29 October, 2022 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોરીવલી-વેસ્ટના વઝીરા નાકા પાસે આવેલા પ્રણયનગરના કોમલ કૌટિલ્ય બિલ્ડિંગનું ડિમોલિશન ચાલી રહ્યું હતું ત્યારે એનો અમુક ભાગ ગઈ કાલે તૂટી પડ્યો હતો. અનુરાગ અહિરે
મુંબઈ : બોરીવલી-વેસ્ટના વઝીરા નાકા પાસે આવેલા પ્રણયનગરનું કોમલ કૌટિલ્ય બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું હોવાથી પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટર દ્વારા એનું ડિમોલિશન ચાલી રહ્યું છે. ગઈ કાલે આ કામ ચાલી રહ્યું હતું ત્યારે બપોરે એક વાગ્યે એનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. એમાં ત્યાં પાર્ક કરાયેલી ત્રણ કારનો ખુડદો બોલી ગયો હતો.
આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને સુધરાઈના સ્થાનિક ‘આર’ સેન્ટ્રલ વૉર્ડને કરવામાં આવી હતી. આ વિસ્તારનાં શિવસેનાનાં નગરસેવિકા અંજલિ ખેડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું છે. ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના એ બિલ્ડિંગનું છેલ્લા ચાર દિવસથી તોડકામ ચાલુ છે. એમ છતાં એની આજુબાજુમાં લોકો કાર પાર્ક કરે છે. ગઈ કાલે બિલ્ડિંગ તોડવાનું કામ ચાલુ હતું ત્યારે એનો કેટલાક ભાગ રોડ તરફ ઝૂક્યો હતો અને પછી તૂટી પડ્યો હતો જે ત્યાં પાર્ક કરેલી ત્રણ કાર પર પડ્યો હતો. એ કાર એ મકાનના રહેવાસીઓની નહોતી. મકાનના રહેવાસીઓ તો મકાન ખાલી કરીને જતા રહ્યા છે. આ કાર આજુબાજુની સોસાયટીમાં અને નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાક લોકોની હતી. નુકસાન પામેલી કારમાં ઇનોવા, વૅગન આર અને અન્ય એક કારનો સમાવેશ થાય છે. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કૉન્ટ્રૅક્ટરે કહ્યું છે કે તે કારમાલિકોને થયેલા નુકસાનની ભરપાઈ કરી આપશે.’