09 January, 2023 10:00 AM IST | Mumbai | Priti Khuman Thakur
ગુજરાતી પરિવારની આ કારનો ભીષણ અસ્કમાત થયો હતો
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ચારોટી નજીક શ્રી મહાલક્ષ્મી મંદિર પાસેના પુલ પર ગઈ કાલે બપોરના ૧૨ વાગ્યે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં હતાં અને ચાર સભ્યો ઘાયલ થયા હતા. ખાડાથી બચવાના પ્રયાસમાં આ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી હોવાથી નૅશનલ હાઇવેની સલામતી પર ફરી એક વાર પ્રશ્નાર્થ સર્જાયો છે.
નાલાસોપારા-વેસ્ટમાં શ્રીસ્પ્રથા મધર મૅરી સ્કૂલની બાજુમાં આવેલા સનરાઇઝ અપાર્ટમેન્ટમાં ‘એ’ વિંગમાં રહેતો રાઠોડ પરિવાર ગઈ કાલે થયેલા અકસ્માતમાં વિખેરાઈ ગયો હતો. રાઠોડ પરિવાર ગઈ કાલે સવારે દસ વાગ્યે ગામમાં પરિવારના સંબંધીને ત્યાં કાર્યક્રમમાં જોડાવા રવાના થયો હતો. તેઓ બપોરે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ નૅશનલ હાઇવે પર ગુજરાત તરફના ભાગ પર ભિલાડ જઈ રહ્યા હતા ત્યારે શ્રી મહાલક્ષ્મી મંદિરથી લગભગ એક કિલોમીટર આગળના રસ્તા પરના ખાડાને ટાળવા જતાં આ અકસ્માત બન્યો હોવાની માહિતી સામે આવી છે.
વૅગન આર કાર-નંબર એમએચ ૦૨ ડીએન ૬૮૬૮ને ચલાવી રહેલા દીપેશ રાઠોડને એનો અંદાજ ન રહેતાં કાર આગળ જઈ રહેલા કન્ટેનર ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં કારની આગળનો અને લેફ્ટ બાજુનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ અકસ્માતમાં પરિવારની એક વર્ષની દીકરી સહિત ત્રણ સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં અને અઢી વર્ષની બાળકી સાથે ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને વાપી પાસેની હરિયા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
નૅશનલ હાઇવે પર પડેલા એક ખાડાને ચૂકી જતાં વાહનચાલક દ્વારા રૉન્ગ સાઇડમાં ઓવરટેક કરવાના પ્રયાસને કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત કરવામાં આવ્યું છે. એથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર સલામતીનો પ્રશ્ન ફરી સામે આવ્યો છે.
સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા
દીપેશ રાઠોડના મામા પ્રમોદ રાઠોડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ પરિવાર છેલ્લાં પાંચ વર્ષથી નાલાસોપારામાં રહે છે. દીપેશ રાઠોડ નરોત્તમભાઈનો મોટો દીકરો છે અને તે અંધેરીના એક શોરૂમમાં કામ કરતો હતો. તેનું કામકાજ અહીં હોવાથી તેઓ અહીં શિફ્ટ થઈ ગયા હતા. તેમનો નાનો દીકરો કેતન પણ જૉબ કરે છે. સવારે દસ વાગ્યે તેઓ ઘરેથી વૅગન આર કાર લઈને પોતાના ગામ ભિલાડ જવા નીકળ્યા હતા અને મહાલક્ષ્મી મંદિર પાસે આ બનાવ બન્યો હતો. આખો પરિવાર ઘાયલ થયો હોવાનું અને ત્રણ જણ મૃત્યુ પામ્યા હોવાનું જ અમને જણાયું છે અને અમે બધા ખૂબ આઘાતમાં છીએ.’
પોલીસનું શું કહેવું છે?
આ અકસ્માત વિશે કાસા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘટનાસ્થળ પર જઈને પંચનામું કરાયા બાદ કારચાલક દીપેશ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દીપેશ આગળ જઈ રહેલી ટ્રકને કટ મારીને જઈ રહ્યો હતો, પરંતુ કાર સ્કિડ થતાં તેણે કાર પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને કારની ટ્રકના પાછળના ભાગમાં અથડામણ થતાં અકસ્માત થયો હતો. દીપેશની પૂછપરછમાં તેણે ઘટનાસ્થળ પર ખાડો હોવાથી એને ટાળવા જતાં અકસ્માત થયો હોવાનું કહેતાં પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાસ્થળે એવો કોઈ ખાડો અમને જોવા મળ્યો નહોતો, પરંતુ ત્યાં સફેદ રંગનું ઇન્ડિકેટર હતું. હાલમાં કેસની વધુ તપાસ પોલીસ કરી રહી છે. અકસ્માતમાં લેફ્ટ બાજુએ બેસેલો દીપેશનો ભાઈ કેતન અને તેના હાથમાં રહેલી દીપેશની દીકરી મૃત્યુ પામ્યાં હતાં. લેફ્ટ બાજુએ કારની પાછળ બેસેલા દીપેશના પિતા પણ મૃત્યુ પામ્યા હતા.’
અકસ્માતમાં મૃત્યુ પામેલા અને જખમીઓનાં નામ
અકસ્માતમાં ૬૫ વર્ષના નરોત્તમ રાઠોડ, તેમનો ૩૨ વર્ષનો નાનો દીકરાે કેતન રાઠોડ અને તેમની એક વર્ષની પૌત્રી આર્વી દીપેશ રાઠોડ મૃત્યુ પામ્યાં છે. ૩૫ વર્ષનો દીપેશ રાઠોડ, ૩૨ વર્ષની તેજલ દીપેશ રાઠોડ, ૫૮ વર્ષનાં મધુ નરોત્તમ રાઠોડ અને અઢી વર્ષની સ્નેહલ દીપેશ રાઠોડ જખમી થયાં છે.