12 April, 2023 08:49 AM IST | Mumbai | Sameer Surve
ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ આ વર્ષે પ્રી-મૉન્સૂન રોડના મેઇન્ટેનન્સના કામ માટે ૧૩૬ કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે ચોમાસા પહેલાં બીએમસી રસ્તાઓ પરના ખરાબ પૅચ (અસમાન સપાટી)નું રિપેરિંગ કરશે. પ્રી-મૉન્સૂન કામોમાં આ પહેલાં બીએમસી દ્વારા માત્ર ખાડાઓ અને અનબૅલૅન્સ્ડ જમીનનું જ સમારકામ કરવામાં આવતું.
દર વર્ષે નાગરિક વહીવટી તંત્ર ચોમાસા પહેલાં રસ્તાની જાળવણી માટે દરેક વહીવટી વૉર્ડને બે કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે એમણે આખા શહેરના રસ્તાની જાળવણી માટે ટેન્ડર આમંત્રિત કર્યાં છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉલ્હાસ મહાલેએ જણાવ્યું હતું કે ‘આ વર્ષે અમે નવી ટેક્નૉલૉજી સાથે પ્રી-મોન્સૂન રોડ મેઇન્ટેનન્સનું કાર્ય સક્રિયપણે હાથ ધરીશું. વધુ સારાં પરિણામો માટે અમે રીઍક્ટિવ ડામર અને રૅપિડ હાર્ડનિંગ કૉન્ક્રીટનો ઉપયોગ કરીશું. પ્રી-મૉન્સૂન વર્કમાં દર વર્ષે બીએમસીએ માત્ર ખાડાઓ અને રસ્તાઓના અસંતુલિત પેચનું સમારકામ કર્યું છે. ત્યારે આ વર્ષે બીએમસી પ્રથમ વખત રસ્તાઓ પરના ખરાબ પૅચ (જે સપાટીને ડૅમેજ્ડ કરે છે)ને રિપેર કરશે.’
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘જો ખરાબ સપાટીવાળા રસ્તાના આવા પૅચ ચોમાસા પહેલાં રિપેર કરવામાં આવે તો ખાડા પડવાની શક્યતા ઘટી જાય છે. તેથી જ અમે ખરાબ પૅચને ઓળખીને ચોમાસા પહેલાં એને રિપેર કરવાનું નક્કી કર્યું છે.’
ન્યુઝ રિપોર્ટ્સ અનુસાર બીએમસીએ છેલ્લાં ૧૩ વર્ષમાં ખાડાઓના સમારકામ માટે પાંચ ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો છે. આમાં ૨૦૧૦-’૧૧ માં જેટ પૅચ મશીનનો ઉપયોગ થયો હતો. ત્યાર બાદ ૨૦૧૫-’૧૬ માં તાત્કાલિક ખાડાઓના સમારકામ માટે ઑસ્ટ્રિયન અને ઇઝરાયલી ડામર મિક્સરનો ઉપયોગ થયો હતો. બીએમસીએ ખાડાઓના નિયમિત સમારકામ માટે હૉટ મિક્સ અને કોલ્ડ મિક્સનો પણ ઉપયોગ કર્યો છે. કેટલીક નગરપાલિકાઓ હૉટ મિક્સનો ઉપયોગ કરે છે, પરંતુ શહેરમાં ટ્રાફિક ભીડને કારણે દિવસના સમયે એનો ઉપયોગ કરી શકાતો નથી.’
આ વર્ષે નિયમિત દરેક વહીવટી વૉર્ડને ચોમાસા પહેલાં રસ્તાઓની જાળવણી માટે બે કરોડ રૂપિયા નહીં ફાળવે. એ નાના રસ્તાના સમારકામ માટે દરેકને માત્ર ૫૦ લાખ રૂપિયા ફાળવશે.