22 May, 2024 07:13 AM IST | Mumbai | Rohit Parikh
ઉષા જેઠવા તેમની પુત્રી સ્નેહા સાથે
બોરીવલી (ઈસ્ટ)માં રહેતાં અને બોરીવલીની ગોપાલજી હેમરાજ સ્કૂલમાં પ્રી-પ્રાઇમરી સેક્શનમાં સિનિયર KGનાં ૪૦ વર્ષનાં ટીચર ઉષા જેઠવાએ બારમા ધોરણની આર્ટ્સની પરીક્ષા તેમની પુત્રી સ્નેહા સાથે પાસ કરી છે. ઉષા જેઠવાએ ૬૦૦માંથી ૩૬૮ માર્ક્સ સાથે ૬૧.૩૩ ટકા અને તેમની પુત્રી સ્નેહાએ ૬૦૦માંથી ૪૪૬ માર્ક્સ સાથે ૭૪.૩૩ ટકા મેળવ્યા છે. આ સફળતા પછી ઉષા જેઠવા ગ્રૅજ્યુએશન પૂરું કરવા માગે છે.
ઉષા જેઠવાએ દસમા ધોરણની પરીક્ષા ૧૯૯૯-૨૦૦૦ની સાલમાં આપી હતી. ત્યાર પછી ૨૦૦૦-’૦૧માં FYJC પાસ કર્યા બાદ ફૅમિલી ઇશ્યુને કારણે તેઓ આગળ ભણી શક્યાં નહોતાં. જોકે દામ્પત્યજીવનનાં બાર વર્ષ બાદ તેમણે વડીલોની સહમતીથી પ્રી-પ્રાઇમરી ટીચર ટ્રેઇનિંગ કોર્સ (PPTC) કર્યો હતો અને બોરીવલીની સ્કૂલમાં પ્રી-પ્રાઇમરી સેક્શનમાં સિનિયર KGનાં ટીચર તરીકે નોકરીની શરૂઆત કરી હતી. ઉષા જેઠવાને ૨૦ વર્ષ પછી આગળ ભણવાની ખૂબ જ ઇચ્છા થઈ હતી. આથી તેઓ તેમની પુત્રી સાથે બારમા ધોરણનો અભ્યાસ કરવા લાગ્યાં હતાં.
ઉષા જેઠવાએ આ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં બારમા ધોરણમાં ભણવાની ઇચ્છા મારા પરિવારના વડીલો, સાસુ-સસરા અને જેઠ સામે રજૂ કરી ત્યારે તેમણે મને સહમતી સાથે સફળ થવાના આશીર્વાદ આપ્યા હતા. મને આગળ ભણવામાં ટેલરિંગનો વ્યવસાય કરતા મારા પતિ ચેતનનો બહુ મોટો સહકાર રહ્યો છે. તેમની સાથે મારા પરિવારના બધા જ છોકરાઓએ મને ખૂબ જ સહયોગ આપ્યો છે. ખાસ કરીને મારી ભત્રીજા વહુ માનસી હંમેશાં મને પ્રોત્સાહિત કરતી રહી છે. મારી દીકરી સ્નેહાએ મને મારા ભણતરમાં ખૂબ જ સહાય કરી છે. તેના સહયોગ વગર કદાચ હું મારું ધ્યેય પ્રાપ્ત કરી શકી ન હોત.’
ઉષા જેઠવાએ પરીક્ષાની તૈયારી વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે ‘હું અને મારી દીકરી મારા દરરોજના નિયમિત કાર્યમાંથી સમય કાઢીને એકસાથે બેસીને ભણતાં હતાં. આટલાં વર્ષો બાદ ભણવું મારા માટે સહેલું નહોતું, પરંતુ મારી દીકરીએ મને શીખવ્યું અને સમજાવ્યું હતું અને તેના સહકાર-સહયોગથી હું આટલાં વર્ષો બાદ મારા ભણવાના સપનાને પૂરું કરવામાં સાર્થક નીવડી હતી. હું હવે આગળ ભણીને ગ્રૅજ્યુએશન પૂરું કરવા ઇચ્છું છું.’
ઉષા જેઠવાની માર્કશીટ
ઇંગ્લિશ ૪૭
હિન્દી ૭૭
જ્યૉગ્રાફી ૮૦
પૉલિટિકલ સાયન્સ ૫૪
સાઇકોલૉજી ૫૪
ઇકૉનૉમિક્સ ૫૬
કુલ ૩૬૮/૬૦૦
સ્નેહાની માર્કશીટ
ઇંગ્લિશ ૬૫
હિન્દી ૬૯
પૉલિટિકલ સાયન્સ ૬૩
લૉજિક ૮૧
સાઇકોલૉજી ૮૭
ઇકૉનૉમિક્સ ૮૧
કુલ ૪૪૬/૬૦૦