19 April, 2023 08:44 AM IST | Mumbai | Prajakta Kasale
૧૮ એપ્રિલે જળાશયોમાં ૪,૪૦,૦૦૦ મિલ્યન લિટર પાણી હતું (તસવીર : સમીર માર્કન્ડે)
આ વર્ષે ચોમાસું મોડું આવે એવી શક્યતાને જોતાં રાજ્ય સરકારે મુંબઈ સહિત આસપાસની તમામ બીએમસીઓને પાણીના આયોજન વિશે રિપોર્ટ આપવા જણાવ્યું છે. બીએમસી પાણીકાપ તો નહીં મૂકે, પરંતુ એણે જળાશયોમાંથી વધારાના પાણીની માગ કરી છે. મુંબઈનાં તળાવોમાં ૩૧ ટકા સ્ટૉક બાકી છે, જે ગયા વર્ષ કરતાં થોડોક ઓછો છે. ગયા વર્ષે ચોમાસાને આવતાં મોડું થતાં જૂન મહિનાના અંતમાં શહેરમાં ૧૦ ટકા પાણીકાપ મૂકવો પડ્યો હતો. બીએમસી ૨૩ એપ્રિલથી હાલ મૂકવામાં આવેલો પાણીકાપ પાછો લઈ લેશે, પરંતુ પાણીનો સ્ટૉક ગયા વર્ષ કરતાં ઓછો હોવાથી બીએમસીને થોડીક ચિંતા છે. રાજ્ય સરકારે તમામ બીએમસીઓને આ મામલે એમની યોજનાઓ આપવા જણાવ્યું છે.
હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના ચીફ પુરુષોત્તમ માલવદેએ કહ્યું હતું કે ‘ઉનાળા માટે પર્યાપ્ત પાણી છે, પરંતુ ચોમાસું આવતાં મોડું થતાં ગભરાટની સ્થિતિ સર્જાય છે. તેથી પાણીનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે.’
બીએમસીના અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે ‘પાણીકાપને બદલે અમે સરકારને કહ્યું છે કે ભાત્સા અને અપર વૈતરણા જળાશયોમાં ૭૫ મિલ્યન ક્યુબિક મીટર સ્ટૉક અનામત રાખવામાં આવે. જો કટોકટી હોય તો જ એનો ઉપયોગ કરવામાં આવશે.’
હાલ શહેરનાં જળાશયોમાં ૧૮ એપ્રિલ સુધી ૪,૪૦,૦૦૦ મિલ્યન લિટર પાણી છે. આટલો (૩૦ ટકા) પાણીનો જથ્થો જૂનના અંત સુધીમાં રહે છે. ગયા વર્ષે ૨૭ જૂન સુધીમાં પાણીનો જથ્થો નવ ટકા સુધી પહોંચી જતાં ૧૦ ટકા પાણીકાપ લાદવામાં આવ્યો હતો. જુલાઈમાં પાણીનો સ્ટૉક ૨૫ ટકાના સ્તરે પહોંચ્યો ત્યાર બાદ પાણીકાપ રદ કરાયો હતો. ભારતીય હવામાન વિભાગે અલ નીનોની યોગ્ય સ્થિતિ જોતાં આ વર્ષે ૯૬ ટકા સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે.
૧૮ એપ્રિલ સુધી કેટલું પાણી? |
||
વર્ષ |
પાણી * |
ટકાવારી |
૨૦૨૩ |
૪,૪૦,૦૦૦ |
૩૦ |
૨૦૨૨ |
૪,૭૫,૦૦૦ |
૩૩ |
૨૦૨૧ |
૪,૨૯,૦૦૦ |
૨૯ |
*મિલ્યન લિટરમાં |