16 February, 2024 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૂંટણી માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
લોકસભાનું ઇલેક્શન હવે જાહેર થવામાં છે ત્યારે બીએમસીના હજારો કર્મચારીઓને ઇલેક્શનની ડ્યુટીમાં સામેલ કરવામાં આવશે. દર વખતે દર પાંચ બૂથ વચ્ચે એક બ્લૉક લોકલ ઑફિસર હોય છે, જ્યારે આ વખતે દરેક બૂથ પર એક બ્લૉક લોકલ ઑફિસરની નિમણૂક કરવાનું નક્કી થયું છે એટલે ઇલેક્શનની ડ્યુટીમાં વધુ સ્ટાફ નીમવો પડશે. ગવર્નમેન્ટે એઇડેડ સ્કૂલના ટીચર્સના અસોસિએશનનું કહેવું છે કે અમે ડ્યુટી કરવા આવીશું એની ના નહીં, પણ બની શકે તો નવમા અને દસમા ધોરણની સાથે સંકળાયેલા શિક્ષકોને એમાંથી બાકાત રાખવામાં આવે.
બીએમસીના જણાવ્યા મુજબ ઑલરેડી ઇલેક્શનની ડ્યુટીમાં કેટલાક સ્ટાફને તો લગાડી જ દેવામાં આવ્યો છે, પણ આ વખતે વધુ સ્ટાફની જરૂર પડે એમ હોવાથી વધારાના ૯૦૦૦ કર્મચારીઓને ટૂંક સમયમાં ડ્યુટી ફાળવી દેવામાં આવશે. માત્ર શિક્ષકો જ નહીં, અન્ય ડિપાર્ટમેન્ટના સ્ટાફને પણ ઇલેક્શન ડ્યુટીના કામ પર લગાડી દેવાયો છે. આના કારણે તેમના રેગ્યુલર કામને અસર થવાની જ છે અને એટલે કેટલીક સિવિક ફૅસિલિટીમાં, સુવિધાઓ આપવામાં બીએમસીને અગવડ પણ પડે અને એ વગર ચલાવી લેવાની મુંબઈગરાઓએ તૈયારી રાખવી પડશે. બીએમસીનું કહેવું છે કે ઑલરેડી અમે ઓછા સ્ટાફમાં કામ કરીએ છીએ અને આ પહેલાં મરાઠા સર્વેમાં પણ સ્ટાફ રોકાયેલો હતો. એથી કામનું પ્રેશર તો છે જ. એમાં હવે ઇલેક્શન ડ્યુટી માટે સ્ટાફ ફાળવવાનો હોવાથી વર્કલોડ વધવાનો જ છે.
મુંબઈમાં ઇલેક્શન વખતે સાડાસાત હજાર બૂથ ઊભાં કરાતાં હોય છે. અત્યાર સુધી દરેક પાંચ બૂથ વચ્ચે એક બ્લૉક લેવલ ઑફિસરની નિમણૂક કરાતી હતી. દરેક બૂથમાં બ્લૉક લેવલ ઑફિસરની નિમણૂક કરવાની છે એટલે વધુ સ્ટાફની જરૂર પડશે.
ઇલેક્શનની ડ્યુટીમાં મોટા ભાગે બીએમસીની સ્કૂલોના સ્ટાફને સાંકળી લેવાતો હોય છે. જોકે ગવર્નમેન્ટ એઇડેડ સ્કૂલના સ્ટાફને પણ હવે ઇલેક્શન ડ્યુટી સોંપાતી હોય છે. ગવર્નમેન્ટ એઇડેડ સ્કૂલના શિક્ષકોના ટીચર્સ ડેમોક્રૅટિક ફ્રન્ટના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાજેશ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળમાં આ પરીક્ષાઓ પછીનો ગાળો હોય છે અને સ્કૂલોમાં પરીક્ષાઓ પતી ગઈ હોય છે. એકથી આઠ ધોરણમાં તો પંદર જ દિવસમાં પેપર્સ તપાસીને રિઝલ્ટ તૈયાર કરી આપી દેવાનું હોય છે, જ્યારે એસએસસી અને એચએસસીની સાથે સંકળાયેલા એક્ઝામિનર્સ (પેપર્સ તપાસનારા શિક્ષકો) અને મૉડરેટર્સ પર પેપર્સ તપાસવાનું ભારે દબાણ હોય છે. દરેક શિક્ષક પાસે અંદાજે ૩૦૦થી ૩૫૦ પેપર હોય છે. એથી અમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને વિનંતી કરી છે કે ઇલેક્શન ડ્યુટી કરવાની અમે ના નથી પાડતા, પણ નવમા અને દસમા ધોરણના એક્ઝામિનર્સ અને મૉડરેટર્સને એમાંથી બાકાત રાખવામાં આવે. હજી ગયા જ અઠવાડિયે બીએમસીએ એની સ્કૂલોના શિક્ષકો માટેનો સરક્યુલર બહાર પાડ્યો છે. બીએમસીના શિક્ષકોનો તો છૂટકો જ નથી હોતો, જ્યારે અમે આ માટે વિનંતી કરી છે. બાકી નૉન-એઇડેડ સ્કૂલો અને પ્રાઇવેટ સ્કૂલોના શિક્ષકોને ઇલેક્શનનું કામ સોંપવામાં આવતું નથી.’