મુંબઈમાં વાેટિગ ચાલુ થઈ ગયું

12 May, 2024 08:51 AM IST  |  Mumbai | Rohit Parikh

અંંધેરીના ૧૦૧ વર્ષના શાંતિલાલ શાહે અને કાં​દિવલીના ૮૮ વર્ષના વસંતલાલ શાહે ઘેરબેઠાં કર્યું પોસ્ટલ બૅલટથી મતદાન

શાંતિલાલ શાહ, અંધેરી

ભારતના ચૂંટણીપંચે પ્રથમ વખત પોસ્ટલ બૅલટ દ્વારા ૮૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના તથા ૪૦ ટકા અક્ષમતા ધરાવતા મતદારો માટે ઘરેથી મત આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ સુવિધાનો લાભ ગઈ કાલે અંધેરી (ઈસ્ટ)માં રહેતા ૧૦૧ વર્ષના શાંતિલાલ શાહે અને કાંદિવલી (વેસ્ટ)ના મથુરાદાસ રોડ પર આવેલા ગોવર્ધન પોપટ નિવાસમાં રહેતા ૮૮ વર્ષના વસંતલાલ શાહે પણ લીધો હતો. બન્નેએ ગઈ કાલે તેમના જ ફ્લૅટમાં ચૂંટણીપંચ દ્વારા ઊભા કરવામાં આવેલા બૂથમાં મતદાન કર્યું હતું.

આ પ્રક્રિયા માટે મુંબઈ નૉર્થ ચૂંટણીપંચના અધિકારીએ એક મહિના પહેલાં અમારા ઘરની મુલાકાત લીધી હતી એમ જણાવીને વસંતલાલ શાહના ૫૬ વર્ષના પુત્ર હિતેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અધિકારીએ અમારા ઘરે આવીને પહેલાં તો પપ્પાને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ૮૫ વર્ષ અને તેથી વધુ વયના તથા ૪૦ ટકા અક્ષમતા ધરાવતા મતદારો માટે શરૂ કરવામાં આવેલી સુ‌વિધાની જાણકારી આપી હતી. ત્યાર બાદ તેમણે પપ્પાને પૂછ્યું હતું કે તમે મતદાનકેન્દ્ર પર જઈને મતદાન કરશો કે ઘરે બેસીને કરશો? પપ્પા મતદાનકેન્દ્ર પર મતદાન કરવા જવા માટે અસમર્થ હોવાથી તેમણે ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલા ફૉર્મ ૧૨-ડી પર સહી કરી હતી. વૃદ્ધ અને શારીરિક રીતે અક્ષમ લોકો માટે ઘરેથી મતદાન કરવા માટે આ ફૉર્મ પર સહી કરવી આવશ્યક છે.’

ગઈ ચૂંટણીમાં પપ્પાની હેલ્થ સારી હોવાથી અમે તેમને મતદાન કરવા મતદાનકેન્દ્ર પર લઈ ગયા હતા એમ જણાવતાં ​હિતેશ શાહે કહ્યું હતું કે ‘હમણાંથી તેમને ઓછું સંભળાય છે અને તેમની તબિયત પણ નાજુક રહેતી હોવાથી ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે ચૂંટણીપંચના એક અધિકારી, પોલીસ, વિડિયોગ્રાફર અને અન્ય સ્ટાફ સાથે પાંચ જણની ટીમ પપ્પા પાસે બૅલટ-પેપર પર મતદાન કરાવવા અમારા ફ્લૅટ પર આવી હતી. તેમણે અમારા ફ્લૅટની એક રૂમમાં મતદાનકેન્દ્ર જેવું આબેહૂબ બૂથ ઊભું કર્યું હતું. અમને પરિવારજનોને એ એરિયામાં જવાની ના પાડવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસની અને વિડિયોગ્રાફરની હાજરીમાં જે રીતે મતદાનકેન્દ્ર પર પ્રોસેસ કરવામાં આવે છે એવી જ રીતે પપ્પાનું આધાર કાર્ડ, પૅન કાર્ડ, વોટર કાર્ડમાંથી એક ઓળખપત્ર ચેક કર્યું હતું. પછી તેમની આંગળી પર કાળું ટપકું કરવામાં આવ્યું હતું. આ બધી જ પ્રોસેસ કરીને પપ્પાએ ખાનગી મતદાન કર્યું હતું. અમને ત્યાર પછી જાણવા મળ્યું હતું કે કાં​દિવલીમાં પપ્પા સૌથી પહેલા વૃદ્ધ હતા જેમણે બૅલટ-પેપર પર મતદાન કર્યું હતું.’
ફોટોલાઈનઃ

mumbai news mumbai Lok Sabha Election 2024 gujaratis of mumbai election commission of india