ઑક્સિજન સાથે મતદાન કરવા માટે આવ્યાં વાશીનાં ૮૦ વર્ષનાં મીના શાહ

21 May, 2024 09:56 AM IST  |  Mumbai | Rohit Parikh

પાંચ વર્ષ પછી હું હયાત હોઈશ કે નહીં એમ કહીને હાર્ટ ફક્ત ૨૦ ટકા જ કામ કરતું, હોવા છતાં વોટ આપવાની જીદ કરી

ઑક્સિજન સાથે મતદાન કરીને બહાર આવેલાં મીના શાહ.

નવી મુંબઈના વાશીનાં ૮૦ વર્ષનાં મીના શાહ ફેફસાંનાં દરદી છે. તેઓ ઑક્સિજન સાથે મતદાન કરવા ગયાં હતાં. તેમના જમાઈ અને કચ્છી અગ્રણી નીલેશ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમના ઉત્સાહની ખબર નથી, પણ તેઓ ખૂબ જિગરવાળાં છે એટલે જ આ સ્થિતિમાં પણ મતદાન કરી શક્યાં હતાં. હવે પાંચ વર્ષ પછી મતદાન કરવા મળશે ત્યારે હું હયાત હોઈશ કે નહીં એની મને ખબર નથી એટલે મારે તમારી સાથે મતદાન કરવા આવવું જ છે એવી જીદ તેમણે કરી હતી. એટલે અમે તેમને હૉસ્પિટલમાંથી સવા મહિના પહેલાં ડિસ્ચાર્જ મળ્યા પછી પહેલી વાર ગઈ કાલે ઑક્સિજન સાથે કારમાં મતદાન કરવા લઈ ગયા હતા. મારાં સાસુ છેલ્લાં છ વર્ષથી અમારી સાથે જ રહે છે. તેમનું હાર્ટ ફક્ત ૨૦ ટકા કામ કરે છે અને તેમને ડાયાબિટીઝ પણ છે. અઢી મહિના પહેલાં તેમનું ઑક્સિજન-લેવલ ૫૮ થઈ ગયું હતું. આથી તેમને હૉસ્પિટલમાં ઍડ્​મિટ કરવામાં આવ્યાં હતાં જ્યાં ઑક્સિજન પર રાખવામાં આવ્યાં હતાં. ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા પછી ડૉક્ટરે તેમને અમુક સમયે ઑ​ક્સિજન પર રાખવાની સલાહ આપી છે. આથી અમે તેમને બહાર લઈ જતાં જ નથી.’

અમે તેમની સામે ઇલેક્શનની વાત પણ કરી નહોતી, પરંતુ ગઈ કાલે અમે મતદાન કરવા જતા હતા એની તેમને ખબર પડી ગઈ હતી એમ જણાવતાં નીલેશ ગાલાએ કહ્યું હતું કે ‘મમ્મી તેમને મતદાનનો અ​ધિકાર મળ્યો ત્યારથી એક પણ મતદાન ચૂક્યાં નથી. આથી અમે મતદાન કરવા જઈએ છીએ એની ખબર પડતાં જ તેમને જીદ પકડી કે મારે પણ મતદાન કરવા આવવું છે. તેમની જીદ સામે અમે ઝૂકી ગયા હતા અને તેમને કારમાં મતદાન કરવા ઑક્સિજનની સાથે લઈ ગયા હતા. મતદાન પછી તેમની તબિયત સારી છે.’

mumbai news mumbai navi mumbai gujaratis of mumbai Lok Sabha Election 2024