21 August, 2024 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વેસ્ટમાં દિલીપ એન્ટરપ્રાઇઝિસના નામે આંગડિયાનો વ્યવસાય ચલાવતા બાવીસ વર્ષના સિદ્ધરાજ રાજપૂતની ઑફિસમાં સોમવારે બપોરે ત્રણ લોકોએ રિવૉલ્વર અને છરીની ધાક પર ૭૦,૦૦૦ રૂપિયાની માલમતા લૂંટી હોવાની ફરિયાદ માણેકપુર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. આંગડિયાની ઑફિસમાં રોજ લાખો રૂપિયાની લેવડદેવડ થતી હોવાની માહિતી આરોપીઓને હતી. આરોપીઓએ સિદ્ધરાજની ઑફિસમાં પ્રવેશીને પહેલાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)ના ડિજિટલ વિડિયો રેકૉર્ડર (DVR) મશીનનો વાયર કાપી નાખ્યો હતો એટલું જ નહીં; સિદ્ધરાજના હાથ, પગ અને મોં સેલોટેપથી બાંધીને લૂંટ કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
રક્ષાબંધન હોવાથી સોમવારે કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું એટલે ઑફિસમાં પૈસા જ નહોતા, પણ આ ઘટના બાદ અમે ખૂબ ગભરાઈ ગયા છીએ એમ જણાવતાં સિદ્ધરાજના મોટા ભાઈ દિલીપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે બપોરે ત્રણ યુવાનો મારી ઑફિસમાં પ્રવેશ્યા હતા. એમાંના એક જણે બૅગમાંથી પિસ્તોલ કાઢી સિદ્ધરાજના માથા પર મૂકીને ‘તેરે કો ઠોક ડાલેંગા, તેરે પાસ પૈસાવૈસા હૈ સબ યહાં નિકાલ’ એમ કહ્યું હતું. એટલામાં બીજા યુવાને પોતાની પાસે રહેલી છરી કાઢીને કબાટોની તપાસ કરી હતી. એ છરીની મદદથી તેણે CCTVના DVRના વાયરને કાપીને DVR એક થેલીમાં મૂકી દીધું હતું. ત્યાર બાદ તેમણે સેલોટેપ કાઢી સિદ્ધરાજના હાથ, પગ અને મોં બાંધી બે મોબાઇલ ફોન અને ઑફિસમાં રાખેલી રોકડ લઈને ત્યાંથી નીકળી ગયા હતા. તેમના ગયા બાદ સિદ્ધરાજે જેમતેમ સેલોટેપ ખોલીને આ ઘટનાની મને અને પોલીસને જાણ કરી હતી.’
ફરિયાદીની ઑફિસમાં રોજ લાખો રૂપિયાની લેવડદેવડ થતી હોવાની માહિતી આરોપીઓને હતી અને એ મુજબ તેઓ પ્લાન કરીને અહીં લૂંટ કરવા આવ્યા હતા. અમે આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ. - રાજુ માને, માણેકપુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર