`પાકિસ્તાનથી મુંબઈ આવ્યા છે ત્રણ આતંકવાદી’, મુંબઈ પોલીસને આવ્યો ધમકીભર્યો ફોન

08 April, 2023 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોન કરનારે પોલીસને એક મુજીબ સૈયદનું નામ જણાવ્યું અને તેનો મોબાઈલ નંબર અને વાહન નંબર પણ પોલીસને આપ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

એક શખ્સે મુંબઈ પોલીસ (Mumbai Police) કંટ્રોલને ફોન કરીને દાવો કર્યો હતો કે શુક્રવારે (7 એપ્રિલ) દુબઈથી ત્રણ આતંકવાદીઓ મુંબઈ આવ્યા છે. આ આતંકવાદીઓનું કનેક્શન પાકિસ્તાન સાથે છે. એટલું જ નહીં, ફોન કરનારે પોલીસને એક મુજીબ સૈયદનું નામ જણાવ્યું અને તેનો મોબાઈલ નંબર અને વાહન નંબર પણ પોલીસને આપ્યો હતો. એક અગ્રણી મીડિયા હાઉસે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ફોન કરનારનું નામ રાજા થોંગે છે, જેણે કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. આ કોલ બાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

ગયા મહિને પણ 1 માર્ચે રાત્રે 11 વાગ્યે, એક અજાણ્યા શખ્સે મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કર્યો અને મુંબઈ (Mumbai)ના કુર્લા (પશ્ચિમ)માં બ્લાસ્ટ થવાનો હોવાની માહિતી આપી હતી. કોલ કરનારે કહ્યું હતું કે આગામી 10 મિનિટમાં કુર્લામાં બ્લાસ્ટ થશે અને આટલું કહીને તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. ફોન કોલ બાદ તરત જ પોલીસે સમય બગાડ્યા વિના તપાસ માટે એક ટીમ બનાવી હતી. જોકે, કલાકોની તપાસ બાદ પણ પોલીસને ત્યાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

મુંબઈ પોલીસ એલર્ટ

મુંબઈ પોલીસને અગાઉ પણ આવા ફોન આવ્યા છે, પરંતુ પોલીસે એક પણ કોલ પર બેદરકારી દાખવી નથી. તેથી જ આ વખતે પણ પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે અને વિસ્તારની તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જો આ માહિતી ખોટી જણાશે કે કોઈ પ્રકારની મજાક હશે તો ફોન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: આપણે જે ટ્રેનમાં ટ્રાવેલ કરીએ છીએ એને બનાવવામાં આ બહેનોનો પણ છે સિંહફાળો

ઉલ્લેખનીય છે કે આ પહેલાં નાગપુરની બે હૉસ્પિટલ, ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ અને માનકાપુરની મેન્ટલ હૉસ્પિટલને પણ ગયા મહિને બોમ્બ ઉડાવવાની ધમકી મળી હતી.

mumbai mumbai news pakistan mumbai police