MHB પોલીસે બે ચેઇન-સ્નૅચરની ધરપકડ કરી

31 March, 2024 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેઇન-સ્નૅચર્સ વિશે ફરિયાદ મળ્યા બાદ MHB પોલીસે ઘટનાસ્થળ નજીકના CCTV કૅમેરાનાં ફુટેજની મદદથી કેસની તપાસ શરૂ કરી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રસ્તા પર ચાલતી મહિલાઓના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થઈ જતા બે ચેઇન-સ્નૅચરની બોરીવલીની MHB પોલીસે ધરપકડ કરી છે. ૨૬ માર્ચે સાંજે સાત વાગ્યે ફરિયાદી મહિલા બોરીવલી-વેસ્ટની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલની પાસેથી ચાલીને જતી હતી ત્યારે અચાનક પાછળથી આવેલો એક બાઇકસવાર તેના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ફરાર થઈ ગયો હતો.

ચેઇન-સ્નૅચર્સ વિશે ફરિયાદ મળ્યા બાદ MHB પોલીસે ઘટનાસ્થળ નજીકના CCTV કૅમેરાનાં ફુટેજની મદદથી કેસની તપાસ શરૂ કરી હતી. MHB પોલીસ-સ્ટેશનના તપાસ-અધિકારી સબ-ઇન્સ્પેક્ટર સંદીપ ગોર્ડેએ તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ વિશ્લેષણ અને સૂત્રોની મદદથી બોરીવલીમાં આરોપીઓની હાજરી વિશે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે બોરીવલી-ઈસ્ટમાં છટકું ગોઠવીને બે આરોપીની ધરપકડ કરી હતી. બાવીસ વર્ષના સુચિત જાધવ અને ૨૫ વર્ષના અજય બોરાડે બોરીવલી-ઈસ્ટના રહેવાસી છે. બન્ને આરોપીના કબજામાંથી ૨૦ ગ્રામની સોનાની ચેઇન મળી આવી હતી. આ સાથે ગુનામાં વપરાયેલી બાઇક પણ MHB પોલીસે કબજે કરી હતી. MHB પોલીસે આ ચેઇન-સ્નૅચરોએ બીજે ક્યાં આવી ઘટનાને અંજામ આપ્યો છે એ જાણવા તપાસ શરૂ કરી છે.

mumbai news mumbai borivali mumbai police