07 July, 2023 09:15 AM IST | Mumbai | Priti Khuman Thakur
વસઈના તુંગારેશ્વરમાં જીવ ગુમાવનાર રાકેશ વાઘરી
વસઈ-વિરારમાં બે અલગ-અલગ બનાવમાં બે ગુજરાતી ટીનેજરનાં મૃત્યુ થયાં હોવાનું જણાઈ આવ્યું છે. વસઈના તુંગારેશ્વરના તળાવમાં તરવા જતાં ૨૦ વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું, જ્યારે વિરાર (ઈસ્ટ)ના ફુલપાડામાં મહાનગરપાલિકાના પાપડખિંડ ડૅમમાં તરતી વખતે ૧૩ વર્ષનો એક ટીનેજર ડૂબી ગયો હતો. બન્ને બનાવમાં ગુજરાતી યુવાનનાં મૃત્યુ થયાં હોવાથી ગમગીનીનું વાતાવરણ સજાર્યું છે.
પહેલા બનાવમાં વસઈ (પશ્ચિમ)ના આનંદનગરમાં રહેતા રાકેશ રમેશ વાઘરી નામના યુવકનું મૃત્યુ થયું હતું. આ યુવક મંગળવારે સવારે કૉલેજ જવા નીકળ્યો હતો, પરંતુ તે કૉલેજ જવાને બદલે તુંગારેશ્વર ગયો હતો. જોકે બપોરે ૩ વાગ્યે તુંગારેશ્વર વન વિભાગની ચોકી સામે આવેલા તળાવમાં તરવા જતાં તે ડૂબી ગયો હતો. આ બનાવ બાદ પેલ્હાર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવ વિશે રાકેશના મોટા ભાઈ રાજેશ વાઘરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાકેશ વસઈના ૧૦૦ ફીટ રોડ પર આવેલી કૉલેજમાં બારમા ધોરણમાં ભણતો હતો. તેના મિત્રનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી માટે તેઓ તુંગારેશ્વર ગયા હતા. તેણે ઘરમાં કૉલેજ જઈ રહ્યો હોવાનું કહ્યું હતું. તેને સ્વિમિંગ આવડતું નથી છતાં મિત્રો સાથે પાણીમાં ઊતર્યો અને પાણીમાં વચ્ચે ઊંડો ખાડો હોવાથી તે ત્યાં ડૂબતાં મૃત્યુ પામ્યો હતો.’
જ્યારે બીજા બનાવમાં વિરાર (ઈસ્ટ)ના ફુલપાડામાં મહાનગરપાલિકાના પાપડખિંડ ડૅમમાં તરતી વખતે ૧૩ વર્ષનો રાહુલ ખારવા નામનો એક ટીનેજર ડૂબી જતાં મૃત્યુ પામ્યો હતો. વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની માલિકીનો પાપડખિંડ ડૅમ વિરાર (ઈસ્ટ)માં ફુલપાડા વિસ્તારમાં આવેલો છે. ભારે વરસાદને કારણે ડૅમ છલકાઈ ગયો હોવાથી ઘણા લોકો ડૅમ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરી તરવા આવે છે. બુધવારે સવારે આ જ વિસ્તારમાં રહેતો ૧૩ વર્ષનો રાહુલ ખારવા તેના મિત્રો સાથે ડૅમ વિસ્તારમાં આવ્યો હતો. તે તરવા માટે પાણીમાં ગયો હતો, પરંતુ પાણીનો અંદાજ ન હોવાથી તે એમાં ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોએ તેને બહાર કાઢીને વિરાર (પશ્ચિમ)ની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે ત્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે વિરાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
વિરારના ફુલપાડાના પાપડખિંડ ડૅમમાં રાહુલ ખારવાએ જીવ ગુમાવ્યો હતો
ફુલપાડા ડૅમ વિરારને દરરોજ એક એમએલડી લિટર પાણી પૂરું પાડે છે. આ ડૅમમાં તરવાની મનાઈ છે, પરંતુ સુરક્ષાવ્યવસ્થા ન હોવાથી લોકો આ ડૅમમાં તરે છે. મહાનગરપાલિકા અને પોલીસ પૅટ્રોલિંગ કરે અને ડૅમ વિસ્તારમાં તરવા પર પ્રતિબંધ મૂકે એવી સ્થાનિકોએ માગણી કરી છે.