09 June, 2023 10:15 AM IST | Mumbai | Rajendra B Aklekar
કામદારો ટ્રેકના સ્થળાંતર માટે ઓવરહેડ વાયરિંગનું સંચાલન કરી રહ્યાં છે (તસવીર : સૈયદ સમીર આબેદી)
એક સદી બાદ મુંબઈના કુર્લા નજીકની હાર્બર લાઇનમાં મોટો ફેરબદલ થઈ રહ્યો છે. બે વર્ષ અગાઉની યોજના મુજબ કુર્લામાં નવા હાર્બર લાઇન એલિવેટેડ સ્ટેશન માટે રેલવેના પાટાને અસ્થાયી વ્યવસ્થા માટે પૂર્વ તરફ ખસેડવામાં આવ્યા છે. એલિવેટેડ સ્ટેશનને કારણે નિયમિત ટ્રાફિકને ખલેલ પહોંચાડ્યા વગર લોકલની આવનજાવન શક્ય બનશે.
રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ‘શહેરની લાઇફલાઇનને અટકાવ્યા વગર કામ કરવું એક મોટો પડકાર છે. કુર્લાના એલિવેટેડ સ્ટેશન પ્રોજેક્ટ માટે ૧૦૦ વર્ષ પહેલાં જ્યાં પાટાઓ બેસાડવામાં આવ્યા હતા એ જગ્યાનો ઉપયોગ કરવાની જરૂર હતી. ટ્રેનની આવનજાવન ચાલુ રહે એ માટે અમે એક અસ્થાયી ટ્રૅક બનાવ્યો છે, જ્યાં હાલના હાર્બર લાઇન ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવશે. એલિવેટેડ કૉરિડોરનું કામ પૂર્ણ થતાં ટ્રૅકને ફરીથી ગોઠવવામાં આવશે. એલિવેટેડ રેલવે ચુનાભઠ્ઠી સ્ટેશન પાસેથી આગળ વધશે અને ધીમે-ધીમે લોકલ કુર્લાના નવા એલિવેટેડ સ્ટેશનમાં પ્રવેશશે. ટિળકનગર સ્ટેશન પાસે હાર્બર લાઇનની ઉપર સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ ચાર રસ્તા પહેલા નીચે આવશે. નિર્માણ સરળતાથી પૂરું થાય એ માટે કુર્લા અને ટિળકનગર સ્ટેશન વચ્ચે બે નવા ટ્રૅક બનાવવામાં આવ્યા છે.
ગુરુવારે ઓવરહેડ વાયરનું કામ પૂર્ણ થયું હતું. નવો ટ્રૅક રેડી થતાં ટ્રાફિકને ત્યાં ડાઇવર્ટ કરાશે. ઑક્ટોબર ૨૦૧૭માં ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા એલિવેટેડ હાર્બર લાઇન સ્ટેશન વિશે ‘મિડ-ડે’માં પહેલો રિપોર્ટ છપાયો હતો. એલિવેટેડ કુર્લા સ્ટેશન પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે ૮૯.૨૬ કરોડ રૂપિયા છે.
હાર્બર લાઇનનો ઇતિહાસ
હાર્બર લાઇન દેશની પહેલી ઇલેક્ટ્રિક રેલવે હતી. ત્રીજી ફેબ્રુઆરી ૧૯૨૫ના રોજ બૉમ્બે વીટી (હાલ મુંબઈ સીએસએમટી) અને કુર્લા વચ્ચે શરૂ થઈ હતી. કુર્લાથી ચેમ્બુર ટ્રૅક ૧૯૦૬માં બૉમ્બે મ્યુનિસિપાલિટી દ્વારા કચરાને શહેરના બહારના વિસ્તારોમાં લઈ જવા તૈયાર કરાયો હતો. ૪ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ એને ચાર કોચવાળી પૅસેન્જર ટ્રેન માટે ઉપયોગમાં લેવાનો શરૂ કરવામાં આવ્યો. બાદમાં મુંબઈ સીએસએમટી-કુર્લા કૉરિડોર સાથે મર્જ થયું હતું. કુર્લા-ચેમ્બુર લાઇનને ૧૯૨૭માં સ્ટીમ લોકલ માટે માનખુર્દ સુધી લંબાવવામાં આવી. સ્વતંત્રતા બાદ કુર્લા-ચેમ્બુર સ્ટ્રેચને ડબલ કરવામાં આવ્યો. ૧૯૯૨માં લાઇનને વાશી સુધી અને ૧૯૯૮માં પનવેલ સુધી લંબાવવામાં આવી.