મુંબઈમાં યલો, આસપાસમાં ઑરેન્જ, પાલઘરમાં રેડ અલર્ટ- હવામાન વિભાગની ૨૪ કલાકમાં નોંધપાત્ર વરસાદની આગાહી

25 July, 2024 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

ગઈ કાલે સવારે સાંતાક્રુઝમાં એસ. વી. રોડ પર એક ઝાડ તૂટી પડ્યું હતું. (તસવીર - અનુરાગ અહિરે)

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે મધ્યમથી ભારે વરસાદ નોંધાયા બાદ આગામી ૨૪ કલાકમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મુંબઈમાં યલો, મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ઑરેન્જ અને પાલઘરમાં હવામાન વિભાગે રેડ અલર્ટ જારી કરી છે. વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે મુંબઈગરાઓને તૈયાર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. ગઈ કાલે ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે હવા ફૂંકાઈ હતી એટલે અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની ઘટના બની હતી. લોકોની છત્રીઓ પણ કાગડો થઈ ગઈ હતી. આજે ૬૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે એટલે ઠંડીમાં પણ વધારો થઈ શકે છે. આગામી ૨૪ કલાકમાં મધ્યમથી ભારે તો પાલઘર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા હોવાથી રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. આજે બપોરના ૨.૫૧ વાગ્યે ચાર મીટરથી વધુ ઊંચાઈનાં મોજાં સમુદ્રમાં ઊછળવાની શક્યતા છે એટલે આ સમયે જો વધુ વરસાદ પડશે તો નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ શકે છે. ગઈ કાલે સવારના ૮.૩૦ વાગ્યાથી રાતના ૮.૩૦ વાગ્યા સુધી એટલે કે ૧૨ કલાકમાં કોલાબામાં ૩.૯ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૯.૭ મિલીમીટર જેટલો સામાન્ય વરસાદ નોંધાયો હતો.  

mumbai news mumbai mumbai monsoon monsoon news indian meteorological department palghar