04 February, 2023 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : અંધેરીમાં પ્લાસ્ટિકનો વ્યવસાય કરતા વેપારી પાસે કામ કરતો મૅનેજર માલિકના ઘરે આખા દિવસમાં ભેગા કરેલા બાવીસ લાખ રૂપિયા પહોંચાડવા રિક્ષામાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યો બાઇકસવાર તેની બાજુમાં આવીને ધોળે દિવસે બૅગ લઈને પલાયન થઈ ગયો હતો. મૅનેજરે એ પછી માલિકને આ ઘટનાની જાણ કરીને જોગેશ્વરી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી કરી હતી. જોકે હાલમાં આરોપીની ધરપકડ થઈ નથી.
કાંદિવલી-ઈસ્ટમાં ઠાકુર વિલેજ નજીક એક સોસાયટીમાં રહેતા દિનેશ ઠાકરે કરેલી ફરિયાદ અનુસાર છેલ્લાં ૪૬ વર્ષથી તેઓ અંધેરી-ઈસ્ટમાં સહાર રોડ પર રૂપલ પ્લાસ્ટિક લિમિટેડ નામની કંપનીમાં મૅનેજર છે. આ કંપનીના માલિક હેમંત અને કાહન મહેતા છે. પહેલી ફેબ્રુઆરીએ ઑફિસનું કામ પત્યા પછી દિવસમાં ભેગા થયેલા આશરે બાવીસ લાખ રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા. એ પછી માલિકના જણાવ્યા અનુસાર સાંજે સાડાછ વાગ્યે ઑફિસ બંધ કર્યા પછી તમામ પૈસા માલિકના ઘરે આપવાના હોવાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બહાર ટૉકીઝ પાસેથી કાંદિવલી-ઈસ્ટ જવા માટે રિક્ષા પકડી હતી. એ રિક્ષા સાત વાગ્યે મોગરા મેટ્રો સ્ટેશન નજીક પહોંચતાં ટ્રાફિક જૅમ હોવાથી ધીમી થઈ હતી. ત્યારે અજાણ્યો બાઇકસવાર હેલ્મેટ પહેરીને તેમની નજીક આવ્યો હતો અને પૈસાની બૅગ ખેંચી હતી. દિનેશભાઈએ એ આપવાનો ઇનકાર કરતાં આવેલા યુવકે ખિસ્સામાંથી કોઈ હથિયાર મારવા માટે કાઢતો હોવાનો ઢોંગ કર્યો હતો. એનાથી દિનેશભાઈ ડરી ગયા હતા અને પોતાની પાસે પડેલી બૅગ તે યુવાનને આપી દીધી હતી. એ પછી આવેલો યુવાન બૅગ લઈને ત્યાંથી નાસી ગયો હતો. દિનેશભાઈએ માલિકને આ ઘટનાની જાણ કરતાં તેમણે જોગેશ્વરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે કહ્યું હતું.
જોગેશ્વરી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ કેસમાં કોઈ જાણભેદુ હોવાની શક્યતા છે. અમે સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ કરી રહ્યા છીએ.’