મહારાષ્ટ્રમાં બે અકસ્માતમાં ૧૨ લોકોનાં મોત

18 January, 2025 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં ગઈ કાલનો શુક્રવાર ગોઝારો રહ્યો હતો. બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં કુલ ૧૨ જણનાં મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મૅક્સી ટૅક્સી એટલી જોરથી બસ પર પટકાઈ હતી કે બસને પણ એના કારણે નુકસાન થયું હતું.

મહારાષ્ટ્રમાં ગઈ કાલનો શુક્રવાર ગોઝારો રહ્યો હતો. બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં કુલ ૧૨ જણનાં મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

પહેલો અકસ્માત પુણે અને નાશિક વચ્ચે નારાયણગાવ પાસે થયો હતો. પૂરઝડપે જઈ રહેલા એક આઇશર ટેમ્પોના ડ્રાઇવરે ઓવરટેક કરવાના આશયથી તેનો ટેમ્પો આગળ લેવાની કોશિશ કરી ત્યારે આગળ જઈ રહેલી ૯ જણને સમાવી શકતી મૅક્સી ટૅક્સીને જોરદાર ટક્કર મારી હતી. એ ટક્કર એટલી જોરદાર હતી કે મૅક્સી ટૅક્સી બૉલની જેમ હવામાં ઊછળી હતી. એ વખતે ત્યાં એક બસ ખોટકાઈ ગઈ હોવાથી રોડની સાઇડ પર પાર્ક કરીને પહેલાંથી જ ઊભી હતી. બૉલની જેમ ઊછળેલી એ મૅક્સી ટૅક્સી બસ પર પટકાઈ હતી. ટૅક્સીમાં ૧૧ જણ હતા, એમાંથી ૬ જણના તો ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે બીજા બધા ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે એમાંથી પણ ત્રણનાં ત્યાર બાદ મોત થયાં હતાં. બીજા બે જણની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમને નારાયણગાવ ગ્રામીણ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માત સંદર્ભે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દિલસોજી વ્યક્ત કરી હતી અને મૃત્યુ પામેલા લોકોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની મદદ મુખ્ય મંત્રી સહાયતા નિધિમાંથી આપવાની જાહેરાત કરી હતી. એ સિવાય ઘાયલોને આપવામાં આવતી સારવારમાં કોઈ કસર ન રહી જાય એ માટે કાળજી રાખવાના આદેશ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને આપ્યા હતા.        

બીજો અકસ્માત પુણેથી આગળ સાસવડ જેજુરી રોડ પર બેલસર ફાટા પાસે થયો હતો. બાઇક પર ત્રણ સવારીમાં જઈ રહેલાને એસટી બસે અડફેટે લેતાં એ ત્રણેનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. એ સ્પૉટ પર ફ્લાયઓવર બની રહ્યો છે. એ વખતે બાઇક પર જઈ રહેલા ૬૦ વર્ષના રમેશ મેમાણે, ૬૫ વર્ષના પાંડુરંગ મેમાણે અને ૪૦ વર્ષના સંતોષ મેમાણે બાઇક પર રસ્તો ક્રૉસ કરી રહ્યા હતા. ફ્લાયઓવર ઊતરી રહેલી એસટીના ડ્રાઇવરે સ્પીડ ઓછી કરી બસ નીચેની તરફ સર્વિસ રોડ પર લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ ત્યાં સુધીમાં તો ટક્કર લાગી ગઈ હતી અને બાઇક એ પછી બસની નીચે આવી જતાં ત્રણેનાં મોત થયાં હતાં.

maharashtra road accident pune nashik devendra fadnavis highway maharashtra news news mumbai mumbai news