19 September, 2023 09:04 AM IST | Mumbai | Rohit Parikh
સમેતશિખરમાં બની રહેલા જૈન તીર્થની આબેહૂબ પ્રતિકૃતિનાં દર્શનનો હજારો લોકોએ લીધો લાભ
મુંબઈ : માટુંગા (ઈસ્ટ)માં આવેલી નારાયણ શામજી વાડીમાં રવિવારે અને ગઈ કાલે અચલગચ્છ જૈન સમાજ દ્વારા અચલગચ્છ આચાર્ય મોહિતસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં ઝારખંડમાં આવેલા જૈનોના સમેતશિખર તીર્થમાં આકાર પામી રહેલા શ્રી સમવસરણ વીસ જિનાલય શિખરજી શ્વેતાંબર જૈન તીર્થની આબેહૂબ પ્રતિકૃતિની રચનાનું સર્જન કરવામાં આવ્યું હતું. આ સર્જનથી નારાયણ શામજી વાડી બે દિવસ માટે તીર્થમાં પરિવર્તિત થઈ ગઈ હતી. એની સાથે નવેમ્બર મહિનામાં આ તીર્થના ભૂમિપૂજન સમયે દેરીઓ હેઠળ જે ૪૬ શિલાઓને પધારવામાં આવશે એનાં દર્શન સહિત મહાપૂજા અને ભક્તિસંધ્યાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. એનાં દર્શનનો બે દિવસમાં હજારો ભાવિકોએ લાભ લીધો હતો.
આ બાબતની માહિતી આપતાં આ કાર્યક્રમના એક સંચાલક અને ટ્રસ્ટી મેઘ નંદુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈનોના વીસ તીર્થંકરોની નિર્વાણ કલ્યાણક ભૂમિ એવા પવિત્ર સમેતશિખર મહાતીર્થમાં ચાલીસ વર્ષ પહેલાં કચ્છી અને અચલગચ્છ સમાજના તારણહારા રાષ્ટ્રીય સંત આચાર્ય ગુણસાગર મહારાજાસાહેબની પ્રેરણાથી કચ્છી ભવન સંકુલનું પાંચ એકર જમીન પર નિર્માણ કરવામાં આવ્યું હતું. આની સાથે વીસ જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચાલીસ વર્ષ પછી જીર્ણ થયેલા આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવાનો અચલગચ્છાધિપતિ આચાર્ય કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી નિર્ણય લેવાયો હતો. એને પરિણામે સંસ્થાના ટ્રસ્ટી ચેતન દેઢિયા અને બિપિન ગાલા સહિતના ટ્રસ્ટીઓએ તીર્થના જીર્ણોદ્ધારની જવાબદારી શાસનરત્ન નવકાર મહામંત્ર આરાધક નરેન્દ્ર નંદુને સોંપી હતી.’
જૈનોના સમેતશિખર તીર્થમાં આકાર પામી રહેલા શ્રી સમવસરણ વીસ જિનાલય શિખરજી શ્વેતાંબર જૈન તીર્થમાં અદ્વિતીય વીસ જિનાલય, છ ચૌમુખી જિનાલય, દેવદેવીની દેરીઓ અને છ ગચ્છ ગુરુભગવંતોની દેરીઓનું સર્જન કરવામાં આવશે. આ માહિતી આપતાં મેઘ નંદુએ કહ્યું હતું કે ‘આ તીર્થનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસનો પ્રસંગ ૨૨થી ૨૪ નવેમ્બરે સમેતશિખરમાં યોજાશે. આ પ્રસંગે દેરાસર અને દેરીઓની નીચે ૪૬ શિલાઓને પધરાવવામાં આવશે. આ પ્રસંગે જે ભાવિકો હાજરી નહીં આપી શકે તેઓ અને સમગ્ર જૈન સમાજ આ ૪૬ શિલાનાં દર્શનનો લાભ લઈ શકે એ ઉદ્દેશથી માટુંગાની નારાયણ શામજી વાડીમાં શ્રી સમવસરણ વીસ જિનાલય શિખરજી શ્વેતાંબર જૈન તીર્થની આબેહૂબ પ્રતિકૃતિનું સર્જન કરવામાં આવ્યું હતું. એની સાથે ૪૬ શિલાઓને પણ દર્શનાર્થે મૂકવામાં આવી હતી.’
અમારો આ પ્રસંગ ફક્ત રવિવારે એક જ દિવસ માટે હતો એમ જણાવીને મેઘ નંદુએ કહ્યું હતું કે ‘જોકે પહેલા જ દિવસે રવિવારે સાંજના ૭.૩૦ વાગ્યાથી ૯ વાગ્યા સુધીમાં ૩,૫૦૦થી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આ ભવ્ય પ્રતિસાદ જોઈને સંઘે ગઈ કાલે સવારના ૧૦ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી ભાવિકોને મહાપૂજા અને દર્શનનો લાભ આપ્યો હતો. નિર્માણ પામી રહેલા તીર્થમાં ધર્મશાળા, ભોજનશાળા અને આયંબિલ શાળા જેવી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.’