અંધેરીમાં વરસાદમાં ખુલ્લા મૅનહોલમાં પડી ગયેલી મહિલાના મોત બાબતે તપાસ કરવા કમિટીની રચના

27 September, 2024 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈને બુધવારે સાંજે ધમરોળનાર ભારે વરસાદમાં અંધેરીમાં સીપ્ઝમાંથી કામ પરથી છૂટેલી ૪૫ વર્ષની મહિલા વિમલ ગાયકવાડ ઘરે જવા નીકળી હતી ત્યારે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ના ગેટ-નંબર ૩ સામે ખુલ્લા મૅનહોલમાં પડી ગઈ હતી

વિમલ ગાયકવાડ SEEPZના ગેટ-નંબર ૩ પાસેના સ્ટૉર્મવૉટર ડ્રેઇનમાં પડી ગઈ હતી.

મુંબઈને બુધવારે સાંજે ધમરોળનાર ભારે વરસાદમાં અંધેરીમાં સીપ્ઝમાંથી કામ પરથી છૂટેલી ૪૫ વર્ષની મહિલા વિમલ ગાયકવાડ ઘરે જવા નીકળી હતી ત્યારે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ના ગેટ-નંબર ૩ સામે ખુલ્લા મૅનહોલમાં પડી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી તેને મૅનહોલ ખુલ્લું હોવાની જાણ ન થવાથી તે એમાં પડી ગઈ હતી. આ બાબતે હવે તેના પરિવારે ફરિયાદ કરતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ તપાસ કરવાનો આદેશ આપ્યો છે એટલું જ નહીં, હાઈ લેવલ કમિટીની રચના પણ કરી છે. આ ઘટનાની જાણ થવાથી ફાયર-બ્રિગેડના જવાનો પહોંચી ગયા હતા અને મૅનહોલથી ૨૫થી ૩૦ ફુટ દૂર તે મહિલા મળી આવી હતી. તેને તરત જ કૂપર હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, પણ ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. 

પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો હતો. જોકે વિમલના પતિએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે હું બીમાર છું અને વિમલ જ મારા પરિવારનું ભરણપોષણ કરતી હતી એટલે આ બાબતે જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. BMC સામે એથી બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે. BMCએ આ બાબતે ઝોન-૩ના ડેપ્યુટી કમિશનર દેવીદાસ ક્ષીરસાગરની આગેવાનીમાં ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. એમાં અન્ય બે સભ્યો ​ચીફ ફાયર-ઑફિસર રવીન્દ્ર અંબુલગેકર અને ચીફ એન્જિનિયર અવિનાશ તાંબેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને ઘટનાની તપાસ કરીને ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા જણાવાયું છે. 

આ વર્ષે ૭ જણ મૅનહોલમાં પડીને મૃત્યુ પામ્યા છે. જોકે એની સામે ગયા વર્ષે ૨૦૨૩માં મુંબઈમાં મૅનહોલનાં ઢાંકણાં ચોરાવાની ૭૯૧ ઘટના બની હતી. 

mumbai news andheri mumbai brihanmumbai municipal corporation brihanmumbai electricity supply and transport