ચાલના લોકોને સતાવી રહી છે ટૉઇલેટની ટ્રબલ

08 January, 2023 07:33 AM IST  |  Mumbai | Diwakar Sharma

સ્વચ્છ ભારતના મિશનથી જોજનો દૂર છે વસઈની ચાલનાં ટૉઇલેટ્સ : જૂનાં-પુરાણાં અને બારણાં વિનાનાં ઉઘાડાં; પાણી, વીજળીની સુવિધા વિનાનાં ટૉઇલેટ્સને કારણે રહેવાસીઓએ ખુલ્લામાં શૌચક્રિયા કરવાની ફરજ પડે છે

ચાલના રહેવાસીઓનું કહેવું છે કે પાણી, વીજળી અને દરવાજાની સુવિધા વિનાનાં આ ટૉઇલેટ્સની સફાઈ માટે કદીયે સૅનિટેશન વર્કર ફરક્યા નથી. તસવીર: હનીફ પટેલ

મુંબઈ : વસઈની સંત જલારામ બાપુનગર ચાલનાં જૂનાં-પુરાણાં અને બારણાં વિનાનાં ઉઘાડાં, પાણી, વીજળીની સુવિધા વિનાનાં ટૉઇલેટ્સને કારણે અહીંના રહેવાસીઓને શૌચક્રિયા માટે ખુલ્લામાં જવાની ફરજ પડે છે. એમાં પણ મહિલાઓએ વધુ હાલાકી ભોગવવી પડે છે. તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તેઓ વસઈ-વિરાર શહેર સુધરાઈએ બનાવેલાં ટૉઇલેટ્સ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જ વાપરી શકે છે. આ મામલે સુધરાઈને વારંવાર ફરિયાદો કરાઈ હોવા છતાં ટૉઇલેટ્સની સ્થિતિ જેમની તેમ છે.’

સુધરાઈ, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને લેખિત ફરિયાદ કરવા છતાં કંઈ ન વળતાં આખરે સંત જલારામ બાપુનગર ચાલના રહેવાસીઓએ ‘મિડ-ડે’નો સંપર્ક કર્યો હતો.

આ ચાલમાં ૧,૫૦૦ રૂમ આવેલી છે, જેમાં ૪,૫૦૦ લોકો રહે છે. મોટા ભાગના રહેવાસીઓ કાઠિયાવાડી ગુજરાતી છે. ચાલમાં રહેતા ગુરુવચન કનુજિયાએ જણાવ્યું હતું કે ‘સુધરાઈએ આશરે એક દાયકા પહેલાં નવ ટૉઇલેટ્સ બનાવ્યાં હતાં, પણ ત્યારથી એનું મેઇન્ટેનન્સ કરાયું નથી. અમે ઘણી વખત સુધરાઈને પત્રો લખ્યા, પણ એણે અમારી ફરિયાદ સાંભળવાની તસ્દી લીધી નથી.’

મૂળ ભાવનગરનાં અને દાયકાઓથી ચાલમાં રહેતાં વસંતા કિશન ચાખલિયાએ જણાવ્યું હતું કે ‘સરકારે સાડાચાર હજાર લોકોનો વસવાટ ધરાવતી ચાલ માટે કોઈ પણ પ્રકારની પ્લમ્બિંગ સિસ્ટમ વિના નવ ટૉઇલેટ્સ બનાવડાવ્યાં હતાં. અમારે ટૉઇલેટમાં પાણી સાથે લઈને જવું પડે છે. એટલું જ નહીં, ડ્રગ-ઍડિક્ટ્સથી પણ સાવધ રહેવું પડે છે. વળી ટૉઇલેટ્સથી અમુક જ ફીટના અંતરે રેલવે ટ્રૅક આવેલો હોવાથી ટ્રેનના પૅસેન્જરો સ્પષ્ટપણે ટૉઇલેટની અંદર જોઈ શકે છે. આ સ્થિતિમાં અમારે ટૉઇલેટનો ઉપયોગ કેમ કરવો? અમે સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જ ટૉઇલેટ્સ વાપરીએ છીએ. દિવસ દરમિયાન કાં તો અમે સંયમ રાખીએ છીએ કે પછી ખુલ્લામાં જઈએ છીએ.’

સુધરાઈના એન્જિનિયરોનું આ વિશે શું કહેવું છે?

શહેર સુધરાઈ (વીવીસીએમસી)ના જુનિયર એન્જિનિયર સુબોધ દેશમુખે કહ્યું હતું કે ‘મેં તમામ ટૉઇલેટ્સમાં દરવાજા મુકાવ્યા હતા, પણ કોઈ એ ચોરી ગયું. હવે હું ત્યાં બેસીને દરવાજાની રખેવાળી ન કરી શકું.’

સુધરાઈના અન્ય એક જુનિયર એન્જિનિયર સમર સાવંતે કહ્યું હતું કે ‘આ ટૉઇલેટ્સમાં વીજળી ન હોવાનું મેં આજે જાણ્યું છે. હું સોમવારે આ મામલે તપાસ કરીશ.’

વૉટર ડિપાર્ટમેન્ટના જુનિયર એન્જિનિયર કેતન પાટીલે કહ્યું હતું કે ‘ટૉઇલેટ્સમાં પહેલાં પાણીનું જોડાણ હતું, પણ હવે કેમ નથી એ મને નથી ખબર. હું જગ્યાની મુલાકાત લઈને તમને જાણ કરીશ.’

mumbai mumbai news vasai bhavnagar