07 September, 2024 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજથી શરૂ થયેલા ગણેશોત્સવમાં મંડપ બાંધવા માટે ગયા વર્ષની સરખામણીએ વધારે અરજી મળી હોવા છતાં ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધી બૃહન્મુંબઈ મ્યુસિનિપલ કૉર્પોરેશન (BMC)એ ૩૩૫૮ અરજીમાંથી ૨૬૩૫ ઍપ્લિકેશન જ મંજૂર કરી હતી. ગયા વર્ષે ૩૧૦૨ મંડળોએ અરજી કરી હતી, એમાંથી ૨૭૨૯ મંડળોને પરવાનગી આપવામાં આવી હતી. જે મંડળોને હજી પરવાનગી આપવામાં નથી આવી તેમની ઍપ્લિકેશન BMC, પોલીસ અને ટ્રાફિક વિભાગ પાસે પેન્ડિંગ છે.
સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું કે ‘જે ૭૨૩ અરજીઓ પેન્ડિંગ છે એમાંથી BMC પાસે ૪૭૧, પોલીસ પાસે ૧૪૦ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પાસે ૧૧૨ છે. અત્યાર સુધી પ્રાઇવેટ પ્રિમાઇસિસને ઑફલાઇન પરવાનગી આવતી હતી, પણ આ વર્ષે આખી પ્રોસેસ ઑનલાઇન થઈ ગઈ હોવાથી ઍપ્લિકેશન વધારે આવી હોવાનું લાગી રહ્યું છે.’
ગયા વર્ષે BMCએ ૩૩૬ અરજી રિજેક્ટ કરી હતી, જ્યારે પોલીસ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટે ૩૭ મંડળોને પરવાનગી નહોતી આપી. સૌથી ઓછી અરજી કોરોના વખતે ૨૦૨૦ અને ૨૦૨૧માં આવી હતી.