જબરી કરામત... ફાઇનથી બચવા માટે ગુજરાતી મહિલા ટીચરે ઑઇલ પેઇન્ટથી સ્કૂટરનો નંબર જ બદલી નાખ્યો

08 December, 2023 08:00 AM IST  |  Mumbai | Mehul Jethva

નંબરમાંનો નાઇન બદલીને ઝીરો કરવાની ઘટના બહાર આવતાં મહિલા સામે ફરિયાદ નોંધીને પોલીસે તેની ધરપકડ કરી

આરોપી પીનલ પરીખ સ્કૂટર પર

સી. પી. ટૅન્ક પર રહેતી એક ગુજરાતી મહિલાએ પોતાના સ્કૂટર પર ટ્રાફિક વિભાગની કાર્યવાહી થયા પછી ફાઇન ન ભરવો પડે એ માટે સ્કૂટરની નંબરપ્લેટ ઑઇલ પેઇન્ટથી બદલીને એક નંબર બદલી દીધો હતો. સ્કૂટર પર જે નંબર લખવામાં આવ્યો હતો એના પર ફાઇન જતો હોવાથી એના માલિકે તે મહિલાની શોધ કરીને આ ઘટનાની જાણ આઝાદ મેદાન પોલીસને કરી હતી. પોલીસે મહિલા વિરુદ્ધ છેતરપિંડી સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી.

કોલાબામાં પોલીસ કૉલોનીમાં રહેતા અને આઝાદ મેદાન ટ્રાફિક વિભાગના કૉન્સ્ટેબલ સુનીલ માંજરેકરે કરેલી ફરિયાદ અનુસાર ૬ ડિસેમ્બરે હાઈ કોર્ટ પરિસરમાં તે જનરલ ડ્યુટી કરી રહ્યો હતો. એ દરમિયાન સાંજે પાંચ વાગ્યે મુંબઈ વિદ્યાપીઠ સામેથી પસાર થતી વખતે સંજય કાટેકર નામના યુવાને મદદ કરવા માટે અપીલ કરી હતી. તેણે એક સ્કૂટર રોક્યું હતું. એના પર સી. પી. ટૅન્કમાં માધવબાગ ધર્મશાળા નજીક રહેતી ૪૨ વર્ષની પીનલ નવીન પરીખ સવાર હતી. સંજયે કહ્યું હતું કે તેણે ૨૦૧૭માં તેની પત્ની કવિતાના નામે સ્કૂટર ખરીદ્યું હતું. એનો આરટીઓ નંબર એમએચ૦૧સીએચ૧૧૦૮ છે અને છેલ્લા કેટલાક વખતથી તેને ટ્રાફિક પોલીસ તરફથી ટ્રાફિક ફાઇન પેમેન્ટ ઇનવૉઇસ મળી રહ્યાં છે. બાજુમાં ઊભેલી પીનલ તેના સ્કૂટર પર એમએચ૦૧સીએચ૧૧૦૮ નંબર વાપરીને સ્કૂટર ચલાવતી હતી. ઉપરોક્ત સ્થળે હાજર મહિલા પાસે તેના સ્કૂટરનું લાઇસન્સ અને તે જે સ્કૂટર ચલાવી રહી હતી એના દસ્તાવેજો માગ્યા ત્યારે તેણે સ્કૂટરનું લાઇસન્સ અને દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો હતો તેમ જ સ્થળ પરથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આ ઘટનાની જાણ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનને કરતાં તમામ લોકોને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. મહિલાના સ્કૂટરની વિગતો ઈ-ચલાન મશીનમાં તપાસવામાં આવી ત્યારે એ એમએચ૦૧સીએચ૧૧૯૮ હોવાનું જાણવા મળ્યું હતું તેમ જ એનો માલિક વિશાલ કાવળી હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતાં એ ધ્યાનમાં આવ્યું હતું કે તે મહિલા દ્વારા કવિતા કાટેકરના નામે નોંધાયેલા આરટીઓ નંબરનો ઉપયોગ કરવાને કારણે સંજય કાટેકરને ઑગસ્ટ ૨૦૨૩થી આજ સુધીમાં ૩૮૦૦ રૂપિયા ટ્રાફિક દંડ ચૂકવવો પડ્યો હતો. એકંદરે પીનલ પરીખ દ્વારા છેતરપિંડી કરવાના હેતુથી તેના સ્કૂટરની પાછળની અને આગળની નંબરપ્લેટ પર ઑઇલ પેઇન્ટની મદદથી એક નંબર ખોટો દર્શાવવામાં આવ્યો હતો. અંતે આઝાદ મેદાન પોલીસે પીનલ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી.

આઝાદ મેદાન ટ્રાફિક વિભાગના કૉન્સ્ટેબલ સુનીલ માંજરેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ મહિલાએ ટ્રાફિક ફાઇનથી બચવા માટે ઑઇલ પેઇન્ટ વડે નંબર બદલ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યા બાદ તેની સામે શાસન સાથે છેતરપિંડી તેમ જ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મહિલા ટીચર છે. તેણે માત્ર ફાઇનથી બચવા માટે આવું કૃત્ય કર્યું હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અમે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.’

 

colaba mumbai traffic police mumbai traffic mumbai police mumbai mumbai news mehul jethva