15 September, 2022 07:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
`મુંબઈ-પુણે એક્સપ્રેસવે` (Mumbai-Pune Expressway)ની મુસાફરી વધુ ખર્ચાળ બનવા જઈ રહી છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટોલના દરો ટૂંક સમયમાં વધવાના છે. 1 એપ્રિલ, 2023થી એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારાઓએ 18 ટકા વધુ ટોલ ચૂકવવો પડશે. 2004માં, પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે મુંબઈ-પુણે એક્સપ્રેસવેના ટોલ દર ત્રણ વર્ષે 18 ટકા વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તે મુજબ 2023માં ટોલના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ 1 એપ્રિલ 2020ના રોજ પણ આવો જ વધારો થયો હતો. જોકે, 1 એપ્રિલ, 2023ના રોજ લાગુ થતા ટોલ દરો 2030 સુધી અમલમાં રહેશે, એમ MSRDCએ જણાવ્યું હતું.
`મુંબઈ-પુણે એક્સપ્રેસવે` ટ્રાફિક જામ અને અકસ્માતો બંનેને કારણે સતત ચર્ચાનો વિષય છે. વહીવટીતંત્ર પર વારંવાર સવાલો ઊઠ્યા છે, પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી. આ વર્ષે ન્યૂનતમ ભાવમાં વર્તમાન દરથી 50 થી 70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
બે મહત્ત્વના શહેરોને જોડતો આ માર્ગ સરળ ગતિએ ચાલે છે, પરંતુ તેની સરખામણીમાં આ માર્ગ પર અકસ્માતોની સંખ્યા પણ મોટી જોવા મળે છે. આ રોડ પર અવારનવાર થતા અકસ્માતોના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકોએ પોતાનો પરિવારો ગુમાવ્યો છે, પરંતુ હજુ પણ યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી.
તાજેતરમાં શિવસંગ્રામ પાર્ટીના નેતા વિનાયક મેટેનું `મુંબઈ-પુણે એક્સપ્રેસવે` પર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ બાદ ફરી એકવાર પરિવહન વ્યવસ્થા અને સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો. અકસ્માતના કિસ્સામાં, ટ્રાફિક જામના કારણે આ રોડ પર એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થાય છે. આથી ઘણીવાર દર્દીઓની સમયસર સારવાર શક્ય હોતી નથી. તેથી મૃત્યુની સંભાવના વધી જાય છે.
1લી એપ્રિલ 2023થી 31મી માર્ચ 2030 સુધી પુણે-મુંબઈની મુસાફરી માટેના ટોલ દરો નીચે મુજબ હશે
વાહન | વર્તમાન દર | 1 એપ્રિલ, 2023થી લાગુ દર |
ફોર વ્હીલર | 270 | 320 |
ટેમ્પો | 420 | 495 |
ટ્રક | 580 | 685 |
બસ | 797 | 940 |
ત્રણ એક્સેલ | 1380 | 1630 |
એમ એક્સેલ | 1835 | 2165 |