21 February, 2023 08:23 AM IST | Mumbai | Priti Khuman Thakur
દર્શન સોલંકીને ન્યાય મળે એ માટે આઇઆઇટી પર ભીમ આર્મીનું આંદોલન.
મુંબઈ : પવઈમાં આવેલી આઇઆઇટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી) -મુંબઈમાં બી-ટેકના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા અને મૂળ અમદાવાદના મણિનગરમાં રહેતા ૧૮ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીએ ૧૨ ફેબ્રુઆરીએ બપોરે સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. જોકે દર્શનના પરિવારજનોએ દાવો કર્યો હતો કે દર્શને આત્મહત્યા નહીં, પણ તેની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં હાલ સુધી પોલીસ કે મૅનેજમેન્ટ દ્વારા કોઈ યોગ્ય પગલાં કે કાર્યવાહી થઈ ન હોવાથી ભીમ આર્મીના કાર્યકરોએ ગઈ કાલે વિરોધ દાખવીને આંદોલન કર્યું હતું.
જાતિવાદનો શિકાર
દર્શન જાતિવાદનો શિકાર બન્યો છે, પણ એને આત્મહત્યામાં ખપાવવામાં આવી રહ્યો છે, એમ કહેતાં આંદોલન કરી રહેલા ભીમ આર્મીના રાષ્ટ્રીય મહાસચિવ અશોક કાંબળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આઇઆઇટી બૉમ્બેમાં અભ્યાસ કરતો અને અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી દર્શન સોલંકી જાતિવાદનો શિકાર બન્યો છે. દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં જાતિવાદ વધી રહ્યો છે. હું ઘટના બાદ અહીંના પ્રિમાઇસિસથી લઈને લાઇબ્રેરી બધે જ ફર્યો, વિદ્યાર્થીઓથી લઈને સ્ટાફ સાથે વાત કરતાં અનેક આઘાતજનક બાબત જાણવા મળી હતી. અહીં એસ.સી./એસ.ટી. સેલ પણ છે, પરંતુ એ ફક્ત નામનું જ છે. જે વિદ્યાર્થીઓ આ સેલથી ઍડ્મિશન લઈને આવે છે તેમનો અમુક ગ્રુપ બહિષ્કાર કરે છે. તેમની સાથે વાત કરતા નથી, પાસેથી પસાર થાય તો રસ્તો બદલી નાખવો, તેમની સાથે જમવું નહીં; સરવાળે તેમને મેન્ટલી ડિસ્ટર્બ કરવું જેથી તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શકે નહીં.’
દોષીઓ પર કાર્યવાહી કરો
અશોક કાંબળેએ વધુમાં ઉમેરતાં કહ્યું કે ‘ઇન્સ્ટિટ્યૂટમાં ૭ સ્ટુડન્ટ્સ એવા છે જેમણે આ વિશે ૩ વર્ષ પહેલાં સંસ્થાના ડિરેક્ટરને ઈ-મેઇલ કર્યા છે. તેમને મળવાના પ્રયાસ કર્યા, પરંતુ વિદ્યાર્થીઓ મળી શકતા નથી. પ્રોટોકૉલ પ્રમાણે તેઓ મળી નથી શકતા, ફક્ત એવું જ કારણ આપવામાં આવ્યું હતું. એટલે ગઈ કાલે અમે ડિરેક્ટરની સામે બેસ્યા ત્યારે બધાની સામે અમે તેમના રાજીનામાની માગણી કરી હતી તેમ જ તેમના પર ઍટ્રોસિટી ગુનો દાખલ કરવાની પણ માગણી કરી છે. આઇઆઇટી-મુંબઈ સંસ્થાના ડિરેક્ટરને તેમની બેજવાબદારીભર્યા કાર્યભાર બદલ જવાબદાર ઠેરવવા અને દર્શન સોલંકીને ન્યાય અપાવવા માટે આંદોલન કરી રહ્યા છીએ. જ્યાં સુધી દર્શનને ન્યાય મળશે નહીં ત્યાં સુધી અમે શાંત બેસીશું નહીં તેમ જ આ કેસની સીબીઆઇ તપાસ કરે એવી માગણી પણ કરી છે.’
મંત્રાલયનો ઘેરાવ કરવાની તૈયારી
આ બનાવ બાદ આક્રોશ ઠાલવતાં અશોક કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરેક રાજકીય પક્ષની વિદ્યાર્થી સંઘટના છે, પરંતુ વિદ્યાર્થીઓ સાથે આવા અન્યાય થાય છે એ વિશે કંઈ ધ્યાન કેમ અપાતું નથી? એથી અમે બધા પક્ષનો પણ નિષેધ વ્યક્ત કર્યો હતો. ટૂંક સમયમાં અમે વિરોધી પક્ષનેતા અજિત પવાર, ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લઈને નિવેદનપત્ર આપવાના છીએ તેમ જ મંત્રાલયનો ઘેરાવ કરીને ન્યાયની માગ કરવાના છીએ.’
અમદાવાદમાં પણ નીકળી કૅન્ડલ માર્ચ
આઇઆઇટી-મુંબઈમાં બીટેકના અભ્યાસ માટે આવેલા અમદાવાદના યુવાન દર્શન સોલંકીનું ૧૨ ફેબ્રુઆરીએ કૅમ્પસમાં થયેલા મૃત્યુ બાદ તેને ન્યાય અપાવવા ચારે બાજુએથી અવાજ ઊઠી રહ્યો છે ત્યારે રવિવારે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને કૅન્ડલ માર્ચ કાઢી હતી.
હજારો લોકોએ આ રૅલીમાં ભાગ લીધો હતો, જેમાં ઉત્તમ નગરથી સારંગપુર સુધી દર્શન સોલંકીના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.