રાત્રે ૧૧ વાગ્યા પછી સેન્ટ્રલમાં CSMT-ભાયખલા અને હાર્બરમાં CSMT-વડાલા વચ્ચે લોકલ નહીં મળે

01 March, 2025 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યાત્રીગણ ધ્યાન દેં : આજથી બે દિવસ માટે રાત્રે ૧૧ વાગ્યા પછી સેન્ટ્રલમાં CSMT-ભાયખલા અને હાર્બરમાં CSMT-વડાલા વચ્ચે લોકલ નહીં મળે

પ્રતીકાત્મક તસવીર

CSMT પર પ્લૅટફૉર્મ એક્સટેન્શનના કામ માટે આ બ્લૉક લેવામાં આવ્યો છે

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશનનાં પ્લૅટફૉર્મ નંબર ૧૨ અને ૧૩ના એક્સટેન્શનના કામ માટે આજ રાતથી રવિવારની સવાર સુધી સેન્ટ્રલ લાઇનમાં ભાયખલાથી CSMT અને હાર્બર લાઇનમાં વડાલાથી CSMT વચ્ચે રાતના ૧૧ વાગ્યા પછી ટ્રેન નહીં ચાલે. આ બ્લૉક દરમ્યાન લોકલ ટ્રેનની સાથે બહારગામની પણ અમુક ટ્રેન રદ કરવામાં આવી છે અથવા શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

CSMT સ્ટેશનનાં પ્લૅટફૉર્મ નંબર ૧૨ અને ૧૩ પર ૨૪ ડબ્બાની ટ્રેન ઊભી રહી શકે એના માટે પ્લૅટફૉર્મ એક્સટેન્શનનું કામ કરવાનું હોવાથી આ બ્લૉક લેવામાં આવ્યો છે. આ સિવાય રોજ વહેલી સવારના ૪.૪૭ વાગ્યે CSMTથી કર્જત જતી ટ્રેનને સોમવારે મુમ્બ્રા સુધી જ ચલાવવામાં આવશે.

આજે

આજે રાત્રે ૧૧.૩૦ વાગ્યાથી વહેલી સવારના ૪.૩૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. પાંચ કલાકના આ બ્લૉક દરમ્યાન સેન્ટ્રલ રેલવેમાં CSMTથી ભાયખલા અને હાર્બર લાઇનમાં CSMTથી વડાલા વચ્ચે બન્ને દિશામાં એક પણ લોકલ ટ્રેન નહીં દોડે. અમુક લોકલ રદ કરવામાં આવી છે તો અમુક ટ્રેનને દાદર, પરેલ કે કુર્લા સ્ટેશનથી ચલાવવામાં આવશે.

આવતી કાલે

આવતી કાલે રાત્રે ૧૧.૧૫ વાગ્યાથી રવિવારે સવારના ૯.૧૫ વાગ્યા સુધી ૧૦ કલાકનો બ્લૉક રાખવામાં આવ્યો છે. આ બ્લૉક દરમ્યાન સેન્ટ્રલ રેલવેમાં CSMTથી ભાયખલા અને હાર્બર લાઇનમાં CSMTથી વડાલા વચ્ચે બન્ને દિશામાં એક પણ લોકલ ટ્રેન નહીં દોડે. અમુક લોકલ રદ કરવામાં આવી છે તો અમુક ટ્રેનને દાદર, પરેલ કે કુર્લા સ્ટેશનથી ચલાવવામાં આવશે.

બ્લૉકના સમય દરમ્યાન BESTને વધારાની બસ દોડાવવાનું રેલવે તરફથી કહેવામાં આવ્યું છે.

 

mumbai news mumbai chhatrapati shivaji terminus mumbai local train mumbai trains central railway harbour line