04 April, 2023 08:45 AM IST | Mumbai | Mehul Jethva
કાંદિવલીમાં આવેલી પ્લેસ્કૂલ
કાંદિવલીના એક પ્લેગ્રુપમાં અભ્યાસ કરતાં નાનાં બાળકોનું વર્તન એકાએક છેલ્લા ત્રણ મહિનાથી અલગ જોવા મળ્યું હતું, માત્ર બે વર્ષનાં બાળકો ઘરે મારઝૂડ અને ચીડ-ચીડ કરતાં હોવાથી વાલીઓએ પ્લેગ્રુપના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં, જેમાં નાનાં બાળકો સાથે મારઝૂડ અને ગેરવર્તન થતું હોવાનું સામે આવતાં પાંચ વાલીઓએ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં પ્લેગ્રુપ સામે ફરિયાદ નોંધાવી હતી અને પાલિકા પાસે આ પ્લેગ્રુપનું ગુમાસ્તા લાઇસન્સ રદ કરવા માટે માગણી કરવામાં આવી છે.
કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પરની એક સોસાયટીમાં રહેતા કૌશલ ઝવેરીએ કરેલી ફરિયાદ અનુસાર તેમનો બે વર્ષનો દીકરો કાંદિવલીના એમ. જી. રોડ પર આવેલા રાયમ્સ ઍન્ડ રમ્બલ્સ પ્લેગ્રુપમાં ગયા વર્ષના સપ્ટેમ્બરથી અભ્યાસ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી તેમનો પુત્ર ઘરે અગ્રેસિવ વર્તન કરતો હતો; નાની-નાની વાતે ચિડાઈ જવું, કોઈ પણ વાતમાં મારવું એ પ્રકારનું વર્તન જોઈને તેમના પુત્ર સાથે આવતાં અન્ય બે વર્ષનાં બીજાં બાળકોના વાલીઓ જિનેશ શાહ, દિગેશ ઝાલા, ચિરાગ ગોહિલને તેમનાં બાળકોના વર્તન વિશે પૂછવામાં આવતાં એ બાળકો પણ આવું જ વર્તન કરતાં હોવાની માહિતી તેમને મળી હતી. ત્યાર બાદ તમામ વાલીઓએ મળીને પ્લેગ્રુપનાં ૧ જાન્યુઆરીથી ૨૭ માર્ચ સુધીનાં સીસીટીવી કૅમેરા ફુટેજ તપાસ્યાં હતાં, જેમાં જણાયું હતું કે શિક્ષક જિનલ છેડા અને ભક્તિ શાહ બાળકોને માર મારતી હતી અને બાળકોને ચીંટિયા ભરતી હતી. એટલું જ નહીં, અમુક બાળકોને ઉપાડીને ફેંકવામાં પણ આવ્યાં હતાં. આ તમામ માહિતી સામે આવ્યા બાદ બધા વાલીઓએ મળીને કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કાંદિવલી પોલીસે જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ ૨૦૦૦ની કલમ ૨૩ (નાના બાળકો સાથે ઘાતકી વર્તન કરવાની સજા) હેઠળ બન્ને ટીચરની સામે ગુનો નોંધ્યો છે. પોલીસે બન્ને આરોપીને નોટિસ પણ ઇશ્યુ કરી છે.
કૌશલ ઝવેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા બાળક સાથે થયેલું વર્તન બીજાં બાળકો સાથે પણ થયું હતું. અમે સાત જણે પોલીસમાં આ પ્લેગ્રુપ સામે ફરિયાદ નોંધાવી છે અને એનું ગુમાસ્તા લાઇસન્સ રદ કરવા માટે પણ અમે પાલિકા સમક્ષ માગણી કરી છે. આવાં પ્લેગ્રુપ પર સરકારનો કોઈ અંકુશ ન હોવાથી બિન્દાસ તેઓ પોતાની મનમાની કરતાં રહે છે. સરકારના શિક્ષણ વિભાગે ધ્યાન દઈને આના વિશે કોઈ નિયમ બનાવવા જોઈએ. છેલ્લા કેટલાક મહિનાથી મારા બે વર્ષના બાળકના વર્તનમાં ફરક જોવા મળ્યો હતો. મારઝૂડ કરવું, વાત-વાતમાં ગુસ્સો આવવો વગેરે.’
કાંદિવલી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇસ્પેક્ટર દીપક પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે વધુ માહિતી આપવા માટે તેમણે ઇનકાર કર્યો હતો.
રાયમ્સ ઍન્ડ રમ્બલ્સ પ્લેગ્રુપનાં ઓનર જિનલ છેડાનો તેમની બાજુ જાણવા માટે ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો હતો, પણ તેમણે કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.