09 January, 2025 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દહિસર-ઈસ્ટમાં આવેલી મહાવીર દર્શન સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષના ઉદય મહેતાના ઘરમાં અજાણ્યો ચોર સોમવારે રાતે કિચનની ગ્રિલ તોડી અંદર જઈને આશરે દોઢ લાખ રૂપિયાના પાંચ મોબાઇલ ચોરી ગયો હોવાની ફરિયાદ ગઈ કાલે દહિસર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. જોકે આ કેસમાં બીજા માળે રહેતા ઉદયભાઈના ઘરમાં પ્રવેશવા કઈ રીતે ચોર કિચન સુધી પહોંચ્યો હશે અને કઈ રીતે તેણે ગ્રિલ તોડી હશે એની માહિતી જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
કિચનમાંથી ચોરોએ ઘરમાં જઈને પાંચ કીમતી મોબાઇલની ચોરી કરી હતી એમ જણાવતાં ઉદય મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે મધરાત બાદ એકથી ૪ વાગ્યાની વચ્ચે ચોર મારા ઘરમાં પ્રવેશી પરિવારના સભ્યોના પાંચ મોબાઇલ ચોરી કિચનના માર્ગે જ પાછો ગયો હોવાનો અમારો પ્રાથમિક અંદાજ છે. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ મારી આંખ ખૂલી ત્યારે મોબાઇલ ચોરાયા હોવાની જાણકારી મને મળી હતી. આ મામલે મેં દહિસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’
આરોપી કઈ રીતે બીજા માળ સુધી પહોંચ્યો હશે અને ગ્રિલ તોડી ત્યારે કોઈને અવાજ કેમ ન આવ્યો એ જાણવું ખૂબ જ જરૂરી છે. આ મામલે અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત જે કીમતી મોબાઇલ ચોરાયા છે એને ટ્રેસ કરવાની કોશિશ અમે કરી રહ્યા છીએ.’ -દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારી