હજી પણ આપણી સુરક્ષા રામભરોસે

12 January, 2023 09:02 AM IST  |  Mumbai | Faizan Khan

જો કોઈ અપ્રિય ઘટના બને તો એને પહોંચી વળવા આપણી સુરક્ષા એજન્સીઓ કેટલી તૈયાર છે એની ચકાસણી કરવા માટે કરવામાં આવેલી મૉક ડ્રિલમાં થયો આ ધડાકો. આ કવાયત વખતે અમુક સીસીટીવી કૅમેરા કામ કરતા ન હોવાનું આવ્યું બહાર. અઠવાડિયામાં બે વાર કરવામાં આવશે આ એક્સરસાઇઝ

ગઈ કાલે સીએસએમટી સ્ટેશન પર ચાલી રહેલી મૉક ડ્રિલ (તસવીર : આશિષ રાજે)

શહેર પોલીસ કંઈ પણ અનિચ્છનીય ઘટના બને ત્યારે એમની સજ્જતા ચકાસવા માટે સપ્તાહમાં બે વખત આતંકવાદ વિરોધી કવાયત હાથ ધરે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કાયદો અને વ્યવસ્થાના જૉઇન્ટ કમિશનર સત્યનારાયણ ચૌધરી દ્વારા શરૂ કરાવવામાં આવેલી આ કવાયતમાં મુંબઈ પોલીસ ઉપરાંત ક્વિક રિસ્પૉન્સ ટીમ અને ફોર્સ વન પણ ભાગ લે છે.

સત્યનારાયણ ચોધરીએ કહ્યું હતું કે ‘આ કવાયતને કારણે અમને ખામીઓને શોધીને એને સુધારવામાં મદદ મળે છે.’

મુંબઈ પોલીસ આવી કવાયત મહત્ત્વના અને ભીડભાડવાળાં ક્ષેત્રોમાં કરે છે, જેમ કે શૉપિંગ મૉલ, રેલવે સ્ટેશન અને સરકારી કાર્યાલયો. બુધવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) પર આવી જ કવાયત યોજાઈ હતી. એમાં સાઉથ રીજનના ઍડિશનલ કમિશનર દિલીપ સાવંત અને ઝોન-૧ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ હરિ બાલાજી ઉપરાંત ટોચના પોલીસ અધિકારીઓ, ક્વિક રિસ્પૉન્સ ટીમ અને ફોર્સ વન ટીમો હાજર હતી.

ચકાસણી કવાયત દરમ્યાન ખબર પડી કે ઘણાં સ્થળોએ સીસીટીવી કૅમેરા કાર્યરત નહોતા, જેની જાણકારી સંબંધિત ડિપાર્ટમેન્ટને આપવામાં આવી હતી. કવાયત દરમ્યાન પોલીસે સલામતીનાં સાધનો અને એક્ઝિટ-એન્ટ્રી પૉઇન્ટની પણ ચકાસણી કરી હતી. વળી અહીં એવાં કોઈ સ્થળો છે જ્યાંથી કોઈ વ્યક્તિ ખબર ન પડે એ રીતે પ્રવેશી શકે છે એ પણ ચેક કરવામાં આવ્યું હતું. લોકલ પોલીસ પણ એમાં જોડાઈ હતી જેથી આવી પરિસ્થિતિ સર્જાય તો કઈ રીતે તૈયાર રહી શકાય તેમ જ નજીકની હૉસ્પિટલ સાથે તાલમેલ કરી શકાય. આવી કવાયત દરમ્યાન કેટલીક વખત લોકોમાં ગભરાટ ફેલાતો હોય છે. પરિણામે અફવાઓ પણ ફેલાતી હોય છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે જ્યાં આવી કવાયત રાખવામાં આવી હોય એ સ્થાન વિશે કન્ટ્રોલ રૂમને જાણ કરીએ છીએ જેથી કોઈ વ્યક્તિ આ વિશે ફોન કરે તો કન્ટ્રોલ રૂમમાં રહેલા લોકો અફવાને રોકી શકે. 

mumbai mumbai news mumbai police faizan khan