02 November, 2024 07:29 PM IST | Mumbai | Prakash Bambhroliya
ગુજરાતી આર્ટિસ્ટ રાજન ભગતે બનાવેલી રતન તાતાની રંગોળી (ડાબે) તેમ જ KBCના સેટ પર ૧૨ વર્ષ પહેલાં પોતાનું ચિત્ર જોઈ રહેલા અમિતાભ બચ્ચન સાથે આર્ટિસ્ટ રાજન ભગત (જમણે)
ઘરઆંગણે કલરફુલ રંગોળી બનાવીને દિવાળીની ઉજવણી કરવાની સાથે નવા વર્ષનું સ્વાગત કરવાની પરંપરા છે. તાજેતરમાં આપણી વચ્ચેથી વિદાય લેનારા ભારતના સર્વોત્તમ ઉદ્યોગપતિ રતન તાતા અને તેમના જીવનને યાદ કરીને લોકો કવિતા અને આર્ટિકલ લખીને કે બીજી કોઈક રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રતન તાતાની વિદાય બાદ પહેલી દિવાળી છે એટલે અંધેરી-વેસ્ટમાં રહેતા ગુજરાતી આર્ટિસ્ટ રાજન ધનસુખલાલ ભગતે આ મહામાનવની સાડાત્રણ ફીટ પહોળી અને ત્રણ ફીટ લાંબી રંગોળી બનાવી છે. આ રંગોળી એટલી અદ્ભુત છે કે એ જોઈને લાગે કે રતન તાતા આપણી સામે જ છે. ૧૨ વર્ષ પહેલાં રાજન ભગતે કૌન બનેગા કરોડપતિ (KBC)ના સેટ પર અમિતાભ બચ્ચને ‘ખુદા ગવાહ’ ફિલ્મમાં ભજવેલું યુવા પઠાણના પાત્રનું પેઇન્ટિંગ પ્રદર્શિત કર્યું હતું. અમિતાભ બચ્ચન પોતાનું પેઇન્ટિંગ જોઈને એના પ્રેમમાં પડી ગયા હતા અને રાજન ભગત પાસેથી એ માગી લીધું હતું.
એક સમયે જ્વેલરી ડિઝાઇનિંગનું કામકાજ કરતા ૭૩ વર્ષના આર્ટિસ્ટ રાજન ભગતે રંગોળી બનાવવા વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રતન તાતા ઉદ્યોગપતિની સાથે માણસોને ઘડનારી મહાન વ્યક્તિ હતા એટલું જ નહીં, તેમણે ઉદ્યોગના માધ્યમથી ભારતના વિકાસમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમનું જીવન એટલું જબરદસ્ત હતું કે સૌ માટે એક મેસેજ છે. આવી વ્યક્તિએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે એટલે દિવાળીમાં તેમની રંગોળી બનાવવાનો મને વિચાર આવ્યો. સફેદ ચણોઠીમાં કલર મિક્સ કરીને ચાર દિવસમાં આ ચિત્ર બનાવ્યું છે. આ રંગોળી આઠથી દસ દિવસ ટકશે.’