીમાં જુનિયર મેન્ટલ કૅલ્ક્યુલેશન કપમાં ભાગ લેનાર વિશ્વનો સૌથી યુવા સ્પર્ધક હતો. તેણે સાત વર્ષની ઉંમરે તુર્કીમાં પાંચ અંકોના મટલિપ્લિકેટોનમાંથી એક પાંચ અંકથી ગુણાકાર અને ૯૭ કૅલેન્ડર તારીખો એક મિનિટમાં ઉકેલીને બે વિશ્વવિક્રમ તોડ્યા હતા. તેની ગણતરીની કુશળતા બતાવવા માટે તેને મલેશિયાના માઇન્ડ ફેસ્ટિવલમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જીનાંશ નવ વર્ષની ઉંમર સુધીમાં દસ આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યો હતો. તે વર્લ્ડ એજ્યુકેશન ગેમ્સ ૨૦૨૧ અને ૨૦૨૨માં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યો છે. ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં સાડાત્રણ મિલ્યન સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જીનાંશ આ વર્ષે તાજેતરમાં જ મિથુનદા, કરણ જોહર અને પરિણીતી ચોપડાના ‘હુનરબાઝ : દેશ કી શાન’ નામના રિયલિટી શોમાં દેખાયો હતો. તેઓ જીનાંશની પ્રતિભાથી આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં અને તેમણે જીનાંશને ક્યુટ કૅલ્ક્યુલેટર નામ આપ્યું હતું. જીનાંશને કચ્છ શક્તિ અવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. શનાય અને જીનાંશની ઉંમરનાં અન્ય બાળકો રમવામાં મશગૂલ છે ત્યારે અમારાં બાળકોએ માનસિક ગણતરીઓ સાથે તેમની વિશ્વ રેકૉર્ડ બનાવવાની મુસાફરી શરૂ કરી દીધી છે.’

અમે બન્ને ભાઈઓએ નાની ઉંમરમાં મેળવેલી સિદ્ધિઓ બદલ મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારી, સીએચ વિદ્યાસાગર રાવ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું હતું એમ જણાવીને શનાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બન્ને ભાઈઓને જ નહીં, પણ આ સ્પર્ધાના ક્ષેત્રમાં અનેક વિદ્યાર્થીઓને ઇન્ટરનૅશનલ લેવલ સુધી પહોંચડવામાં મારી મમ્મી જિનલ અને પપ્પા વિમેશ દેઢિયાનો બહુ મોટો ફાળો રહેલો છે. અમારી સાથે અન્ય વિદ્યાર્થીઓને પણ મમ્મી-પપ્પા તાલીમ આપી રહ્યાં છીએ જેઓ તેમના કોચિંગ અને માર્ગદર્શન હેઠળ અનેક આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે.’

અમને બન્ને ભાઈઓને એશિયા બુક અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં સ્થાન મળે એ માટે અમારાં મમ્મી-પપ્પા દ્વારા છેલ્લા સાત મહિનાથી વિશેષ કોચિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, કારણ કે તેઓ બન્ને આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કોચ છે એમ જણાવીને જીનાંશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી-પપ્પા બન્ને માને છે કે ઇચ્છિત ધ્યેયોની નજીક જવા માટે વ્યક્તિએ સંપૂર્ણ ઉત્તેજના સાથે અભ્યાસ ચાલુ રાખવો પડશે અને એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખરેખર સમર્પિત હોવું જોઈએ જે ચોક્કસપણે સૌથી મુશ્કેલ સિદ્ધિઓને સાકાર કરી શકે છે. વડીલો અને સર્વશક્તિમાનના આશીર્વાદથી અમે શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી શક્યા છીએ. અમે માનસિક ગણતરીના ક્ષેત્રમાં આપણા દેશને ગૌરવ અપાવવા માટે સતત પ્રયત્નો કરતા રહીશું.’

mumbai mumbai news mulund kutch rohit parikh