૧૨ દિવસથી ગાયબ ત્રણ બહેનો મળી, પણ તેઓ ઘરે પાછી જવા તૈયાર નહોતી

02 December, 2024 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે સમજાવીને ત્રણેયનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો : ૧૮ નવેમ્બરે ઘર છોડીને ગયેલી ભાઈંદરની આ બહેનો પાંચ દિવસ રાજસ્થાન રહીને બાદમાં ખારમાં કોઈના ઘરે હોવાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી

ભાઈંદરની ગાયબ થયેલી બહેનો મળી આવી હોવાની જાણ થતાં શનિવારે રાત્રે ભાઈંદર પોલીસ-સ્ટેશનના પરિસરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.

ભાઈંદર-વેસ્ટમાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના મુખ્યાલયની સામેની ડિકોના ગલીમાં રહેતા મૂળ રાજસ્થાનના રાજપુરોહિત પરિવારની સોનલ, રેણુકા અને માનસી નામની ત્રણ બહેનો ૧૮ નવેમ્બરે બપોરે ઘરેથી ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. આ બહેનોના પિતા ગિરધર રાજપુરોહિતે ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ બહેનોની હિલચાલ જાણવા તેમના મોબાઇલ ટ્રેસ કરવાની સિસ્ટમમાં મૂક્યા હતા. એના આધારે સોનલ, રેણુકા અને માનસી ઘરેથી નીકળ્યા બાદ ટ્રેન પકડીને રાજસ્થાન ગઈ હોવાનું અને બાદમાં તેઓ ફરી મુંબઈ આવીને ખારમાં કોઈના ઘરે હોવાનું જણાઈ આવ્યું હતું. ભાઈંદર પોલીસની ટીમે મુંબઈના નિર્મલનગર પોલીસની મદદથી આ બહેનોને શનિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે શોધી લીધી હતી. પોલીસે ત્રણેયને ઘરે જવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઘરે નથી જવા માગતી. જોકે પોલીસ તેમને સમજાવીને ભાઈંદર લઈ આવી હતી અને મોડી રાત્રે પરિવારને સોંપી હતી.

સોનલ રાજપુરોહિત

કેવી રીતે હાથ લાગી?
ભાઈંદર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર પારધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજપુરોહિત પરિવારની ત્રણ સગી બહેનો ૧૮ નવેમ્બરે ઘરેથી નીકળ્યા બાદ પાછી નહોતી ફરી. તેમની મિસિંગની ફરિયાદ નોંધ્યા બાદ અમે ફોન ટ્રેસ કરવાની શરૂઆત કરી હતી. પાંચ દિવસ સુધી તો ત્રણમાંથી કોઈએ તેમના મોબાઇલ ચાલુ નહોતા કર્યા. જોકે પાંચમા દિવસે એકનો મોબાઇલ ઑન થયો ત્યારે તેઓ રાજસ્થાનમાં હોવાનું જણાયું હતું. અમે તેમની હિલચાલ પર નજર રાખી હતી. જોકે બાદમાં મોબાઇલ બંધ થઈ જતાં આ બહેનોનું લોકેશન નહોતું મળ્યું. આમ છતાં અમને તેમનું રાજસ્થાનનું લોકેશન જાણવા મળ્યું હતું એટલે ત્યાં જઈને તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. આથી અમારી ટીમ રાજસ્થાન જવા રવાના થઈ હતી. ટીમ ગુજરાતની બૉર્ડર પાસે પહોંચી હતી ત્યારે આ બહેનો મુંબઈમાં હોવાની જાણ થઈ હતી. આથી ટીમ અધવચ્ચેથી પાછી ફરી હતી. મુંબઈનું લોકેશન ખાર અને બાંદરાની વચ્ચે આવેલા નિર્મલનગરનું હતું. આથી અમારી ટીમ સ્થાનિક પોલીસ-સ્ટેશનની મદદથી આ બહેનો સુધી પહોંચી હતી.’

રેણુકા રાજપુરોહિત

ઘરે જવા નહોતી માગતી
અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર પારધીએ વધુમાં કહ્યું હતું કે ‘અમારી ટીમે બહેનોને શોધી કાઢ્યા બાદ તેમને ઘર લઈ જવાનું કહ્યું ત્યારે તેમણે ઘરે જવાની ના પાડી દીધી હતી. માતા-પિતા લગ્ન કરાવી દેશે એવો તેમને ડર છે એટલે તેઓ ઘરે નહોતી જવા માગતી. જોકે અમે તેમને સમજાવી હતી અને મોડી રાત્રે તેમના પિતા ગિરધર રાજપુરોહિતને સોંપી હતી.’

માનસી રાજપુરોહિત

સૌનો આભાર
૧૨ દિવસથી ગાયબ ત્રણેય પુત્રી હેમખેમ મળી જતાં તેમના પિતા ગિરધર રાજપુરોહિતે પોલીસ અને મીડિયાનો આભાર માનતાં કહ્યું હતું કે ‘મારી દીકરીઓને શોધવામાં પોલીસે ખૂબ જ મહેનત કરી હતી. તેઓ રાજસ્થાન જવા માટે નીકળી ગયા હતા. ‘મિડ-ડે’ સહિતનાં અખબારોમાં ત્રણ સગી બહેનો ગાયબ થવાના સમાચાર આવ્યા બાદ અનેક લોકો અમારી મદદે આવ્યા હતા એટલે અમને દુઃખમાં સાંત્વના મળી હતી. મારી દીકરીઓ હેમખેમ પાછી આવી છે એ માટે સૌનો આભાર.’

bhayander mumbai police news mumbai mumbai news Crime News mumbai crime news