22 March, 2024 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોસ્ટલ રોડ ૧૨ માર્ચે આંશિક રીતે ખોલવામાં આવ્યો હતો. આશિષ રાણે
કોસ્ટલ રોડ ખૂલ્યાના અઠવાડિયા બાદ ટ્રાફિક-ફ્લો નિયમિત થઈ ગયો છે. ખાસ કરીને સવારના કલાકોમાં મહત્તમ વાહનવ્યવહાર જોવા મળે છે. વરલીથી નરીમાન પૉઇન્ટ સુધી રોજનાં સરેરાશ વાહનોની સંખ્યા ૨૦,૦૦૦ જેટલી છે.
કોસ્ટલ રોડ ૧૨ માર્ચથી સામાન્ય લોકો માટે આંશિક રીતે ખોલવામાં આવ્યો હતો. નવા શરૂ કરાયેલા રૂટ પર વાહનોનો ધસારો પહેલા અઠવાડિયાની સરખામણીમાં આ અઠવાડિયે ઘટ્યો હોય એવું લાગે છે. રૂટ પર સતત જતાં વાહનોની સંખ્યા લગભગ ૨૦,૦૦૦થી ૨૧,૦૦૦ છે.
૧૨ માર્ચે એટલે કે પ્રથમ દિવસે વાહનોની સંખ્યા ૧૬,૩૩૧ હતી જે ૧૫ માર્ચે ૪૦ ટકા વધુ ૨૨,૮૮૦ નોંધાઈ હતી. આ દિવસોમાં સવારના કલાકોમાં નહીં પણ બપોરના ૩થી ૪ વાગ્યાની વચ્ચે સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો જ્યારે સાઉથ-બાઉન્ડ ટ્રાફિક પણ સૌથી વધુ હોય છે.
આ અઠવાડિયાના પહેલા ત્રણ દિવસોમાં વાહનોની સંખ્યા અનુક્રમે ૨૧,૭૧૮, ૨૦,૨૬૩ અને ૨૦,૮૨૬ હતી તો સૌથી વધુ ટ્રાફિક સવારના ૯થી ૧૨ વાગ્યા સુધી જોવા મળ્યો હતો. આ ૩ કલાકમાં ૬૬૦૦ વાહનો (૩૫ ટકા) આ રૂટ પરથી પસાર થયાં હતાં.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કોસ્ટલ રોડ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘દિવસો જતાં જૉયરાઇડ્સની સંખ્યામાં ઘટાડો થતો ગયો છે. અમારા અંદાજ પ્રમાણે રેગ્યુલર ટ્રાફિક-ફ્લો હવે શરૂ થઈ ગયો છે. એક વાર વરલી અને હાજી અલી ઇન્ટરચેન્જ ખૂલી જાય અને કોસ્ટલ રોડ સી-લિન્ક સાથે કનેક્ટ થઈ જાય તો વધારે વાહનચાલકો આ રૂટનો ઉપયોગ કરશે.’
વરલીથી મરીન લાઇન્સ સુધીના કોસ્ટલ રોડની લેન સવારના ૮થી સાંજના પાંચ સુધી, વરલીના બિન્દુ માધવ ઠાકરે ચોકથી અને કોપર ચીમની રેસ્ટોરાં અને અમરસન્સ ગાર્ડન જેવા અન્ય પૉઇન્ટથી સવારે ૮થી રાતના ૮ વાગ્યા સુધી ખુલ્લી છે. વીક-એન્ડ્સ પર રોડ બંધ કરી દેવામાં આવે છે જેથી બાકીનું કામ સમયમર્યાદામાં પૂરું કરી શકાય.