મની લૉન્ડરિંગ કેસમાં તમારા નામે વૉરન્ટ છે

24 September, 2024 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ કહીને થાણેના વૃદ્ધ અને નવી મુંબઈનાં મહિલા સાથે થઈ ૨,૪૨,૩૯,૪૬૬ રૂપિયાની સાઇબર છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં રહેતા ૮૫ વર્ષના વૃદ્ધ અને નવી મુંબઈના ખારઘરમાં રહેતાં ૫૬ વર્ષનાં મહિલાને મની લૉન્ડરિંગ કેસમાં વૉરન્ટ હોવાનું કહીને તેમની સાથે ૨,૪૨,૩૯,૪૬૬ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બે અલગ-અલગ પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી.

થાણેનો કેસ

થાણેમાં રહેતા વૃદ્ધને સાઇબર ગઠિયાએ પોતે ઍન્ટિ-કરપ્શન બ્યુરોનો ડિરેક્ટર જનરલ વિશ્વાસ નાંગરે પાટીલ હોવાનું કહીને વાત કરી હતી. એવી જ રીતે ખારઘરની મહિલાને તેના પતિના નામે વૉરન્ટ હોવાનું કહી તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે એમ ડરાવીને પૈસા પડાવવામાં આવ્યા હતા.

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચમાંથી વિશ્વાસ નાંગરે પાટીલ હોવાનું કહીને સાઇબર ગઠિયાએ વૃદ્ધને કહ્યું હતું કે ‘તમને હું ક્લીન-ચિટ અપાવી દઈશ, પણ તમારે આ વાત કોઈને કહેવાની નથી. ક્લીન-ચિટ માટે તમારા અકાઉન્ટમાં જે પણ પૈસા છે એ મને તાત્કાલિક મોકલી આપો. હું રિઝર્વ બૅન્ક પાસે પૈસાનું વેરિફિકેશન કરીને એ તમને પાછા મોકલી આપીશ.’

થાણેના ચિતલસર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેના માનપાડા વિસ્તારમાં રહેતા વૃદ્ધને ૧૧ સપ્ટેમ્બરે અજાણ્યા યુવાને ફોન કરીને પોતાની ઓળખ વિજય શર્મા તરીકે આપી હતી અને તે ટેલિકૉમ ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું કહીને વૃદ્ધને કહ્યું હતું કે તમારા ખાતામાં મની લૉન્ડરિંગના પૈસા આવ્યા છે, તમારા નામે ઘાટકોપરમાંથી સિમ કાર્ડ લઈને એનો ઉપયોગ મની લૉન્ડરિંગ માટે કરવામાં આવ્યો છે. ત્યાર બાદ કૉલ મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના વિશ્વાસ નાંગરે પાટીલને ટ્રાન્સફર કરું છું, તમે તેમની સાથે વાત કરો એમ જણાવ્યું હતું. ત્યાર પછી વિશ્વાસ નાંગરે પાટીલ તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ વૃદ્ધ સાથે બેથી ત્રણ દિવસ વાત કરી વાતોમાં ભોળવીને કેટલીક ધમકી આપી ૧,૧૪,૩૯,૪૬૬ રૂપિયા પડાવી લીધા હતા. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી ગયા અઠવાડિયે વૃદ્ધને સમજાતાં તેમણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસનો થાણેનો સાઇબર વિભાગ વધુ તપાસ કરી રહ્યો છે.’

ખારઘરનો કેસ

તમારા પતિએ કેટલીક ગેરકાયદે જાહેરાત કરીને મની લૉન્ડરિંગના પૈસા બૅન્ક-અકાઉન્ટમાં સ્વીકાર્યા છે જેના માટે તેમની ધરપકડ થઈ શકે છે એમ કહી મહિલાને ધમકાવીને પૈસા લેવામાં આવ્યા હતા એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખારઘરમાં રહેતી મહિલાને ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં એક યુવાને ફોન કરી પોતાની ઓળખ ટેલિકૉમ રેગ્યુલેટરીથી હોવાની આપી હતી અને તમારા પતિએ પોતાની બૅન્કમાં સ્વીકારેલા મની લૉન્ડરિંગના પૈસા માટે અમારી એક ટીમ તેમની ધરપકડ કરવા નીકળી રહી છે એમ કહીને ખોટા ડૉક્યુમેન્ટ્સ મહિલાને વૉટ્સઍપ પર મોકલ્યા હતા. એ પછી તેને કહેવામાં આવ્યું કે તમારા બૅન્ક-ખાતામાં જે પૈસા છે એ તાત્કાલિક અમને મોકલી આપો, એ પૈસાનું RBI પાસે વેરિફિકેશન કરાવીને તમને પાછા મોકલવામાં આવશે. એટલે મહિલાએ પોતાના ખાતામાં રહેલા ૧,૨૮,૦૦,૦૦૦ રૂપિયા તેને મોકલી આપ્યા હતા. જોકે આશરે એક મહિના સુધી પોતાના પૈસા પાછા ન મળતાં મહિલાએ આવેલા નંબર પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ બંધ મળી આવતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાઈ હતી. આ કેસમાં અમે ફરિયાદ નોંધીને જે અકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવ્યા છે એની માહિતી કઢાવી રહ્યા છીએ.’

 

thane mumbai news mumbai cyber crime kharghar mumbai police navi mumbai