04 July, 2022 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના વિધાનસભ્યો સાથે વિધાનભવનમાં આવ્યા એ પહેલાં કોલાબામાં બાળાસાહેબ ઠાકરેની પ્રતિમાને પગે લાગ્યા હતા. (તસવીર : સમીર માર્કન્ડે)
મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં ગઈ કાલે શિવસેના-બીજેપીના ઉમેદવાર રાહુલ નાર્વેકરના સ્પીકરપદ માટેનું મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. ૨૭૪ વિધાનસભ્યોમાંથી ૧૬૪ વિધાનસભ્યોએ રાહુલ નાર્વેકરને મત આપતાં તેઓ વિજયી થયા હતા, જ્યારે શિવસેનાના વિધાનસભ્ય રાજન સાળવીને ૧૦૭ મત મળ્યા હતા. ૨૮૮ વિધાનસભ્યોની વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર સહિત ૨૭૫ વિધાનસભ્યો હાજર રહ્યા હતા, જ્યારે જેલમાં બંધ એનસીપીના વિધાનસભ્યો અનિલ દેશમુખ અને નવાબ મલિક સહિત ૧૨ વિધાનસભ્યો ગેરહાજર રહ્યા હતા અને શિવસેનાના એક વિધાનસભ્યનું મૃત્યુ થયું હોવાથી વિધાનસભામાં એક બેઠક ખાલી છે. એકનાથ શિંદેની સરકારે સ્પીકરપદ મેળવી લીધું છે, પરંતુ શિવસેનામાં વ્હિપ બાબતે ઉદ્ધવ ઠાકરે સમર્થકો સામેની તેમની લડત ગંભીર રૂપ લે એવી શક્યતા છે. એકનાથ શિંદે જૂથે વ્હિપ જારી કર્યો હોવા છતાં ઉદ્ધવ ઠાકરે સમર્થકોએ રાહુલ નાર્વેકરને મતદાન ન કર્યું હોવાથી તેમની સામે ગમે ત્યારે કાર્યવાહી થવાના સંકેત ગઈ કાલે આપ્યા હતા. બે દિવસના વિશેષ સત્રના પહેલા દિવસે સ્પીકરની નિયુક્તિ થયા બાદ આજે એકનાથ શિંદેએ બહુમત પુરવાર કરવાનો રહેશે. જોકે તેમની પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી કોઈ મુશ્કેલી થાય એવું લાગતું નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્પીકરના અભિવાદન વખતે કહ્યું હતું કે આજે હું વધારે કંઈ નહીં બોલું, કાલે તમામ સવાલોના જવાબ આપવાની સાથે અમે રાજ્યમાં શું કરવા માગીએ છીએ એ વિસ્તારથી કહીશ.
શિવસેનામાં બળવો કર્યા બાદ ૧૧ દિવસ મહારાષ્ટ્રથી બહાર સુરત, ગુવાહાટી અને ગોવામાં રહેલા એકનાથ શિંદેના સમર્થક વિધાનસભ્યો શનિવારે મોડી સાંજે મુંબઈ આવી પહોંચ્યા હતા અને ગઈ કાલે વિધાનભવનમાં વિશેષ વિધાનસભા સત્રમાં ભારે પોલીસ-બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા.
વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવળે સત્ર શરૂ થયા બાદ સ્પીકરપદ માટેની ચૂંટણી આરંભી હતી અને પહેલાં બીજેપીના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર માટેનું મતદાન યોજ્યું હતું. ગૃહમાં હાજર ડેપ્યુટી સ્પીકર સહિતના ૨૭૫ વિધાનસભ્યોમાંથી રાહુલ નાર્વેકરને ૧૬૪ મત મળ્યા હતા, જ્યારે મહાવિકાસ આઘાડીના ઉમેદવાર શિવસેનાના રાજાપુરના વિધાનસભ્ય રાજન સાળવીને ૧૦૭ મત મળ્યા હતા. આથી ડેપ્યુટી સ્પીકરે રાહુલ નાર્વેકરને વિજયી જાહેર કર્યા હતા અને થોડી જ મિનિટોમાં તેમને સ્પીકરપદે બિરાજમાન થવાનું કહ્યું હતું.
વિધાનભવનમાં સસરા-જમાઈની જોડી
મહારાષ્ટ્રના રાજકારણમાં પિતા-પુત્ર અને કાકા-ભત્રીજાની જોડી સત્તાના કેન્દ્રમાં ભૂતકાળમાં જોવા મળી હતી. શંકરરાવ ચવાણ અને અશોકરાવ ચવાણ પિતા-પુત્ર તથા વસંતરાવ નાઈક અને સુધાકરરાવ નાઈક કાકા-ભત્રીજાની જોડી મુખ્ય પ્રધાનપદે બિરાજિત થઈ હતી. હવે વિધાન પરિષદ અને વિધાનસભામાં સ્પીકરપદે સસરા અને જમાઈની જોડી બની છે. ગઈ કાલે વિધાનસભામાં બીજેપીના ઍડ. રાહુલ નાર્વેકરની સ્પીકરપદે નિયુક્તિ થઈ હતી. તેઓ વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજે નાઈક નિંબાળકરના જમાઈ છે.
વિધાનભવનમાં શિવસેનાની ઑફિસ સીલ કરાઈ
વિધાનભવનમાં ગઈ કાલે સ્પીકરપદ માટેની ચૂંટણી યોજાઈ હતી ત્યારે વિધાનભવનમાં આવેલી શિવસેનાની ઑફિસ સીલ કરી દેવામાં આવી હતી. બંધ ઑફિસના દરવાજે એક ચિઠ્ઠી ચોંટાડવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે શિવસેના વિધાનસભ્ય દળની સૂચનાથી આ ઑફિસ સીલ કરવામાં આવી છે. શિવસેનામાં વિધાનસભ્યના ગટ નેતાની લડત ચાલી રહી છે. શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેની તમામ પદ પરથી હકાલપટ્ટી કરવાની સાથે વિધાનસભામાં પણ તેમને ગટનેતા પદેથી દૂર કરીને અજય ચૌધરીને ગટ નેતા બનાવ્યા છે. જોકે એકનાથ શિંદે જૂથ પાસે શિવસેનાના પંચાવનમાંથી ૩૯ વિધાનસભ્ય હોવાથી તેમણે એકનાથ શિંદે પોતાના નેતા હોવાનો પત્ર સ્પીકરને સોંપ્યો છે.
જયશ્રી રામ, ભારત માતાની જયના નારા
ગોવાથી એકનાથ શિંદે સાથેના ૫૦ વિધાનસભ્યો ગઈ કાલે સવારના કેસરી સાફા પહેરીને વિધાનભવન પહોંચ્યા હતા. તેમણે પોતાના સ્પીકરપદના ઉમેદવારને મતદાન કર્યા પછી રાહુલ નાર્વેકરની આ પદ માટે વરણી થયા બાદ વિધાનસભામાં જયશ્રી રામ અને ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. ડેપ્યુટી સ્પીકરે રાહુલ નાર્વેકરને સ્પીકરની ખુરસી તરફ દોરી જવાનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કહેતાં તેમણે રાહુલ નાર્વેકરને સ્પીકરની ખુરસી પર બેસાડ્યા હતા.
૧૨ વિધાનસભ્ય ગેરહાજર
રાજ્યની વિધાનસભામાં ૨૮૮ વિધાનસભ્ય છે, જેમાંથી શિવસેનાના મુંબઈના વિધાનસભ્ય રમેશ લટકેનું મૃત્યુ થવાથી એક બેઠક ખાલી છે. બાકીના ૨૮૭ વિધાનસભ્યમાંથી અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાં છે. આથી ૨૮૫ વિધાનસભ્યમાંથી ૨૭૫ વિધાનસભ્ય વિધાનસભામાં હાજર રહ્યા હતા. બીજેપીના બીમાર વિધાનસભ્યો મુક્તા ટિળક અને લક્ષ્મણ જગતાપ, એનસીપીના દત્તા ભરણે, નીલેશ લંકે, અણ્ણા બનસોડે, દિલીપ મોહિતે અને બબન શિંદે, કૉન્ગ્રેસના વિધાનસભ્યો પ્રણતિ શિંદે અને રણજિત કાંબળે તેમ જ એમઆઇએમના વિધાનસભ્ય મુફ્તી ઇસ્માઇલ શાહ વગેરે ૧૦ વિધાનસભ્યો વિવિધ કારણસર હાજર નહોતા રહ્યા.
વ્હિપ બાબતે એકનાથ અને ઉદ્ધવ જૂથની સામસામે ફરિયાદ
સ્પીકરપદની ચૂંટણી તો પૂરી થઈ ગઈ છે, પરંતુ વિધાનસભામાં ગટ નેતા બાબતે શિવસેનામાં લડાઈ જામી છે. ઉદ્ધવ ઠાકરે સમર્થક સુનીલ પ્રભુએ મહાવિકાસ આઘાડીના સ્પીકરપદના ઉમેદવારને મત આપવા માટે પક્ષના તમામ વિધાનસભ્યોને આદેશ આપ્યો હતો. જોકે એકનાથ શિંદે જૂથના ૩૯ વિધાનસભ્યોએ બીજેપીના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરને મત આપ્યો હતો. આથી તેમણે વ્હિપના આદેશનો ભંગ કર્યો હોવાની ફરિયાદ સ્પીકરને કરી છે. આની સામે એકનાથ શિંદે જૂથે શિવસેનાના તમામ વિધાનસભ્યોને રાહુલ નાર્વેકરને મત આપવાનો વ્હિપ જારી કર્યો હોવા છતાં ઉદ્ધવ ઠાકરે સમર્થક ૧૬ વિધાનસભ્યોએ તેમના ઉમેદવાર રાજન સાળવીને મત આપ્યો હતો. આથી એકનાથ શિંદે જૂથના વિધાનસભા પ્રતિનિધિ ભરત ગોગાવલેએ તેમની સામે કાર્યવાહી કરવાની ફરિયાદ સ્પીકરને કરી છે.
આવી સિક્યોરિટી તો કસાબ માટે પણ નહોતી : આદિત્ય ઠાકરે
એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યો ગઈ કાલે સવારના તાજ પ્રેસિડન્સી હોટેલમાંથી વિધાનભવન આવવા નીકળ્યા હતા ત્યારે જડબેસલાક પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. વિધાનસભ્યોને આટલી માત્રામાં સુરક્ષા આપવા બાબતે શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ ટોણો મારતાં કહ્યું હતું કે ‘આટલી સુરક્ષા તો પાકિસ્તાની આતંકવાદી કસબને પણ નહોતી અપાઈ. મુંબઈમાં આટલી બધી સિક્યૉરિટી પહેલી વાર જોઈ. તમે કોનાથી ડરો છો? શું કોઈ ભાગી જવાનું છે? આટલો બધો ગભરાટ શેનો છે?’
પોતાના વિધાનસભા ક્ષેત્રમાં સ્પીકર
ઍડ. રાહુલ નાર્વેકર કોલાબા વિધાનસભાના બીજેપીના વિધાનસભ્ય છે. વિધાનભવન તેમના જ વિધાનસભા ક્ષેત્રમાં આવેલું હોવાથી તેઓ કદાચ પહેલા એવા સ્પીકર છે જેમના વિધાનસભા ક્ષેત્રમાં જ વિધાનભવન આવેલું હોય. આ બાબતે વિધાનસભામાં હાજર કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ વિધાનસભ્યોનું ધ્યાન દોરીને રાહુલ નાર્વેકરનું અભિવાદન કર્યું હતું.