26 December, 2022 09:09 AM IST | Mumbai | Priti Khuman Thakur
બે દિવસ પહેલાં આત્મહત્યા કરનારી તુનિશા શર્મા મીરા રોડના આ બિલ્ડિંગમાં રહેતી હતી
અભિનેત્રી તુનિશા શર્માના મૃત્યુના પ્રકરણમાં પોલીસે તેના બૉયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન શર્માની ગઈ કાલે ધરપકડ કરી હતી અને તેને વસઈની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટમાંથી ચાર દિવસની પોલીસ-કસ્ટડી મેળવી હતી. શીઝાન પર તુનિશાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. દરમ્યાન, તુનિશાના મૃતદેહનું મુંબઈની જેજે હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું અને મીરા રોડના નિવાસસ્થાને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ટીવી-સિરિયલની ૨૧ વર્ષની અભિનેત્રી તુનિશા શર્માએ શનિવારે બપોરે વસઈના કામન ખાતે સ્ટુડિયોમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે ટીવી-સિરિયલ ઍક્ટર શીઝાન ખાન સાથે પ્રેમસંબંધમાં હતી, પરંતુ શીઝાને તેની સાથેના સંબંધ તોડી નાખ્યા બાદ તે હતાશ થઈ ગઈ હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી. આ પ્રકરણે તુનિશાની માતા વનિતા શર્માએ શીઝાન વિરુદ્ધ વસઈના વાલિવ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ પર શીઝાન સામે કલમ ૩૦૬ હેઠળ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. એ સાથે તેની શનિવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી. શીઝાનને ગઈ કાલે વસઈની સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ૨૮ ડિસેમ્બર સુધીની ૪ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. શીઝાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
મુંબઈની જેજે હૉસ્પિટલમાં તુનિશાના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. તેના મીરા રોડના ઘરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેના નજીકના સંબંધીએ માહિતી આપી હતી કે તુનિશાની કાકી વિદેશથી આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ કેસની તપાસ કરી રહેલી પોલીસે કહ્યું કે આ મામલામાં લવ જેહાદનો કોઈ ઍન્ગલ હજી સુધી સામે નથી આવ્યો. આ મામલો પ્રેમનો છે અને એમાં મુશ્કેલી ઊભી થતાં તુનિશાએ હતાશામાં આવી જઈને જીવન ટૂંકાવ્યું છે. જોકે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ એસીપી ચંદ્રકાંત જાધવે કહ્યું હતું.
કોણ છે શીઝાન?
જેજે હૉસ્પિટલમાં તુનિશાનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ડૉક્ટરને તેના શરીર પર કોઈ ઈજાનાં નિશાન મળ્યાં નથી. ગૂંગળામણથી તેનું મૃત્યુ થયું હોવાનું જણાયું હતું. તુનિશા સોની સબ ટીવીના શો ‘અલીબાબા : દાસ્તાન-એ-કાબુલ’ની લીડ ઍક્ટ્રેસ હતી. તે આ શોમાં મરિયમનું પાત્ર ભજવતી હતી. તેની સાથે શીઝાન કામ કરતો હતો. તુનિશાની જેમ શીઝાન પણ છેલ્લા ઘણા સમયથી ટીવી-ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. ૨૦૧૩માં ‘જોધા અકબર’ નામના શોમાં શીઝાને અકબરનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું અને એ ભૂમિકાથી તે જાણીતો થયો હતો.
તુનિશા ગર્ભવતી નહોતી : પરિવાર
તુનિશા અને શીઝાન વચ્ચે લદાખ ગયા બાદ નિકટતા વધી હતી. બન્ને એકબીજાની એટલાં નજીક આવી ગયાં હતાં કે તેઓ કલાકો સુધી વાતો કરતાં રહેતાં હતાં. તુનિશા દરરોજ શીઝાનના ઘરે જતી હતી અને શીઝાનની માતા અને બહેન તેને માટે ખાવાનું બનાવતાં હતાં. તુનિશા પ્રેગ્નન્ટ નહોતી એવો ખુલાસો પણ કરવામાં આવ્યો છે.
૧૫ દિવસ પહેલાં તુનિશાને માહિતી મળી હતી કે શીઝાનના જીવનમાં કોઈ બીજું પણ છે. એ પછી તુનિશા તૂટી ગઈ હતી. ૧૬ ડિસેમ્બરે સેટ પર શૂટિંગ દરમ્યાન તુનિશાને ઍન્ગ્ઝાઇટીનો સ્ટ્રોક પણ આવ્યો હતો. ત્યાર બાદ સેટ પરના લોકો તેને બોરીવલીની હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પછી પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ઘરના સભ્યો ત્યાં પહોંચ્યા ત્યારે તુનિશા કહી રહી હતી કે ‘તેણે મને છેતરી છે, તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે. તેણે મારી સાથે અન્યાય કર્યો છે.’ એ પછી તુનિશાની માતાએ તેને સમજાવ્યું હતું કે તેણે આવું ન કરવું જોઈએ. જો તેઓ સાથે રહેવાનાં જ નહોતાં તો આટલાં નજીક કેમ આવ્યાં?
તુનિશાના નજીકના મિત્રએ કહ્યું કે ‘શીઝાન ચોક્કસ કંઈક છુપાવી રહ્યો છે. તેમના બ્રેક-અપથી તે નિરાશ હતી. તેની ઉંમર પણ નાની હતી અને તેણે લગ્ન માટે કોઈ દબાણ પણ કર્યું નહોતું. તે ૧૨ વર્ષની હતી ત્યારથી તે આ ક્ષેત્રમાં છે. તુનિશાના મોબાઇલ ફોનમાંથી પોલીસને ઘણી માહિતી મળી રહેશે. તુનિશાની માતાની હાલત કફોડી છે અને ‘મારી દીકરીને લઈ આવો’ એવું બોલતી રહે છે. તુનિશાની માસી વિદેશથી આવી રહી છે અને એ પછી જ તુનિશાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.’
તુનિશાની માતા વનિતાએ કહ્યું કે ‘શનિવારે અમે તુનિશાનું કામ બરાબર પૂરું થવાથી ખૂબ ખુશ હતાં. તુનિશાએ શીઝાન સાથે મેકઅપરૂમમાં ફૂડ પણ લીધું હતું. જોકે એ પછી શું થયું કે તેણે આત્મહત્યા કરી લીધી એ જ અમને સમજાતું નથી. અભિનેતા શીઝાન ખાન જ મારી દીકરીના મૃત્યુ માટે જવાબદાર છે અને તેને આકરી સજા થવી જોઈએ. મારી નિર્દોષ દીકરીને શીઝાન ખાને છેતરી છે.’
એસીપી ચંદ્રકાંત જાધવે કહ્યું કે ‘અમને તુનિશાની કોઈ સુસાઇડ-નોટ મળી નથી. અમે તેનો મોબાઇલ ફૉરેન્સિક લૅબોરેટરીમાં તેણે કરેલા ચૅટ કૉલ રેકૉર્ડ્સ ચકાસવા માટે મોકલ્યો છે. તુનિશાએ સુસાઇડ કર્યું હતું ત્યારે દરવાજો અંદરથી બંધ હતો, જે ક્રૂના સભ્યોએ તોડીને તુનિશાને બહાર કાઢી હતી. અમે આરોપી શીઝાન ખાનની તુનિશાને મૃત્યુ માટે ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરી છે.’
શીઝાન જ દોષી, તેને આકરી સજા થવી જોઈએ : તુનિશાની મમ્મી
તુનિશાની માતા વનિતાએ કહ્યું કે ‘શનિવારે અમે તુનિશાનું કામ બરાબર પૂરું થવાથી ખૂબ ખુશ હતાં. તુનિશાએ શીઝાન સાથે મેકઅપરૂમમાં ફૂડ પણ લીધું હતું. જોકે એ પછી શું થયું કે તેણે આત્મહત્યા કરી લીધી એ જ અમને સમજાતું નથી. અભિનેતા શીઝાન ખાન જ મારી દીકરીના મૃત્યુ માટે જવાબદાર છે અને તેને આકરી સજા થવી જોઈએ. મારી નિર્દોષ દીકરીને શીઝાન ખાને છેતરી છે.’ એસીપી ચંદ્રકાંત જાધવે કહ્યું કે ‘અમને તુનિશાની કોઈ સુસાઇડ-નોટ મળી નથી. અમે તેનો મોબાઇલ ફૉરેન્સિક લૅબોરેટરીમાં તેણે કરેલા ચૅટ કૉલ રેકૉર્ડ્સ ચકાસવા માટે મોકલ્યો છે. તુનિશાએ સુસાઇડ કર્યું હતું ત્યારે દરવાજો અંદરથી બંધ હતો, જે ક્રૂના સભ્યોએ તોડીને તુનિશાને બહાર કાઢી હતી. અમે આરોપી શીઝાન ખાનની તુનિશાને મૃત્યુ માટે ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરી છે.’