આપણે જે ટ્રેનમાં ટ્રાવેલ કરીએ છીએ એને બનાવવામાં આ બહેનોનો પણ છે સિંહફાળો

08 April, 2023 01:01 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

માટુંગા વર્કશૉપમાં અહિલ્યા અને દુર્ગા નામની મહિલા ટીમ વેલ્ડિંગ-કટિંગનું જટિલ કામ કરીને પોતાનું ઘર અને બાળકોને સંભાળે છે, કારણ કે આ ટીમની મોટા ભાગની મહિલાઓ વિધવા છે

માટુંગા વર્કશૉપમાં વેલ્ડિંગનું જટિલ કામ કરતી અહિલ્યા અને દુર્ગા ટીમ.


મુંબઈ ઃ મહિલા સશક્તીકરણનાં અનેક ઉદાહરણ જોવા મળ્યાં છે, પરંતુ સેન્ટ્રલ રેલવેની માટુંગા વર્કશૉપમાં કામ કરતી ‘અહિલ્યા’ અને ‘દુર્ગા’ નામની મહિલા ટીમ મહિલાઓને પ્રેરણા આપવા ઉપરાંત સશક્તીકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ મહિલાઓ એક્સપ્રેસ ટ્રેન અને લોકલ ટ્રેનના દરવાજા, સીડી, હૅન્ડલ, એસી, નૉન-એસી કોચનાં બૅટરી-બૉક્સ, લોકલ ટ્રેનનાં હૅન્ડલ, એક્સપ્રેસની ટ્રૉલી વગેરેનું રિપેરિંગ કરે છે. કટિંગ, વેલ્ડિંગ સાથે લોખંડની વજનદાર વસ્તુઓ ઉપાડવાનું ચૅલેન્જિંગ કામ પણ આ મહિલાઓ કરે છે. આ ટીમની મોટા ભાગની મહિલાઓ વિધવા છે અને વર્કશૉપમાં ભારે જહેમતનું કામ કરવા ઉપરાંત ઘરનાં દરેક કામ કરીને અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની છે.

સેન્ટ્રલ રેલવેની માટુંગા વર્કશૉપમાં કામ કરતી મહિલાઓની બે ટીમ છે, એક ટીમ દુર્ગા અને બીજી ટીમ અહિલ્યા. દરેક ટીમમાં ચાર મહિલા વેલ્ડરનો સમાવેશ છે. લોખંડના કટિંગથી લઈને લોખંડની વજનદાર વસ્તુઓ ઉપાડીને વેલ્ડિંગ કરવા જેવાં અઘરાં કામ તેઓ કરે છે. આ ટીમની સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર નરેશ લાલવાણીએ માટુંગા કૅરેજ વર્કશૉપમાં મુલાકાત લીધી હતી. હેવી કોરોઝન રિપેર (એચસીઆર) શૉપના નિરીક્ષણ દરમ્યાન તેમણે એસી અને નૉન-એસી બન્ને રેલવે કોચમાં બૅટરી-બૉક્સના સમારકામ માટે જવાબદાર લેડી વેલ્ડરની બે ટીમ સાથે વાતચીત કરી હતી. હાલમાં તેઓ બૅટરી-બૉક્સના ઓવરહોલિંગની પ્રવૃત્તિમાં સામેલ છે, જેમાં સમારકામથી લઈને સંપૂર્ણ ફૅબ્રિકેશન સુધીનો સમાવેશ છે. તેમની સંપૂર્ણ કામગીરી એચસીઆરના બૅટરી-બૉક્સ વિભાગમાં હાથ ધરવામાં આવે છે, જ્યાં તેઓ સ્વતંત્ર રીતે ક્ષતિગ્રસ્ત ઘટકોને કાપવા, ફિટિંગ કરવા, વેલ્ડિંગ અને પેઇન્ટિંગનું કામ કરે છે. એ પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે ટીમ જવાબદાર છે. તેમની ઇચ્છાશક્તિ અને સ્ત્રીઓના મનોબળનું તેઓ ઉત્તમ ઉદાહરણ છે.
મહિલાઓનું કામ ઝડપી

ટીમ અહિલ્યાનું નેતૃત્વ માટુંગા વર્કશૉપનાં પ્રથમ મહિલા વેલ્ડર રાજુબાઈ તળેકર કરી રહ્યાં છે. તેમણે વર્કશૉપમાં વેલ્ડિંગની જટિલ પ્રવૃત્તિ શીખવાની પહેલ કરી અને ત્યારથી તેમણે અન્ય મહિલાઓને પ્રેરણા આપી હતી. જોકે તેઓ વર્કશૉપમાં ૧૯૯૦થી અને છેલ્લાં ૨૦ વર્ષથી વેલ્ડર છે. એ સંદર્ભે વાતચીત કરતાં ટીમ અહિલ્યાનાં રાજુબાઈ તળેકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી બન્ને ટીમને તેમનું જુદું-જુદું કામ સોંપવામાં આવ્યું છે. અમે કટિંગ, રેપિંગ અને વેલ્ડિંગનું કામ કરીએ છીએ. એસી કે નૉન-એસી કોચમાં બૅટરી-બૉક્સ અને એના દરવાજા બનાવીને બેસાડવાનું કામ કરીએ છીએ. એ ઉપરાંત લોકલ ટ્રેનો અને એક્સપ્રેસના દરવાજા બનાવવાનું કામ પણ કરીએ છીએ. એક્સપ્રેસ ટ્રેનની ટ્રૉલીમાં ક્રૅક આવે તો એને પણ વેલ્ડિંગ કરીને બનાવીએ છીએ. એ ઉપરાંત લોકલ ટ્રેનનાં હૅન્ડલ, લોકલ ટ્રેન-એક્સપ્રેસમાં કોચની બહાર બેસાડાતી સીડી વગેરે બનાવવાનું કામ પણ કરીએ છીએ. એ ઉપરાંત બૅટરી-બૉક્સ રિપેર કરતી વખતે એમાં ભેગા થયેલા ઍસિડને ગૅસ કટરથી બાળીએ અને એ પછી રિપેર કરીએ છીએ. દરવાજો, બૅટરી બૉક્સને એક બાજુથી બનાવીને બીજી બાજુ પલટી મારીને બનાવવું પડે છે. એ પલટી મારતી વખતે ખૂબ તાકાત લગાડવી પડે છે અને પેટમાં જોરદાર ખેંચાણ થતું હોય છે. અમુક વખતે તો ભારે દુખાવો ઊપડે છે. જોકે હવે આ બધાની આદત પડી ગઈ છે. અમે પુરુષ કરતાં પણ ફાસ્ટ કામ કરીએ છીએ. અમારી ટીમમાં બેને બાદ કરતાં અમે બધી મહિલાઓ વિધવા છીએ. પતિના મૃત્યુ બાદ કામે લાગ્યાં છીએ. એથી ઝીરોથી શીખ્યાં છીએ અને ઘરે જઈએ તો રાતે હાથ-પગ દુખવા માંડે. લોખંડને ઉપર-નીચે કરવા માટે તાકાત લગાડવી પડે. એ ઉપરાંત ધુમાડા વગેરેનો સામનો કરતાં હવે એની આદત પડી ગઈ છે. ઘરે જઈને બાળકોને સંભાળવા અને જમવાનું બનાવવા જેવાં તમામ કામ કરીને ઘર પણ સંભાળીએ છીએ.’
પહેલાં બધાને લાગતું કે આ કામ મહિલાઓ કરી શકશે? 
વધુ માહિતી આપતાં સુચિતા શેટ્યેએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘વર્કશૉપમાં અનેક પુરુષો છે અને તેઓ અન્ય કામ કરે છે. પહેલાં અમને જોઈને બધાને મનમાં સવાલ થતો કે મહિલાઓ આવું જટિલ કામ કરી શકશે? આઠ માર્ચે અમારી ટીમ બનાવી અને રેલવે દ્વારા પણ અમને પ્રોત્સાહન અપાયું. વેલ્ડિંગ અને કટિંગ જેવું ચૅલેન્જિંગ કામ છે, પરંતુ અમે એ કરી દેખાડ્યું એનો અમને ગર્વ છે.’ 

mumbai news central railway matunga