ગણેશવિસર્જનમાં ઝઘડો રોકવા ગયેલા થાણેના શિક્ષક પર ત્રણ લોકોએ કર્યો છરીથી હુમલો

16 September, 2024 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીઓ ત્યાંથી નાસી ગયા બાદ મંડળના કાર્યકરોએ સુજિતને ઇલાજ માટે થાણેની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં રહેતા ૩૪ વર્ષના શિક્ષક સુજિત બ્રહ્મભટ્ટની પીઠ પર છરી મારીને તેમની મારઝૂડ કરવા બદલ વાગળે એસ્ટેટ પોલીસે શનિવારે સાહિલ ખડશી, રોહિત દળવી અને સચિન દેશમાનની ધરપકડ કરી છે. શુક્રવાર સાંજે એકલવ્ય સાર્વજનિક ગણેશવિસર્જનમાં નીકળેલા સરઘસમાં આરોપીઓએ મંડળના બીજા કાર્યકર સાથે કોઈ કારણ વગર ઝઘડો કર્યો હતો. એને રોકવા જતાં આરોપીઓએ સુજિત બ્રહ્મભટ્ટ પર હુમલો કર્યો હતો. હાલમાં તેમનો થાણેની સિવિલ હૉસ્પિટલના ​ઇન્ટેન્સિવ કૅર યુનિટ‍ (ICU)માં ઇલાજ ચાલી રહ્યો છે.

સુજિત બ્રહ્મભટ્ટ થાણેના જે. કે. શાહ ક્લાસિસમાં શિક્ષક છે એમ જણાવતાં વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુજિત બ્રહ્મભટ્ટ જિજામાતાનગર ખાતે એકલવ્ય ગણેશ મિત્ર મંડળમાં કાર્યકર છે. શુક્રવારે એકલવ્ય ગણેશ મિત્ર મંડળ દ્વારા સાત દિવસના બાપ્પાનું વિસર્જન હોવાથી રાતે ઢોલ પર નાચીને બધા આનંદ લઈ રહ્યા હતા એ દરમ્યાન આરોપી સચિન દેશમાન અને તેના બે મિત્રો ત્યાં ઊભા રહી, સીટી વગાડીને એકલવ્ય મંડળના કાર્યકરને ચિડાવી રહ્યા હતા. એ જોઈને એકલવ્ય મંડળ સાથે જોડાયેલો સંજય સાહની સચિનને સમજાવવા ગયો ત્યારે તેમણે અપશબ્દો બોલીને સંજયની મારઝૂડ કરી હતી. એ જોઈને સુજિત બ્રહ્મભટ્ટ મધ્યસ્થી કરીને વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સાહિલ ખડશીએ પેન્ટના ખિસ્સામાં રાખેલુ ચાકુ સુજિત બ્રહ્મભટ્ટની પીઠમાં બેથી ત્રણ વાર માર્યું હતું એટલું જ નહીં, તેની સાથે રહેલા રોહિત અને સચિને પણ તેની મારઝૂડ કરી હતી. આ ઘટનામાં સુજિત ગંભીર રીતે જખમી થયો હતો. આરોપીઓ ત્યાંથી નાસી ગયા બાદ મંડળના કાર્યકરોએ સુજિતને ઇલાજ માટે થાણેની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ કેસમાં અમે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.’ સુજિત બ્રહ્મભટ્ટ પાસેથી વધુ માહિતી લેવા માટે ‘મિડ-ડે’એ ફોન દ્વારા પ્રયાસ કર્યો હતો, પણ તેમનો નંબર બંધ આવ્યો હતો.

mumbai news mumbai thane thane crime mumbai crime news mumbai police