midday

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે વધુમાં વધુ લોકો HSRP બેસાડે એને માટે આપી ઑફર

24 March, 2025 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જ જગ્યાએ એકસાથે ૨૫ વાહનોએ હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાડવાની હશે તો તેમની પાસેથી ૨૫૦ રૂપિયા ફિટમેન્ટ ચાર્જ નહીં લેવાય
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૦૧૯ની ૧ એપ્રિલ પહેલાનાં વાહનો માટે હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) બેસાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અને હવે એ માટેની મુદત ૩૦ જુન સુધી લંબાવવામાં આવી છે. આને માટે ઑનલાઇન અરજી કરીને પેમેન્ટ પણ ઑનલાઇન કરવાનું હોય છે. ઘરે આવીને એજન્સીના કર્મચારીઓ આ નંબર-પ્લેટ બેસાડી જાય એ માટે ૨૫૦ રૂપિયા હોમ ફિટમેન્ટ ચાર્જિસ લેવામાં આવે છે. હવે ટ્રાન્સપોર્ટ કમિશનર શૈલેશ કામતે વાહનધારકો HSRP વહેલી તકે બેસાડે એ માટે એક વધુ ઑફર આપી છે. તેમણે જાહેર કર્યું છે કે જો એક જગ્યાએ ૨૫ કે એનાથી વધુ વાહનધારકો એકસાથે HSRP બેસાડશે તો તેમની પાસેથી હોમ ફિટમેન્ટ ચાર્જિસ નહીં લેવામાં આવે.

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા HSRP બેસાડવાનું કામ ૩ એજન્સીઓને સોંપ્યું છે. ૧ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા આ અભિયાનને બહુ પ્રતિસાદ ન મળતાં વધુમાં વધુ લોકો એનો લાભ લઈ શકે એ માટે ઉપરોક્ત ઑફર આપવામાં આવી છે. કમિશનરે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસોને કહ્યું છે કે તેમણે તેમના વિસ્તારમાંની બસ, ઑટોરિક્ષા, ટૅક્સી, ટ્રક અસોસિએશન્સ સાથે બેઠકો કરી તેમના સભ્યોને HSRP બેસાડવા પ્રોત્સાહિત કરવા જોઈએ.

HSRP હેઠળ દરેક વાહનની નંબર-પ્લેટમાં એક હૉલોગ્રામ આપવામાં આવે છે જેમાં જે-તે ગાડીની વિગતો, આરસી બુક, એન્જિન નંબર, શૅસિ નંબર, વાહનમાલિકનો કૉન્ટૅક્ટ-નંબર અને અન્ય વિગતો હોય છે. અકસ્માત વખતે અથવા કારચોરીના કેસમાં આ બધી માહિતી  HSRPને કારણે તરત જ ઉપલબ્ધ થતાં સહાય કરવાનું કે પછી કાર ચોરાઈ હોય તો એને શોધી કાઢવાનું આસાન થઈ પડે છે.

mumbai transport travel news maharashtra maharashtra news news mumbai mumbai news