મહારાષ્ટ્રમાં જાતિ પંચાયતનો શૉકિંગ ચુકાદો

29 September, 2024 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુત્રવધૂએ જાતપંચાયતના આઠ લોકો સામે બીડ જિલ્લાના આષ્ટી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સસરાએ પોતાની જાતિમાં જ કરેલાં લવ મૅરેજનો અઢી લાખનો દંડ નહીં ભરનારી પુત્રવધૂની ૭ પેઢીને જાતબહાર કરાઈ

દેશનું બંધારણ જાતિ આધારિત ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે છતાં હજી ઘણી જાતિઓમાં આવી પ્રથા ચાલુ છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવા એક કેસમાં સસરાએ જાતિમાં જ કરેલાં પ્રેમલગ્ન માટે અઢી લાખ રૂપિયાનો દંડ નહીં ભરતાં તેની પુત્રવધૂની સાત પેઢીને જાતબહાર કરવામાં આવી છે. આના વિરોધમાં પુત્રવધૂએ બીડ જિલ્લાના આષ્ટી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પુત્રવધૂ માલણ ફૂલમાલી નંદીવાલે તિરામલી જાતિની છે. તેના સસરાએ જાતિની છોકરી સાથે પ્રેમલગ્ન કરતાં તેને જાતબહાર કાઢવામાં આવ્યા હતા અને પંચાયતે તેના પરિવારને અઢી લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સસરો કે તેનો પુત્ર આ દંડ નહીં ભરી શકતાં ફરી બાવીસમી સપ્ટેમ્બરે જાતિપંચાયતની બેઠક મળી હતી જેમાં પુત્રવધૂને બોલાવવામાં આવી હતી. તેણે પણ દંડની રકમ ભરવાની અસમર્થતા દર્શાવતાં તેના પરિવારને સાત પેઢી સુધી જાતબહાર કરાઈ હતી.

પુત્રવધૂએ જાતપંચાયતના આઠ લોકો સામે બીડ જિલ્લાના આષ્ટી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે. માલણ ફૂલમાલી બીડ જિલ્લાના આષ્ટી તાલુકામાં કડા શુગર ફૅક્ટરી પાસે તેના પતિ, બે દીકરા અને એક દીકરી સાથે રહે છે. 

mumbai news mumbai maharashtra news maharashtra mumbai crime news