નવી મુંબઈની ત્રણ વ્યક્તિઓએ શૅરમાર્કેટ સ્કૅમમાં ગુમાવ્યા કુલ ૨,૯૭,૧૮,૦૪૭ રૂપિયા

29 May, 2024 09:10 AM IST  |  Mumbai | Mehul Jethva

૩૦થી ૪૦ ટકા નફાની લાલચ આપીને તેમની પાસે પૈસા ઇન્વેસ્ટ કરાવવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારમાં ટ્રેડિંગ તેમ જ ઇન્વેસ્ટમેન્ટ કરીને મહત્તમ લાભ મેળવવાની જાહેરાત સોશ્યલ મીડિયા પર જોઈને નવી મુંબઈમાં રહેતા ત્રણ લોકો સાથે કુલ ૨,૯૭,૧૮,૦૪૭ રૂપિયાની સાઇબર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નવી મુંબઈના સાઇબર વિભાગે નોંધી છે. છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલી દરેક ફરિયાદમાં ૩૦થી ૪૦ ટકા નફાની લાલચ આપી પૈસા ઇન્વેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ઇન્વેસ્ટ કરેલા પૈસા અને નફાના પૈસા ઍપ્લિકેશનમાંથી કાઢવાની કોશિશ કરવામાં આવી ત્યારે એ ન નીકળતાં છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું.

કેસ ૧  

ખારઘરમાં સેક્ટર ૩૫માં રહેતી અને એક કંપનીમાં સિનિયર પોસ્ટ પર નોકરી કરતી ૪૮ વર્ષની વ્યક્તિને ૩૦થી ૪૦ ટકા નફાની લાલચ આપવામાં આવી હતી એમ જણાવતાં નવી મુંબઈના સાઇબર વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૬ ફેબ્રુઆરીએ એક વૉટ્સઍપ ગ્રુપમાં તેમને ઍડ કરવામાં આવ્યા હતા. એમાં મોટો નફો થતો હોવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. ત્યાર બાદ ફેબ્રુઆરીથી મે મહિના સુધીમાં તેમની પાસેથી સ્ટૉકમાર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને ૧,૦૭,૦૯,૦૦૦ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. મે મહિનાના અંતમાં પોતાના પૈસા પાછા મેળવવા જતાં તમામ નંબરો બંધ આવ્યા હતા. અંતે આ ઘટનાની ફરિયાદ ૨૬ મેએ સાઇબર વિભાગમાં નોંધાવવામાં આવી હતી.’

કેસ 2  

નવી મુંબઈના કામોઠેમાં સેક્ટર ૩૬માં રહેતી ૫૧ વર્ષની વ્યક્તિને એપ્રિલ મહિનામાં એક વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કરવામાં આવી હતી. એ ગ્રુપમાં મોટો પ્રૉફિટ થતો હોવાના સ્ક્રીન-શૉટ શૅર કરવામાં આવતાં એ જોઈ તેમને પણ લાલચ જાગી હતી. વધુ માહિતી લીધા બાદ એક ઍપ્લિકેશન પણ તેમણે ડાઉનલોડ કરી હતી. એમાં એપ્રિલથી ૨૫ મે સુધીમાં તેમણે ૩૧,૦૯,૦૪૭ રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા હતા. ઇન્વેસ્ટ કરેલી રકમની સામે નફા સાથે ૮૧,૪૮,૦૦૦ રૂપિયાની રકમ ઍપ્લિકેશન પર દેખાતી હતી. એ પૈસા કાઢવા જતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં ૨૭ મેએ તેમણે સાઇબર વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.

કેસ 3  

નવી મુંબઈના નેરુળમાં સેક્ટર ૨૫માં રહેતા ૭૭ વર્ષના સિનિયર સિટિઝનને માર્ચ મહિનામાં દેવ શાહ નામના યુવાને સંપર્ક કરીને શૅરમાર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે લાલચ આપીને શૅરમાર્કેટમાં મોટો પ્રૉફિટ થશે એમ કહીને માર્ચ મહિનાથી ૧૩ મે સુધીમાં ૧,૫૯,૦૦,૦૦૦ રૂપિયા લીધા હતા. એની સામે નફા સાથે ૬,૦૧,૩૩,૯૮૭ રૂપિયા મળશે એવી લાલચ આપવામાં આવી હતી. જોકે ઇન્વેસ્ટ કરેલા અને પ્રૉફિટના પૈસા પાછા મેળવવા જતાં પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની તેમને જાણ થઈ હતી. અંતે તેમણે પોતાની ફરિયાદ ગઈ કાલે સવારે સાઇબર વિભાગમાં નોંધાવી હતી.

mumbai news mumbai navi mumbai share market cyber crime