યુટ્યુબ પર જોયેલી દીક્ષાની એક મિનિટની ક્લિપ બની ગઈ જીવનનો ટર્નિંગ-પૉઇન્ટ

13 February, 2024 07:47 AM IST  |  Mumbai | Lalit Gala

ડોમ્બિવલીનો ૨૭ વર્ષનો સાગર મહેતા ૨૧ ફેબ્રુઆરીએ લેશે દીક્ષા

સાગર મહેન્દ્ર મહેતા

યુટ્યુબનો ઉપયોગ મોટા ભાગે લોકો એન્ટરટેઇનમેન્ટ માટે અથવા કંઈક નૉલેજ મેળવવા માટે કરતા હોય છે, પણ ડોમ્બિવલી-વેસ્ટમાં રહેતા સાગર મહેન્દ્ર મહેતાના જીવનમાં યુટ્યુબનો એક દીક્ષા-વિધિનો વિડિયો સંયમજીવન માટેનું પરિવર્તન લઈ આવ્યો. મૂળ કચ્છ વાગડના લલિયાણા ગામનો ૨૭ વર્ષનો સાગર મહેતા ૨૧ ફેબ્રુઆરીએ ડોમ્બિવલી-વેસ્ટના  શ્રી નેમિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘના નેજા હેઠળ વાગડ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિમલપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં દીક્ષા લેશે અને પરમ પૂજ્ય શ્રી વિશ્રુતવિજયજી મહારાજસાહેબનો શિષ્ય બનશે. દીક્ષાનો કાર્યક્રમ ડોમ્બિવલી-વેસ્ટના મહાત્મા ફૂલે રોડ પર આવેલા ચિનાર ગ્રાઉન્ડમાં સવારે સાત વાગ્યાથી શરૂ થશે.

ટર્નિંગ-પૉઇન્ટ 
યુટ્યુબ પરના દીક્ષાના વિડિયોને કારણે જીવનમાં ટર્નિંગ-પૉઇન્ટ કઈ રીતે આવ્યો એ વિશે જણાવતાં સાગર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન કુળમાં જન્મ લીધો હોવાથી ધર્મના સંસ્કાર તો પહેલેથી જ હતા, પણ સંસારમાં પણ રહીને લાઇફ એન્જૉય કરવાની એટલી જ તાલાવેલી હતી. ડોમ્બિવલી પાસે આવેલા ઠાકુર્લીમાં આવેલી ડીકેવીસી કૉલેજમાં ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ બૅન્ગલોરમાં રહેતાં મારાં ફઈના પુત્ર સાથે પૅકેજિંગ મટીરિયલનો બિઝનેસ કરવાનું નક્કી કર્યું. આ માટે ૨૦ વર્ષની ઉંમરે હું બૅન્ગલોર રહેવા ચાલ્યો ગયો અને અમે સાથે મળીને બિઝનેસ ચાલુ કર્યો. મને સાઉથની ઍક્શન ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હતો. એક વાર ફ્રી ટાઇમમાં મોબાઇલ પર હું યુટ્યુબમાં એક સાઉથની ફિલ્મ જોઈ રહ્યો હતો. ફિલ્મ પૂર્ણ થયા બાદ મોબાઇલ સ્ક્રીન સ્ક્રોલ કરતાં અચાનક ‘દીક્ષા હાઇલાઇટ્સ રાજપથ જૈન દીક્ષા’ નામે એક વિડિયો શરૂ થયો. આ વિડિયોમાં એક મુમુક્ષુ દીક્ષાના દિવસે રજોહરણ (ઓઘો) લીધા બાદ પ્રભુને પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા. એ વખતે તેમના મુખ પર એક અલગ જ પ્રકારની અને જીવનમાં સઘળું પામી લીધાની ખુશી વ્યક્ત થઈ રહી હતી. આ એક મિનિટનો વિડિયો હું પોણા ત્રણ કલાક સુધી રિપીટ કરીને જોતો રહ્યો અને હું વિચારતો રહ્યો કે સંસાર છોડતી વખતે મુખ પર આટલી બધી પ્રસન્નતા!

બસ, ત્યારે મને સમજાયું કે સંસારમાં આપણે જે બધાં સુખ ભોગવી રહ્યા છીએ એ બધાં ક્ષણિક સુખ છે. માનવજીવન સાધના માટે મળ્યું છે અને જીવનનો સાચો આનંદ તો મોક્ષ-પ્રાપ્તિમાં છે. બસ આજ હતો મારા જીવનનો ટર્નિંગ-પૉઇન્ટ. મેં વિચારી લીધું કે હવે આગળ દીક્ષા જ જીવનનું ધ્યેય છે. ત્યાર બાદથી હું બૅન્ગલોરમાં જ રહીને સાગર સમુદાયના ગણિવર્ય શ્રી અજિતચંદ્રસાગરજી મહારાજસાહેબ પાસેથી ધાર્મિક જ્ઞાન મેળવવા માટે વધુ ને વધુ સમય પસાર કરવા લાગ્યો.

કેશલોચનો અનુભવ
જૈનોમાં સાધુ-સાધ્વીજીઓ કેશલોચ એટલે કે કોઈ પણ પ્રકારનાં અસ્ત્ર કે શસ્ત્રનો ઉપયોગ કર્યા વિના વાળને હાથેથી ખેંચીને દૂર કરવાની ક્રિયા કરતાં હોય છે. આ એક કષ્ટદાયક અને દુઃખદાયી ક્રિયા છે. પરમાત્માએ કેશલોચને તપ કહ્યું છે. સાગર મહેતા બૅન્ગલોરમાં પોતે લીધેલા આ અનુભવ વિશે જણાવતાં કહે છે કે ‘સાધુના જીવનકાળ દરમ્યાન કરવામાં આવતી કેશલોચની ક્રિયામાં કેવી વેદના થતી હશે એની કલ્પના માત્ર પણ ધ્રુજાવી દે છે. હસ્તે મોઢે મહાત્માઓ આ વેદનાને સહન કરતા હોય છે. મને લાગ્યું કે મારે પણ આ વેદનાનો અનુભવ લેવો જોઈએ. એક દિવસ હું મારાં ફઈને કામ પર જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી ગયો અને ઑફિસે ફોન કરીને કહી દીધું કે એક ઘરાક પાસે જાઉં છું અને ત્યાર બાદ એક મહારાજસાહેબ પાસે જઈને કેશલોચ કરાવ્યું. આ કેશલોચ દરમ્યાન મને સમજાયું કે આ ક્રિયા વખતે ખૂબ વેદના થાય છે, પણ એનો પણ એક અનેરો આનંદ છે. વેદના વખતે પણ કઈ રીતે મુખ પર પ્રસન્નતાના ભાવ રાખી શકાય એ મને કેશલોચ દરમ્યાન સમજાયું.’

સાગર હાથથી ગયો
કેશલોચ કરીને ફઈના ઘરે ગયા બાદ શું પ્રતિભાવ આવ્યા એના જવાબમાં સાગર કહે છે કે ‘મારાં ફઈએ દરવાજો ખોલ્યા બાદ મને ઓળખ્યો જ નહીં. જયારે મેં કહ્યું કે હું સાગર છું ત્યારે મને ઓળખ્યો અને તરત જ મારા ઘરે પપ્પાને ફોન કરીને કહ્યું કે સાગર હાથથી ગયો. ત્યાર બાદ મેં મારાં માતાપિતા સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે મને હવે સંસારમાં રસ નથી અને હવે દીક્ષા લેવાની ભાવના છે. મમ્મીએ તો મને સીધા મુંબઈ આવવા માટે કહ્યું, પણ મારા ભરોસે કઝિન સાથે ચાલુ કરેલો બિઝનેસ હું આમ અચાનક છોડીને આવી ન શકું એમ જણાવી બધું સેટલ કરીને આવી જઈશ એમ તેમને કહ્યું. પાંચ વર્ષ હું બૅન્ગલોરમાં રહ્યો હતો. એ દરમ્યાન કામની સાથે-સાથે હું ધર્મને પણ વધુ ને વધુ જાણવાનો પ્રયત્ન કરતો રહ્યો.’

સાગર દીક્ષા લે તો તેને અટકાવતો નહીં
સાગરની દીક્ષા લેવાની ભાવના અને એના ધાર્મિક અભ્યાસ વિશે જણાવતાં તેના  પિતા  મહેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારી ફૅમિલીમાં ધર્મના સંસ્કાર પહેલેથી જ હતા. સાગર બે વર્ષનો હતો ત્યારે આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણસૂરી મહારાજસાહેબ ડોમ્બિવલી પધાર્યા હતા ત્યારે તેમણે પણ મને કહ્યું હતું કે સાગર દીક્ષા લે તો તેને અટકાવતો નહીં. આમ પણ આજકાલ યુવાનો અવળે રસ્તે જાય છે ત્યારે તેમને રોકવું મુશ્કેલ બની જાય છે, જયારે સાગર તો સારા માર્ગે જઈ રહ્યો છે. છેવટે કાળજું કઠણ રાખીને અને ગુરુ ભગવંતના શબ્દોને યાદ કરીને સાગરને સંયમના માર્ગે જવાની સંમતિ આપી હતી. બૅન્ગલોરમાં પણ તે કામના સમય સિવાય બન્ને ટાઇમ પ્રતિક્રમણ, વ્યાખ્યાન અને મહારાજસાહેબ પાસેથી જ્ઞાન પામવા માટે હમેશા તત્પર રહેતો હતો. પાંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, જીવવિચાર, નવ તત્ત્વ, શ્રમણક્રિયાનાં સૂત્રો, સ્તવન સહિતનો અભ્યાસ સાગરે કર્યો હતો. આ ઉપરાંત વર્ધમાનતપનો પાયો, ધર્મચક્ર, ગૌતમ ગણધર તપ, ૬૪ પ્રહરી પૌષધ જેવાં તપ પણ તેણે કર્યાં છે. ગુરુકુળવાસમાં જલદીથી જવા મળે એ માટે તેણે દૂધ, ઘી, ગોળ અને દહીં એમ ચાર વિગઈનો એક વર્ષ માટે ત્યાગ કર્યો હતો.’

છેલ્લે મમ્મી અને ભાઈએ પણ રજા આપી 
સાગરનાં માતા ચંદ્રિકાબહેન મહેતાએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘અમારા પરિવારમાંથી દીક્ષા થઈ છે, પણ એક માતા હોવાને કારણે પુત્રને સંયમના માર્ગે જવા દેવા માટે જીવ નહોતો ચાલતો. આ સિવાય મારો નાનો પુત્ર જૈનમ પણ ભાઈનો સાથ છૂટી જશે એ વિચારે તેને જવા દેવા માટે તૈયાર નહોતો, પણ છેવટે સાગરની મોક્ષ-પ્રાપ્તિ પ્રત્યેની રુચિ જોઈને અમે તેને દીક્ષા લેવા માટે રજા આપી હતી.’

mumbai news mumbai gujaratis of mumbai jain community kutch