20 December, 2022 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપતાં વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ હવે યુટીએસ ઑન મોબાઇલ ઍપ દ્વારા ટિકિટ બુક કરાવવાનું વધારે પસંદ કરે છે એવું આંકડાઓ પરથી લાગે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં એપ્રિલથી નવેમ્બરના સમયગાળા દરમ્યાન મોબાઇલ ઍપ દ્વારા વેચાયેલી કુલ ટિકિટમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૦માં લૉકડાઉનની શરૂઆતથી લઈને ઑક્ટોબર ૨૦૨૧ સુધી કોરોનાના રોગચાળાને કારણે મોબાઇલ ઍપ પરની યુટીએસ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. આ મોબાઇલ ઍપ ફરી શરૂ થયા બાદ ચાલુ વર્ષ એપ્રિલ-નવેમ્બર ૨૦૨૨ દરમ્યાન ૬.૩૯ લાખ મુસાફરોએ યુટીએસ દ્વારા તેમની ટિકિટો બુક કરાવી હતી. એનાથી ૭૫.૩૫ કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જે કોવિડ પહેલાંના સમયગાળાની સરખામણીમાં ૬૦.૮૧ કરોડ રૂપિયા એટલે કે ૨૪ ટકા વધુ છે.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રેલવે ઑફિસર સુમીત ઠાકુરે જણાવ્યું કે ‘મોબાઇલ ઍપ પર યુટીએસ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ ટિકિટિંગ મોડ અને સેલ્ફ-ટિકિટિંગને પ્રોત્સાહન આપવું અને મુસાફરો લાઇનનો સામનો કર્યા વિના ટિકિટ ખરીદી શકે એ સુનિશ્ચિત કરવાનો છે. તાજેતરમાં રેલવેએ મોબાઇલ ઍપ પર યુટીએસ દ્વારા ટિકિટ બુક કરવા માટે અંતર પ્રતિબંધમાં ફેરફાર કર્યો છે. યુટીએસ દ્વારા ટિકિટ બુક કરવા માટે એકસમાન અંતર પ્રતિબંધ પાંચ કિલોમીટરથી વધારીને ૨૦ કિલોમીટર કરાયો છે. ઉપનગરીય વિભાગમાં, યુટીએસ દ્વારા ટિકિટ બુક કરવા માટે એકસમાન અંતર પ્રતિબંધ હાલના બે કિલોમીટરથી વધારીને તમામ સંબંધિત ઝોનલ રેલવે માટે પાંચ કિલોમીટર નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેથી રેલવે-સ્ટેશનથી દૂરનાં સ્થળોએ રહેતા મુસાફરોને તેમના ઘરે બેસીને ટિકિટ બુક કરાવવાની સુવિધા મળી રહેશે. યુટીએસનો ઉપયોગ વધે એટલે અનેક રીતે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ફાયદાઓ વિશે યુવાનો સુધી પહોંચવા માટે વેસ્ટર્ન રેલવેના સત્તાવાર સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઇન્ફોટેનમેન્ટ આધારિત વેબકાર્ડ્સ પોસ્ટ કરવામાં આવે છે. તમામ અનરિઝર્વ્ડ જર્ની ટિકિટ, સીઝન ટિકિટ તેમ જ પ્લૅટફૉર્મ ટિકિટ બુક કરી શકાય છે. પેમેન્ટ ગેટવે દ્વારા અથવા કોઈ પણ યુટીએસ કાઉન્ટર પર અથવા વેબસાઇટ www.utsonmobile.indianrail.gov.in દ્વારા પણ ‘R-Wallet’ દ્વારા સરળતાથી રીચાર્જ કરી શકાય છે.’