05 October, 2024 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વયં પરાંજપે
થાણેના કોપરીમાં રહેતા જાણીતા બિલ્ડર શૈલેશ પરાંજપેના ૨૪ વર્ષના દીકરા સ્વયં પરાંજપેની હત્યા થઈ છે. સ્વયં દ્વારા થતા બ્લૅકમેઇલિંગથી કંટાળેલી યુવતી અને તેના મિત્રએ તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસસૂત્રોએ જણાવ્યું કે ‘સ્વયંની ઓળખાણ ૨૦ વર્ષની યુવતી સાથે એપ્રિલમાં એક લગ્ન દરમ્યાન થઈ હતી. એ પછી તે તેને ડ્રાઇવ પર લઈ ગયો હતો અને એ વખતે તેણે યુવતીને ઘેનની દવા ભેળવેલી પીણું પીવડાવ્યું હતું. એ પછી યુવતી બેહોશ થઈ ગઈ હતી. સ્વયં તેને કોપરીમાં આવેલી સંચાર સોસાયટીના તેના ઘરે લઈ ગયો હતો અને તેના ન્યુડ ફોટો પાડી લીધા હતા. એ પછી તે યુવતીને અવારનવાર ફોટો વાઇરલ કરવાની ધમકી આપી પોતાના ઘરે બોલાવતો હતો. જોકે તેના આવા બ્લૅકમેઇલિંગથી યુવતી કંટાળી ગઈ હતી. તેણે થાણેના જાંભળી નાકા વિસ્તારમાં રહેતા પોતાના ૨૪ વર્ષના મિત્ર મયૂરેશ ધુમાળને આ વાત જણાવી હતી. ગઈ કાલે યુવતી મયૂરેશ સાથે સ્વયંના ઘરે ગઈ હતી. તેણે એ ફોટો તેની પાસે માગ્યા હતા અને એ ડિલીટ કરવા કહ્યું હતું. દરમ્યાન એ વખતે બન્ને વચ્ચે તૂતૂમૈંમૈં થઈ હતી. મામલો વણસી જતાં મયૂરેશ ઉશ્કેરાયો હતો અને તેણે ધારદાર હથિયારથી ઘા મારતાં સ્વયં જખમી થયો અને મૃત્યુ પામ્યો હતો.
હત્યાની આ ઘટના સંદર્ભે કોપરી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય નલાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હત્યાની આ ઘટના ગઈ કાલે સવારે ૯.૩૫ વાગ્યે બની હતી. સોસાયટીના અધ્યક્ષે અમને બનાવની જાણ કરી હતી. તરત જ અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. મયૂરેશ અને યુવતી બન્ને ત્યાં જ હતાં. અમે તેમને તાબામાં લીધાં હતાં અને તેમની સામે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે આ ઘટના બની ત્યારે સ્વયં ઘરે એકલો જ હતો.’ થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસે પણ ઘટનાને ગંભીર ગણાવીને આ બાબતે તપાસ ચાલી રહી હોવાનું કહ્યું હતું.