આખરે શરૂ થયું હાઇવેનું સિમેન્ટ-કૉન્ક્રીટીકરણનું કામ

13 December, 2023 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેના રસ્તાઓનું આ કામ ૧૮ મહિનામાં પૂરું થવાની શક્યતા

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેના રસ્તાઓનું આ કામ ૧૮ મહિનામાં પૂરું થવાની શક્યતા


મુંબઈ ઃ મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેને ખાડા અને અકસ્માતોથી મુક્ત બનાવવા માટે એક મહિનામાં ૧૨૧ કિલોમીટર સુધી સિમેન્ટ-કૉન્ક્રીટીકરણ કરવાની જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી દ્વારા ત્રીજી નવેમ્બરે વસઈ જનતા બૅન્કની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે વિરાર આવ્યા ત્યારે કરવામાં આવી હતી. એ વખતે નીતિન ગડકરીએ કાર્યક્રમ દરમ્યાન જાહેરાત કરી હતી કે ૧૨૧ કિલોમીટરના મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેનું સિમેન્ટ-કૉન્ક્રીટીકરણનું કામ આગામી એક મહિનાની અંદર શરૂ કરવામાં આવશે. આ વિશે ‘મિડ-ડે’એ સવિસ્તર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જોકે એક મહિનાની અંદર તો નહીં, પણ સવા મહિને કામ અંતે શરૂ કરાયું છે. હાઇવે પર ખાનિવડે ટોલનાકા પાસેથી મુંબઈની દિશાએ આ કામ શરૂ કરવામાં આવ્યું છે. હાઇવેના રસ્તા સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવામાં આ‍વતાં હાઇવેથી મુંબઈ, ગુજરાત, થાણે, વસઈ-વિરાર અને પાલઘર વગેરે ઠેકાણે જતા લોકો ખૂબ રાહત મળશે.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે મુંબઈ, થાણે, વસઈ-વિરાર, પાલઘર, સુરત, ગુજરાત સહિતના વિવિધ ભાગોને જોડતો મહત્ત્વનો હાઇવે છે. આ પ્રોજેક્ટ હેઠળ મુંબઈ-અમદાવાદ હાઇવે પર દહિસરથી તલાસરી વચ્ચેનો ૧૨ લેનનો કૉન્ક્રીટ રસ્તો, મ્યુનિસિપલ હદમાં ૪૦ મીટરનો રિંગ રોડ, હાઇવેથી પાંચ શહેરો તરફ આવતા રોડનું કૉન્ક્રીટિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હાઇવે પર લગભગ ૧૨૧ કિલોમીટરના હાઇવેનું વાઇટ ટૉપિંગ કરવામાં આવશે. વાઇટ ટૉપિંગ રસ્તા પરના ખાડાઓને ઘટાડશે અને ડ્રાઇવરોને સલામતભરી મુસાફરી કરવામાં મદદ થશે. 

ઑથોરિટીનું શું કહેવું છે?
હાઇવે ઑથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટર સુહાસ ચિટનીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કામ દરમિયાન ટ્રાફિક-વ્યવસ્થા સંભાળવા માટે ટ્રાફિક પોલીસ સાથે બેઠક કરીને વાતચીત કરવામાં આવી છે. ૧૮ મહિનામાં આ કામ પૂરું કરવામાં આવશે. આ કામને કારણે ટ્રાફિક-જૅમની સમસ્યા, ખાડાની સમસ્યાથી લઈને હાઇવે પર પાણી ભરાવાની સમસ્યા દૂર થશે તેમ જ સિમેન્ટ-કૉન્ક્રીટના રસ્તાઓની સાથે સર્વિસ રોડનું પણ કામ ટૂંક સમયમાં કરવામાં આવશે.’ 

mumbai news