08 February, 2024 09:50 AM IST | Mumbai | Rohit Parikh
જૂનાગઢના ગિરનાર તીર્થના કચ્છી ભવનમાં લગાવવામાં આવેલું બોર્ડ.
આજના ડિજિટલ યુગમાં ઑનલાઇન બુકિંગની માગ વધી રહી છે. એની સાથે ઑનલાઇન ફ્રૉડના સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. ઘેરબેઠાં બુકિંગ કરવામાં લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. આવા જ બનાવો જૈન ધર્મશાળાના બુકિંગના નામે પણ બની રહ્યા છે. એને પરિણામે દેશભરમાં જૈનોનાં દેરાસરોનું સંચાલન કરી રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની સહિત અનેક જૈન ધર્મશાળાઓએ તેમની ધર્મશાળાઓમાં આવતા યાત્રિકોની ઑનલાઇન બુકિંગથી થયેલી છેતરપિંડીની ફરિયાદો પછી યાત્રિકોને ઑનલાઇન બુકિંગથી સાવધાન કરતો પરિપત્ર અને ધર્મશાળાઓમાં બોર્ડ મારવાની શરૂઆત કરી છે. એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઑનલાઇન બુકિંગ કરાવવાને બદલે ધર્મશાળાના કે જે-તે ધર્મશાળાની બ્રાન્ચમાં ફોન કરીને ધર્મશાળાનું બુકિંગ કરાવો, જેથી તમે છેતરપિંડીથી બચી શકો.
ધર્મશાળાનું ઑનલાઇન બુકિંગ કરવા જતાં છેતરાયેલા ઘાટકોપર-ઈસ્ટના જૈન શ્રાવક હેમંત દોલતે પોતાના અનુભવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પરિવારે ક્રિસમસ વેકેશનમાં ગુજરાતના સુરેન્દ્રનગર પાસે આવેલા અમારા પ્રસિદ્ધ જૈન તીર્થ શંખેશ્વર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. આ માટે અમે ગૂગલ પર સર્ચ કરતાં શંખેશ્વરની એક જૈન ધર્મશાળાનો નંબર મળ્યો હતો. એ નંબર પર ફોન કરતાં અમને બ્રિજેશ સિસોદિયાના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું. એ મુજબ અમે મોબાઇલ નંબર ૭૬૬૨૯ ૯૭૬૪૬ પર સાંજે ૭.૩૮ વાગ્યે ૨૪૦૦ રૂપિયાનું યુપીઆઇથી પેમેન્ટ કર્યું હતું. તેમણે અમને એની રસીદ પણ મોકલી હતી. ત્યાર પછી તેમણે અમને ફોન કરીને અમારી પાસે ઓટીપી નંબરની ડિમાન્ડ કરી હતી. ફરીથી પેટીએમમાં જઈને પિન-નંબરની માગણી કરી હતી. આથી અમે સચેત થઈ ગયા હતા. રસીદ મોકલી દીધા પછી તે ઓટીપી અને પિન-નંબર કેમ માગી રહ્યો છે એવા વિચારે અમે સચેત થઈ ગયા હતા. જોકે અમને છેતરાયાની પાકી જાણકારી તો શંખેશ્વર પહોંચ્યા પછી થઈ. ત્યાર પછી અમે આ બાબતની ફરિયાદ ધર્મશાળામાં અને પંતનગર પોલીસ-સ્ટેશનમાં કરી હતી. એ પહેલાં અમે સાઇબર ક્રાઇમમાં પણ ફોન કરીને ફરિયાદ કરી હતી. અમને ત્યાંના પોલીસ-અધિકારીએ અમારા પરિવારના બધા જ વૉટ્સઍપ નંબર પર સાવધાનીથી ચૅટ કરવાની સલાહ આપી હતી. તેમણે અમને ઑનલાઇન બુકિંગ ન કરવાની પણ સલાહ આપી હતી.’
મારી જેમ મારા સાળા સાથે પણ આ જ ધર્મશાળાનું ઑનલાઇન બુકિંગ કરવા જતાં છેતરપિંડી થઈ હતી એટલે અમે ધર્મશાળાની મુંબઈની ઑફિસમાં આ સંદર્ભની ફરિયાદ કરી હતી એમ જણાવીને હેમંત દોલતે કહ્યું હતું કે ‘ત્યાંથી અમને એવો જવાબ મળ્યો હતો કે ઑનલાઇન બુકિંગથી અનેક યાત્રિકો છેતરાયાની અમને ફરિયાદો મળ્યા પછી અમે શંખેશ્વરમાં અમારી ર્ધમશાળાની બહાર યાત્રિકોને સાવધાન કરતું બોર્ડ પણ મૂક્યું છે, જેથી લોકો આવી છેતરપિંડીનો ભોગ બને નહીં અને શંખેશ્વરમાં આવીને તેમના પરિવારે હેરાનગતિ ભોગવવી ન પડે, તેઓ માનસિક શાંતિ સાથે દાદાનાં દર્શન કરી શકે અને તેમને કોઈ તકલીફ વેઠવી ન પડે. અહીં સવાલ એ છે કે શંખેશ્વરની ધર્મશાળાની બહાર બોર્ડ મૂકવાથી યાત્રિકોને ઑનલાઇન બુકિંગમાં છેતરાયાની જાણકારી છેક શંખેશ્વર પહોંચ્યા પછી પડે એનો શું ફાયદો?’
આ બાબતમાં શંખેશ્વરની ધર્મશાળાના સંચાલકો સાથે સ્પષ્ટતા કરવાની ‘મિડ-ડે’એ કોશિશ કરી હતી, પણ એના સંચાલકોએ અને ટ્રસ્ટીઓએ આ બાબતનો જવાબ આપવાને બદલે કહ્યુ હતું કે અમારી પરવાનગી વગર અમારી ધર્મશાળાનું નામ પ્રસિદ્ધ કરતા નહીં.
જોકે જૂનાગઢના ગિરનારના કચ્છી ભવનના સંચાલક જયંતી જે. વોરાએ જૈન ધર્મશાળાના ઑનલાઇન બુકિંગના નામે ઘણાં સ્કૅન્ડલો ચાલી રહ્યાં છે એવી જાણકારી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે એક વર્ષમાં અનેક યાત્રિકોની ઑનલાઇન બુકિંગથી છેતરાયાની ફરિયાદો આવી છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં આવી છેતરપિંડીથી યાત્રિકોએ ૨૫ લાખ રૂપિયાથી વધુ મોટી રકમો ઑનલાઇન બુકિંગ કરવામાં ગુમાવી છે. અમે આ બાબતની જૂનાગઢ સાઇબર સેલમાં ફરિયાદો કરી છે, પણ આજ સુધી કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. અમે લોકોને સાવધાન કરવા માટે અમારી ધર્મશાળાઓની બહાર બોર્ડ પણ લગાવ્યું છે. એમાં અમે સ્પષ્ટ કહ્યું છે કે લેભાગુઓથી સાવધાન : કચ્છી ભવન ગિરનાર જૂનાગઢ તમને (યાત્રિકોને) સૂચિત કરે છે કે કૃપા કરીને બુકિંગ અમારા કાર્યાલયમાંથી કરો. જો તમે કાર્યાલય અથવા ટ્રસ્ટને બદલે અન્ય કોઈ વ્યક્તિનો સંપર્ક કરશો તો એના માટે અમે જવાબદાર નથી.’
જયંતી જે. વોરાએ વધુમાં કહ્યું હતું કે ‘આ સંદેશો કે મેસેજ ફક્ત અમારી ધર્મશાળા માટે નથી. મારી બધા જૈન યાત્રિકોને વિનંતી છે કે તમે દેશના કોઈ પણ શહેર કે ગામમાં આવેલી જૈન ધર્મશાળાનું બુકિંગ ઑનલાઇન કરાવો નહીં. દરેક જૈન ધર્મશાળાના નંબરો એ ધર્મશાળાની વેબસાઇટ પર આપેલા છે. એના પર ફોન કરીને તમારું બુકિંગ કરાવો, એના માટે તમે પાકી તપાસ કરો જેથી તમે કોઈ લેભાગુની છેતરપિંડીનો ભોગ બનો નહીં.’
આજના ડિજિટલ યુગમાં ઑનલાઇન બુકિંગને લોકો પ્રાધાન્ય આપવા લાગ્યા છે. આમ કરવા જતાં તેઓ લેભાગુઓના સકંજામાં આવીને છેતરાયા છે. આવા સમયે રકમ નાની છે કે મોટી એ સેકન્ડરી છે, પણ યાત્રિકોનો પરિવાર યાત્રાના સ્થળે પહોંચ્યા પછી હેરાન થાય છે. અમારા સાધર્મિક ભાઈઓ કે પરિવારો આવી છેતરપિંડીનો ભોગ બને એનું અમને દુખ છે. આથી જ અમે ૧૬ જાન્યુઆરીએ એક પરિપત્ર બહાર પાડીને અમારા યાત્રિકોને ચેતવી દીધા છે એમ જણાવતાં જૈનોનાં મોટા ભાગનાં યાત્રાધામોનું અને દેરાસરોનું સંચાલન કરી રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના જનરલ મૅનેજર નેમિષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારા પરિપત્રમાં સકળ શ્રી સંઘને નિવેદન કરતાં કહ્યું છે કે તમામ યાત્રિક ભાઈ-બહેનોને વિનંતી છે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તકનાં તીર્થો જેવાં કે પાલિતાણા, ગિરનારજી-જૂનાગઢ, શેરીસા, વામજ, તારંગા, કુંભારિયાજી, રાણકપુર, સાદડી, મુછાળા-મહાવીર વગેરે તીર્થોમાં ક્યારેય ઑનલાઇન બુકિંગ કરવામાં આવતું નથી જેની નોંધ લેવા વિનંતી. ધર્મશાળાના બુકિંગ માટે આપ તીર્થની ઑફિસમાં કે અમદાવાદની મુખ્ય ઑફિસમાં સંપર્ક કરીને બુકિંગ કરાવી શકો છો.’