06 September, 2022 07:46 AM IST | Mumbai | Bakulesh Trivedi
આરોપીઓને પકડીને લાવનાર કુર્લા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ
મુંબઈ: દાદરમાં શિવાજી મંદિર ઑડિટોરિયમ પાસે આવેલા જી. બી. પેડણેકર જ્વેલર્સની દુકાનમાંથી ૧.૨૪ કરોડ રૂપિયાના ૨૪૯૨ ગ્રામ સોનાના દાગીનાની ૨૪ ઑગસ્ટે ચોરી થઈ હતી. એ ચોરાયેલા દાગીના અમદાવાદમાં વેચાવા પહોંચી ગયા હતા અને એ દાગીના ગાળી દેવાયા હતા અને એની લગડીઓ બનાવી દેવાઈ હતી. લગડીઓ વેચાય એ પહેલાં જ કુર્લા ક્રાઇમ બ્રાચના અધિકારીઓની ટીમે મૂળ અમદાવાદના પણ હાલ બોરીવલીમાં ભાડે રહેતા પારસ જોબાલિયાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૧૮૯૭.૪૮ ગ્રામ સોનાની કુલ ૪ લગડી હસ્તગત કરી છે. તેના સાગરીત વિનોદ સિંહને પણ નાલાસોપારાથી ઝડપી લેવાયો હતો.
વિનોદ સિંહ અને પારસ જોબાલિયા બન્ને સાથે મળીને કામ કરતા હતા. વિનોદ ચોરી કરતો અને પારસ એ ચોરેલો માલ સગેવગે કરતો હતો. ઘટનાની રાતે વિનોદે દુકાનની પાછળની તરફ આવેલી બાથરૂમની વિન્ડો ગ્રિલ તોડી બાથરૂમમાં એન્ટ્રી મારી હતી અને ત્યાર બાદ બાથરૂમના દરવાજાનું લૅચ તોડી દુકાનમાં પ્રવેશ્યો હતો. તેણે દુકાનમાં શોકેસમાં રાખેલા ૨૪૯૨ ગ્રમના કુલ ૧,૨૪,૬૦,૦૦૦ના દાગીના ચોરી લીધા હતા અને પલાયન થઈ ગયો હતો. દુકાનના માલિક દ્વારા આ સંદર્ભે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની સમાંતર તપાસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ પાંચ-કુર્લાને પણ સોંપવામાં આવી હતી.
કુર્લા ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઘનશ્યામ નાયરે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ચોરીની ઝીણવટભરી તપાસ ચાલુ કરી હતી. આગળના દિવસોનાં સીસીટીવી ફુટેજ ચેક કરતાં એમાં વિનોદ સિંહ જ્વેલરની રેકી કરતો દેખાયો હતો. વિનોદ સિંહ ઘરફોડુ છે. આ પહેલાં પણ બન્ને સામે ચોરીના ગુના નોંધાયેલા છે. અમે તેમને પકડવા ૬ ટીમ બનાવી હતી. વિનોદ સિંહ નાલાસોપારાથી પકડાઈ ગયો હતો. જોકે પારસ મૂળ અમદાવાદનો છે અને ચોરીનો માલ અમદાવાદ વેચે એવી પૂરી શક્યતા હોવાથી અમે એક ટીમ અમદાવાદ મોકલી હતી અને આખરે તેને પણ ત્યાંથી ઝડપી લીધો હતો. તેની પાસેથી અમે ચોરીનો માલ પણ જપ્ત કર્યો છે. તેમણે ચોરેલા દાગીના પીગળાવી એની લગડી બનાવી લીધી હતી.’