કાંદિવલીના આર્કિટેક્ટ સાથે ટ્રેનમાં થઈ ગજબ ચોરી+છેતરપિંડી

30 June, 2024 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૅપટૉપવાળી ટ્રૉલી-બૅગ પાછી મેળવવા ચોરને બે વાર પૈસા ટ્રાન્સફર કર્યા, પણ અંતે કંઈ ન મળ્યું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કાંદિવલીમાં રહેતા ૪૬ વર્ષના આર્કિટેક્ટ અબ્બાસ વહોરા સાથે બુધવારે પંજાબ મેલમાંથી ખોવાયેલી બૅગ પાછી મેળવવા જતાં કુલ ૧,૩૨,૦૦૦ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કલ્યાણ રેલવે પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ છે. બુધવારે ડોમ્બિવલી સ્ટેશન આવતાં અબ્બાસ વહોરાને એક યુવાને મેસેજ કરીને તમારી કોઈ વસ્તુ ખોવાઈ છે કે કેમ એમ પૂછ્યું હતું. મારી કઈ વસ્તુ ખોવાઈ છે એમ પૂછતાં સામેના યુવાને ફરી મેસેજ કરીને કહ્યું કે તમારી ટ્રૉલી-બૅગ મને મળી છે. ત્યાર બાદ મેસેજ કરનાર યુવાને એ બૅગ પાછી આપવા માટે પહેલાં ૨૦,૦૦૦ રૂપિયા ઑનલાઇન મોકલવા કહ્યું હતું. જોકે એ આપ્યા પછી સામેની વ્ય​ક્તિએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. આમ ચોર ઑનલાઇન મગાવેલા ૨૦,૦૦૦ રૂપિયા અને ટ્રૉલીમાં રહેલી ૧,૧૨,૦૦૦ રૂ​પિયાની માલમતા લઈને રફુચક્કર થઈ ગયો હતો.

અબ્બાસ વહોરાએ પોતાનો મોબાઇલ-નંબર જે ટ્રૉલી-બૅગ ખોવાઈ હતી એની અંદર રહેલા ડૉક્યુમેન્ટમાં લખ્યો હતો. એના આધારે આરોપીએ અબ્બાસ વહોરાનો સંપર્ક કર્યો હતો એમ જણાવતાં કલ્યાણ રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરી કાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અબ્બાસ વહોરા મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં ઑફિસના કામસર ગયા હતા. ત્યાંથી મુંબઈ પાછા આવવા તેમણે મંગળવારે રાત્રે પંજાબ મેલમાં મુસાફરી શરૂ કરી હતી. બુધવારે કલ્યાણ સ્ટેશન આવતાં તે બાથરૂમ જવા માટે પોતાની સીટ પરથી ઊભા થયા હતા. બાથરૂમથી પાછા આવ્યા ત્યારે ટ્રેન શરૂ થઈ હતી અને ડોમ્બિવલી સ્ટેશન આવ્યું ત્યારે તેમને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો જેમાં લખવામાં આવ્યું હતું કે તમારું કંઈક ખોવાઈ ગયું છે? તેથી અબ્બાસ વહોરાએ તેને પૂછ્યું કે મારું શું ખોવાયું છે? ત્યારે સામેના યુવાને તેમને મેસેજ કરી કહ્યું કે તમારી ટ્રૉલી-બેગ મને મળી છે. એટલે અબ્બાસ વહોરાએ તેને પોતાની ટ્રૉલી-બૅગ પાછી આપવા માટે કહ્યું હતું. ત્યારે સામેના યુવાને તેમને કહ્યું કે હું તમારી બૅગ પાછી આપું તો મારો શું ફાયદો થશે? એમ કહીને તેણે ૨૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. એટલે અબ્બાસ વહોરાએ પહેલાં ૧૦,૦૦૦ રૂપિયા તેને ઑનલાઇન મોકલ્યા હતા. ત્યાર બાદ સામેના યુવાને તેમને A/2 કોચમાં સીટ-નંબર ૩૫ની નીચે બૅગ હોવાનું જણાવ્યું હતું. એટલે ત્યાં જઈને જોતાં અબ્બાસ વહોરાને તેમની બૅગ મળી આવી હતી. જોકે એમાં તેમનાં કપડાં, લૅપટૉપ અને બે પાકીટ નહોતાં એટલે તરત અબ્બાસ વહોરાએ સામેની વ્ય​ક્તિને ફોન કરીને પોતાની વસ્તુ ​વિશે પૂછ્યું હતું. ત્યારે સામેના યુવાને એ વસ્તુઓ માટે ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે એમ કહ્યું હતું. પૈસા મળ્યા બાદ તમારી વસ્તુઓ CSMT ખાતે નીલમ ફૂડ-પ્લાઝામાં મૂકી દઈશ એમ પણ તેણે કહ્યું હતું. પોતાની વસ્તુઓ પાછી મેળવવા તેમણે તાત્કાલિક ૧૦,૦૦૦ રૂપિયા સામેની વ્ય​ક્તિને મોકલ્યા હતા. એ પછી થોડી વાર પછી સામેની વ્ય​ક્તિએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. આમ અબ્બાસ વહોરાને પોતાની વસ્તુઓ પણ મળી નહોતી અને ૨૦,૦૦૦ રૂપિયા પણ ગુમાવી દીધા હતા.’

આજે મારી હાલત નવા પેદા થયેલા બાળક જેવી છે, આપણે ગુજરાતી છીએ એટલે પૈસા આપીને જાન છોડાવીએ એવો આપણો સ્વભાવ છે એટલે મેં ફોન કરનાર ચોરને કહ્યું કે તું પૈસા લઈ લે પણ મારું લૅપટૉપ પાછું આપ એમ જણાવતાં અબ્બાસ વહોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું આર્કિટેક્ટ છું. મારા લૅપટૉપમાં મારા ક્લાયન્ટ્સના ડેટા સહિત કેટલીક વસ્તુઓ છે એટલું જ નહીં, મારા વડીલો જેઓ હાલમાં હયાત નથી તેમના ફોટો અને યાદગીરીરૂપે ​વિડિયો છે. મારી સાથે આ ઘટના બની એટલે હું સૌથી પહેલાં ચોરે કહેલી જગ્યા પર મારી વસ્તુઓ લેવા ગયો હતો. ત્યાંથી કોઈ વસ્તુ ન મળતાં હું તાત્કાલિક પોલીસ-સ્ટેશન પર ફરિયાદ કરવા ગયો હતો. ત્યારે પણ ચોરનો નંબર ચાલુ હતો. જો પોલીસે ત્યારે મારી વાત થોડી સિ​રિયસ્લી લીધી હોત તો મારી વસ્તુઓ અને ચોર ત્યારે જ મળી જાત. મને તો સવાલ એ થાય છે કે હું AC કોચમાં પ્રવાસ કરી રહ્યો હતો. એની ​ટિ​કિટ સૌથી વધુ હોય છે, પણ દુખ એ વાતનું છે કે રેલવે સુરક્ષાના નામે કંઈ જ આપી શકતી નથી.’

mumbai news mumbai kandivli Crime News mumbai police