વોટ આપવા જુઓ ક્યાં-ક્યાંથી લોકો મુંબઈ આવી પહોંચ્યા છે

19 May, 2024 01:42 PM IST  |  Mumbai | Ruchita Shah

એક ટ્રાવેલ-એજન્સીનો ડેટા કહે છે કે અત્યારે ૨૦,૦૦૦થી વધુ મુંબઈગરાઓે જુદા-જુદા ડેસ્ટિનેશન પર તેમના ટૂર-પૅકેજમાં વેકેશન મનાવી રહ્યા છે. આવી અઢળક ટ્રાવેલ-એજન્સીઓ છે અને જો બધાનો ડેટા ભેગો કરીએ તો આ આંકડો ક્યાં પહોંચશે?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વોટિંગ એ દરેક નાગરિકનો અધિકાર અને જવાબદારી પણ છે. મુંબઈગરાઓ માટે એ જવાબદારી નિભાવવા માટે હવે ગણતરીના કલાક બાકી રહ્યા છે. આટલા મોટા દેશની લોકશાહીમાં પ્રત્યેક વોટનું મહત્ત્વ છે અને મારા એકનો વોટ ન આપવાથી શું ફરક પડી જવાનો એવું વિચારવું એ બાલિશતાથી વધારે કંઈ નથી. જોકે એની વચ્ચે પણ આજે મુંબઈના એવા અઢળક નાગરિકો છે જેઓ મતદાનની આ જવાબદારી ચૂકી જઈને દેશ-વિદેશમાં વેકેશન માણવા નીકળી પડ્યા છે. ટ્રાવેલ-એજન્સીઓ પાસે ઍડ્વાન્સ બુકિંગ કરાવ્યું હોવાથી છૂટકો નથી એટલે જો સરકાર ડિજિટલ વોટિંગની કોઈ વ્યવસ્થા બનાવે તો ઘણા લોકો વોટ આપી શકે એવી અપીલ સાથે એક ટૂર-એજન્ટે પોતાની કંપની સાથે અત્યારે ૨૦,૦૦૦થી વધુ પ્રવાસીઓ દુનિયામાં ફરી રહ્યા હોવાની આંચકાદાયક માહિતી શૅર કરી ત્યારે ખરેખર તાજ્જુબ થયું. આ તો માત્ર એક ટૂર-એજન્સીનો ડેટા છે, પણ મુંબઈની તમામ ટૂર-એજન્સીનો ડેટા ભેગો કરીએ તો આ આંકડો ક્યાં પહોંચે એની કલ્પના પણ ન થઈ શકે.

ઇલેક્શનની ડેટ તો મોડી ડિક્લેર થઈ એ પહેલાં જ ઍડ્વાન્સ બુકિંગમાં લાખો રૂપિયા આપી દીધા હતા એટલે પછી એ બધા પૈસા જવા દઈને પ્રોગ્રામ કૅન્સલ કેવી રીતે કરાય એવી લોકોની દલીલ ભલે વ્યાવહારિક લાગે, પરંતુ મતદાનને એક પવિત્ર કાર્ય ગણીને મુંબઈથી દૂર હોવા છતાં મતદાન માટે ખાસ મુંબઈ આવી રહેલા લોકો સામે એ ફિક્કી લાગે. કોઈ અમેરિકાની પોતાની ટિકિટ કૅન્સલ કરીને ખાસ મતદાન કરવા વહેલું આવ્યું હોય તો કોઈ માત્ર બે કલાક માટે મતદાન માટે મુંબઈ આવ્યું હોય. કોઈ ઉંમરની પરવાહ કર્યા વિના માત્ર સ્પેશ્યલ ગાડી કરીને મુંબઈ આવ્યું છે તો કોઈ ટ્રેનની ટિકિટ કૅન્સલ કરાવીને ખાસ મતદાન કરવા ફ્લાઇટમાં મુંબઈ આવ્યું છે. આવા તો કંઈકેટલાય અનેરા લોકો અમને મળ્યા. અમેરિકા, દુબઈ, હૈદરાબાદ, પુણે, લોનાવલા પાસે આવેલા કામશેત, અમદાવાદ, દિલ્હી, રાજસ્થાન, કચ્છથી આવેલા ૧૧ એવા ગુજરાતીઓને અમે શોધી લાવ્યા છીએ જેઓ અનેક અગવડ પડી હોવા છતાં ખાસ મતદાન માટે મુંબઈ પધાર્યા છે. બસ એક જ ઝનૂન સાથે કે વોટ આપવો એ મારું પરમ કર્તવ્ય છે અને ગમે તે થાય, તોય વોટ તો અમે આપીને જ રહીશું. તો મળીએ આવાં અનોખાં વ્યક્તિત્વોને...

૨૦૦૯માં લગ્ન પછી અમેરિકાના સીએટલમાં રહેતી અમી

સંપત-આશર ફિઝિકલ આર્ટ અને ડિજિટલ આર્ટ ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેણે રિસન્ટલી બાળકોને લગતું એક પુસ્તક પણ પબ્લિશ કર્યું છે. જોકે વોટિંગ માટે તે અતિશય એક્સાઇટેડ હતી અને તેણે જ્યારથી ઇલેક્શન જાહેર થયાં ત્યારથી જ ભારત આવીને વોટ આપવાનું નક્કી કરી લીધેલું. અમી કહે છે, ‘આપણા દેશે છેલ્લાં ૧૦ વર્ષમાં કેવો પ્રોગ્રેસ કર્યો છે એ મેં જોયું છે, તો સાથે જ દુનિયામાં એનો કેવો પડઘો પડ્યો છે એ પણ નોટિસ કર્યું છે. અત્યારે જે લીડરશિપ છે એ બેસ્ટ છે અને એ ટકે એ માટેનું રિમોટ કન્ટ્રોલ આપણો વોટ છે અને એ ન આપીને હું દેશની સરકારનું જ નહીં, આખા દેશનું નુકસાન કરીશ. તમે માનશો નહીં પણ જે દિવસે મુંબઈની ડેટ જાહેર થઈ એ દિવસથી મેં મુંબઈ આવવાના એક્સપેન્સ માટે સેવિંગ્સ શરૂ કરી દીધું હતું. એ માટે હું મારા હસબન્ડ પર એ બર્ડન નહીં આવવા દઉં. જોકે મારું એક્સાઇટમેન્ટ જોઈને તેમણે મારું સેવિંગ્સ સાઇડ પર રાખીને પોતે જ ટિકિટ વગેરે બુક કરાવી દીધી. અમારા ઘરમાં BJPની ફેવરના જ લોકો છે, કારણ કે બધા જ દેશના વિકાસને પ્રાધાન્ય આપનારા છે. મારાં મધર ઇન લૉ તો ઓપનલી BJPનાં વખાણ કરે છે અને તેમને બહુ મોટા-મોટા લોકો ફૉલો કરે છે. ૧૮થી ૨૯ વર્ષ દરમ્યાન મેં જેટલી વાર વોટ આપ્યો હતો એ માત્ર BJPને જ આપ્યો છે. આજે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે આપણા કલ્ચર માટે ગર્વ લેવાની વાત હોય, રૂરલ ડેવલપમેન્ટ હોય કે સ્વચ્છતાની વાત હોય એ બધામાં ૧૦ વર્ષમાં અકલ્પનીય પૉઝિટિવ ચેન્જ દેખાઈ રહ્યો છે. તમને કહું કે અમારે ત્યાં માંડ બે જગ્યાએ નવરાત્રિ થતી એ પણ એક કે બે વીક-એન્ડ પૂરતી, જ્યારે આજે પાંચથી સાત જગ્યાએ
ચાર-ચાર, પાંચ-પાંચ વીક-એન્ડ નવરાત્રિ થાય છે. અમેરિકાની યુનિવર્સિટીમાં ક્લાસિકલ ડાન્સની કૉમ્પિટિશન થાય. ગોરિયાઓ આપણા દિવાળી અને હોળીના સેલિબ્રેશનમાં હોંશે-હોંશે સામેલ થાય છે અને તેમને સાડી અને ચણિયાચોળી પહેરવાની ઇચ્છા થતી હોય. મારે કહેવાની જરૂર નથી કે આ બદલાવ કોના પ્રતાપે આવ્યો? પહેલાં પોતાને હિન્દુ કહેવડાવતાં શરમ અનુભવાતી હતી જ્યારે આજે ગર્વ સાથે હિન્દુ તરીકે લોકો પોતાને એક્સપ્રેસ કરી શકે છે. રામમંદિરની પ્રતિષ્ઠા વખતે અમને સીએટલના મંદિરમાંથી અક્ષત આપવામાં આવ્યા હતા અને એક ઉત્સવની જેમ અમેરિકામાં અમે પ્રતિષ્ઠાનો દિવસ સેલિબ્રેટ કર્યો હતો.’ ચૌદ વર્ષથી અમેરિકા રહેતી અમી પોતાની નાની દીકરીને અમેરિકા મૂકીને આવવાની છે એટલે એક જ અઠવાડિયું ભારતમાં રહેશે અને પાછી રિટર્ન થઈ જશે. છેલ્લે કહે છે, ‘મારો આખો પરિવાર અહીં છે. ભલે અમેરિકા મારી કર્મભૂમિ હોય પણ ભારત મારી જન્મભૂમિ છે અને એને આગળ વધતી જોઉં ત્યારે હૃદય ગદ્ગદ થઈ જાય છે અને એ આ જ રીતે આગળ વધે એ કારણસર બધું ભૂલીને હું અહીં વોટિંગ માટે આવી છું.’

વોટ આપવા માટે માત્ર બે કલાક મુંબઈ આવીને પાછો કચ્છની ટ્રેનમાં રિટર્ન થઈ જઈશ, લોકો મને ગાંડો ગણે છે પણ મને એનો વાંધો નથી  -  કિશોર હરિયા, નોકરિયાત

૫૮ વર્ષના કિશોર હરિયા વોટ આપવા માટે જે કરવાના છે એ જાણીને ભલભલા દંગ રહી જાય છે. દાદરના શિવાજી પાર્કમાં રહેતા અને માટુંગામાં ડ્રાયફ્રૂટ્સની દુકાનમાં કામ કરતા કિશોરભાઈને અત્યારે તેમના ગામના લોકો ગાંડો ગણી રહ્યા છે, પરંતુ તેમને એનાથી જરાય ફરક નથી પડી રહ્યો. કુળદેવીના મંદિરની ધજાનો મહોત્સવ ઊજવવા તેઓ અત્યારે કચ્છમાં છે. મતદાનને કારણે જ ત્રણ દિવસનો મહોત્સવ એક દિવસનો કરી નાખ્યો અને આ વર્ષે જેમણે ઉછામણી બોલીને વિવિધ કાર્યોનો ચડાવો લીધો હતો તેમને આવતા વર્ષે એ કાર્યો કરવા દેવામાં આવશે. આજે રાતની ટ્રેનમાં કિશોરભાઈ ભુજથી ટ્રેનમાં બેસશે અને આવતી કાલે બપોરે બે વાગ્યે મુંબઈ પહોંચશે. સ્ટેશન પરથી સીધા શિવાજી પાર્કના વોટિંગ-બૂથ જશે અને વોટ આપીને પાછા રિટર્ન દાદર સ્ટેશને પહોંચીને સયાજીનગરી એક્સપ્રેસમાં કચ્છ જશે. બે દિવસનો કચ્છનો પ્રોગ્રામ પતાવીને પાછા કચ્છથી મુંબઈ આવશે. લગભગ ત્રણ રાત ટ્રેનમાં અને છેલ્લી ઘડીએ કરાવી હોવાથી હજી સુધી તેમની ટિકિટ કન્ફર્મ નથી થઈ. કિશોરભાઈ કહે છે, ‘ટિકિટ કન્ફર્મ ન થાય તો પણ ટ્રેનમાં ચડી જઈશ અને આવવાનો છું એ તો નક્કી જ છે. વોટ આપવો જરૂરી છે. જુઓ, હિન્દુ ધર્મને બચાવવો હશે તો અત્યારની સરકારને બચાવવી પડશે અને સરકાર તો જ બચશે જો આપણે વોટ આપીશું. નરેન્દ્ર મોદીએ ઓછા સમયમાં અદ્ભુત કામ કરી બતાવ્યાં છે ત્યારે આપણે વોટ આપવામાં આળસ કરીએ તો નુકસાન મોદીજીને નહીં આપણને જ થશે. મને અમુક લોકોએ ગાંડો કહ્યો છે કે આટલા તડકા-તાપમાં તું આટલો લાંબો પ્રવાસ કરરીશ અને આવી હાલાકી ભોગવીશ. જોકે મને લોકો શું કહે છે એનાથી કોઈ ફરક નથી પડવાનો. મતદાન મને મારી ફરજ લાગે છે અને હું એને નિભાવીશ.’

કામશેતમાં બધાને ખબર જ છે કે ખાસ વોટ આપવા માટે મુંબઈ આવ્યો છું, સાંજે પાછો નીકળી જઈશ- વિક્રમ કોટક, નિવૃત્ત વડીલ

૮૬ વર્ષના વિક્રમ કોટક એક જમાનામાં યુનાઇટેડ ઇન્શ્યૉરન્સ ઇન્ડિયામાં કામ કરતા હતા તેઓ આજે લોનાવલાથી ૧૭ કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલા કામશેતમાં સિનિયર સિટિઝન કૉમ્પ્લેક્સમાં નિવૃત્તિની નિરાંત માણી રહ્યા છે. પોતાના જીવનકાળ દરમ્યાન એક પણ વાર મતદાન કરવાનું ન ચૂકનારા વિક્રમભાઈ માટે મતદાન એ પવિત્ર ફરજ છે. તેઓ કહે છે, ‘અમે ૧૩ ભાઈ-બહેન હતાં અને જ્યારે પણ ઇલેક્શન હોય ત્યારે અમે દરેકે મતદાન કર્યું કે નહીં એની ચોકસાઈ મારા પિતા રાખતા. દેશ માટે લોકો શું-શું કરી રહ્યા છે એ તો જુઓ. આટલો ભોગ આપનારા લોકો આપણી આસપાસ છે ત્યારે આપણે શું મતદાન ન કરી શકીએ? ખર્ચો લાગે તો લાગે. હું પણ કામશેતથી અહીં ખાસ મતદાન માટે આવ્યો છું ત્યારે ટ્રાવેલિંગ ખર્ચ, રહેવા-ખાવાનો ખર્ચ મને પણ લાગી રહ્યો છે, પરંતુ મારા દેશ માટે હું આટલું તો કરી શકું. સવારે ૧૦ વાગ્યે હું ઘાટકોપર વોટિંગ કરવા જઈશ. પછી મિત્રો સાથે જમીને પાછો કામશેત જવા નીકળી જઈશ. હું દરેકને કહીશ કે મતદાન એ દેશનું પવિત્ર કામ છે અને એ ફરજમાંથી તમે ચૂકતા નહીં.’

જૂની ટિકિટ કૅન્સલ કરાવીને નવી ટિકિટ લીધી એ બધામાં દોઢ લાખનું નુકસાન કરીને અમેરિકાથી વોટ આપવા આવ્યો છું માત્ર મોદીજી માટે - અજય જયંતીલાલ દોશી, બિઝનેસમૅન

મલાડમાં રહેતા અને હેર-ક્લિપનો બિઝનેસ કરતા અજય દોશી અત્યારે સાતમા આસમાને વિહરે છે, કારણ કે આવતી કાલે તેઓ વોટ આપવાના છે. એ ખુશી અને એ આનંદ તેમનો 
સમાતો નથી. દર વર્ષે દીકરાના ઘરે અમેરિકા ત્રણ-ચાર મહિના રોકાવા જવાનો યોગેશભાઈનો ક્રમ છે. આ વખતે પણ ઍડ્વાન્સ ટિકિટ બુક થઈ ગઈ હતી અને તેઓ અમેરિકા પહોંચી ગયા હતા. એવામાં મુંબઈના ઇલેક્શનની તારીખ જાહેર થઈ એટલે તેમણે પોતાની ઓરિજિનલ રિટર્ન ટિકિટ કૅન્સલ કરાવીને વહેલા આવવાની નવી ટિકિટ લીધી. જોકે હજી તેમનું અમેરિકાનું થોડું કામ બાકી છે એટલે જૂનમાં તેમણે ફરી જવું પડશે એટલે વોટ આપીને પાછા જવાની નવી ટિકિટ પણ તેમણે લેવી પડી છે. જોકે આ બધામાં તેમને લગભગ દોઢેક લાખ રૂપિયાનું નુકસાન થશે, પણ અજયભાઈ કહે છે, ‘અરે મોદીજી માટે તો આવા લાખો રૂપિયા કુરબાન છે. જીવ પણ હાજર છે. મારા દેશ માટે કામ કરી રહેલી સરકારને અને મારા મોદીજીને નુકસાન ન થવું જોઈએ એટલે મારે વોટ આપવો જ જોઈએ. હું માત્ર તેમને જિતાડવા જ અહીં આવ્યો છું એમાં મને આ બધા નુકસાનની કશી પડી નથી. વોટિંગ એ આપણી પવિત્ર ફરજ છે.’

૪૪ વર્ષના આયુષ્યમાં પહેલી વાર વોટ આપીશ, કદાચ છેલ્લી વાર પણ અને અમેરિકાથી ભારત એટલે જ આવ્યો છું  ખાસ- દીપ છાયા, એન્જિનિયર

અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં રહેતો દીપ છાયા ૪૪ વર્ષનો છે પણ આજ સુધી એક પણ વાર તેને વોટ આપવા નથી મળ્યું. ૨૩ વર્ષની ઉંમરે અમેરિકા શિફ્ટ થયા પછી પહેલી વાર એવું બનશે જેમાં સ્પેશ્યલી તે વોટ આપવા માટે ખાસ ભારત આવી રહ્યો હોય. દીપ કહે છે, ‘આ કદાચ મારું છેલ્લી વારનું વોટિંગ પણ હોય, કારણ કે આવતા ઇલેક્શન સુધીમાં હું અમેરિકન સિટિઝન બની ગયો હોઈશ અને મારે ભારતનું નાગરિકત્વ સરેન્ડર કરવું પડે. હું ૧૮ વર્ષનો હતો ત્યારે પહેલી વારના ઇલેક્શનમાં મેં ઇચ્છાપૂર્વક વોટ આપવાનું ટાળ્યું હતું, કારણ કે ત્યારે મને લાગતું હતું કે એકેય નેતા લાયક નથી. બધા જ કરપ્ટ છે અને બધા માત્ર દેશને લૂંટવાનું કામ કરી રહ્યા છે, પણ આજે મારો એ માઇન્ડસેટ બદલાયો છે. આજની સરકાર અને તેમણે કરેલાં કામની યાદી જોઉં છું ત્યારે ભારત માટે મને પ્રાઉડ થાય છે. એ જ કારણ છે કે અમારી દર બે વર્ષે બે મહિના માટે ભારત આવવાની ફૅમિલી-ટ્રિપ કૅન્સલ કરીને હું માત્ર વોટિંગ માટે એકલો ઇન્ડિયા આવ્યો છું. ઘણી બાબતોમાં ભારત આજે ડંકો વગાડી રહ્યું છે અને આવનારા દિવસોમાં આપણા દેશની દશા વધારે બહેતર બને એવી લીડરશિપ મળી છે તો એને ટકાવવામાં આપણો એક વોટ પણ કેમ ન હોવો જોઈએ? બસ એટલું વિચારીને હું અહીં આવ્યો છું.’

બહુ ચોખ્ખી વાત છે કે સાહેબે દેશનું ઘણું કામ કર્યું છે એટલે વોટ આપીને તેમને ટકાવી રાખવાનું કામ પાડોશી દેશ નહીં કરે પણ આપણે જ કરવું પડશે - અંકિત સુરેશ શાહ, સિવિલ એન્જિનિયર

પાંચ વર્ષ પહેલાં કામ માટે અમદાવાદ શિફ્ટ થયેલા અંકિત સુરેશ શાહ માટે વોટિંગ એ પર્વથી જરાય ઊતરતું નથી. રિલાયન્સમાં કામ કરતા આ સિવિલ એન્જિનિયરે પોતાના જીવનમાં જ્યારથી વોટિંગનો અધિકાર મળ્યો છે ત્યારથી એકેય એવું ઇલેક્શન નથી ગયું જેમાં વોટ ન આપ્યો હોય. અંકિતભાઈ કહે છે, ‘અમારો પરિવાર મુંબઈમાં ૧૫૦ વર્ષથી રહે છે અને અત્યારે ભલે અમદાવાદ હોઉં પણ મારું મૂળ વતન તો મુંબઈ જ ગણું છું એટલે વોટિંગ માટે નામ બદલાવવાનો તો પ્રશ્ન જ નથી આવતો. મારો દીકરો હૉસ્પિટલાઇઝ હતો એટલે મારી વાઇફ મારી સાથે ન જોડાઈ શકી, કારણ કે અત્યારે દીકરાને ટ્રાવેલ કરાવવા જેવું નહોતું પણ તેણે મને જવા માટે પ્રોત્સાહિત કર્યો.’

અંકિતભાઈ આજે સવારે જ મુંબઈ પહોંચ્યા છે અને આવતી કાલે વોટ આપ્યા પછી રાતની ટ્રેનમાં તેઓ રિટર્ન થઈ જશે. તેઓ કહે છે, ‘જો દેશની સરકાર કોની બનશે એ નિર્ણય લેવામાં નાગરિક તરીકેનો અધિકાર મને મળ્યો છે તો હું શું કામ જતો કરું. એમાંય અત્યારના સમયે તો સરકાર જે રીતે કામ કરી રહી છે એ જોતાં એ સરકારને ટકાવી રાખવાની જવાબદારી બેવડાઈ જાય છે. આપણને સારી સરકારની જરૂર છે એવું જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે એને ટકાવી રાખવાનું કામ શું પાડોશી દેશ કરશે? તમે જુઓ કે મોદીજી જેમને લાડથી હું સાહેબ કહેતો હોઉં છું તેમણે કેવાં-કેવાં કામ કર્યાં છે છેલ્લાં દસ વર્ષમાં. પેઢીઓની પેઢીઓએ જે કામમાં પરિણામ આવવાની આશા છોડી દીધી હતી એવી ૩૭૦ની કલમ હટાવવાનું અને રામમંદિર બનાવવાનું કામ કર્યું. ઇચ્છાશક્તિ હોય તો શું ન થઈ શકે એ આનું પ્રમાણ છે. દુનિયાના દેશો ભારત તરફ જોઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં ભારતનું શું વલણ છે એ વાત મહત્ત્વની બની છે. કોના પ્રતાપે? જુઓ, બહુ ચોખ્ખી વાત છે કે સાહેબે આપણું કામ કર્યું છે એટલે તેમને વોટ આપીને આપણે તેમનું કામ કરવાનું અને દેખીતી રીતે જ તેઓ આખરે દેશ માટે જ કામ કરી રહ્યા છે. હું માનું છું કે ટીપે-ટીપે સરોવર ભરાય એટલે મારો એક વોટ પણ મહત્ત્વનો છે. એટલે એમાં ધારો કે થાક લાગે, રજા લેવી પડે, ખર્ચો થાય તો ભલે થતો. મને મંજૂર છે.’

ઘૂંટણની સર્જરી થઈ છે છતાં મોદીજીને જિતાડવા  જ પરિવાર સાથે પુણેથી આવ્યો છું ખાસ- વિનય શાહ ઍન્ડ ફૅમિલી

વર્ષોથી ગિરગામ રહેલા અને ૮ વર્ષ પહેલાં પરિવાર સાથે પુણે શિફ્ટ થયેલા વિનય શાહ પોતાની પત્ની સાથે ગઈ કાલે ખાસ વોટ આપવા પુણેથી મુંબઈ આવી ગયા હતા અને આજે તેમનો મોટો દીકરો અને વહુ પણ પહોંચી જશે. ૭૨ વર્ષના વિનયભાઈએ અત્યાર સુધીના તેમના જીવનકાળમાં દરેકેદરેક ઇલેક્શનમાં મતદાન કર્યું છે. આ વખતે થોડું મુશ્કેલ હતું કારણ કે તેમના ઘૂંટણની સર્જરી રિસન્ટલી થઈ છે અને છતાં તેઓ મુંબઈ આવી ગયા છે. વિનયભાઈ કહે છે, ‘સવાલ જ નથીને. મોદીજીને જિતાડવાના છે. વોટ તો આપવો જ પડેને. આજે એ માણસે આખી દુનિયામાં દેશનો ડંકો વગાડ્યો છે. મારો પર્સનલ અનુભવ કહું છું. મોદીજી આવ્યા એ પહેલાં હું અમેરિકા ગયો હતો અને હમણાં પાછો ગયો ત્યારે લોકોના વ્યવહારમાં અકલ્પનીય બદલાવ આવ્યો છે. ભારતથી છું એવું કહો એટલે પેલા ગોરિયાઓ ભાંગીતૂટી ભાષામાં ‘મોદી મોદી’ના નારા લગાવતા હોય છે. આવા માણસને જિતાડવાની તક કેમ ચુકાય આપણાથી.’

બાવીસ વર્ષના પર્યાયમાં દુબઈથી ભારત  પહેલી વાર માત્ર વોટ આપવા માટે આવ્યો છું - અમિત શાહ, ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ

દુનિયામાં રહેતો ભાગ્યે જ કોઈ એવો ભારતીય હશે જેને ભારત માટે પ્રેમ ન હોય. જોકે પહેલાં પ્રેમ હોવા છતાં આપણા દેશના ભ્રષ્ટ રાજકારણીઓને કારણે દેશની બગડતી દશા પીડા આપતી. આજે ભારતીય હોવા બદલ પ્રાઉડ થઈ રહ્યો છે એવો આપણા દેશનો ડંકો દુનિયામાં વાગ્યો છે. જેવી ઇલેક્શનની તારીખની ખબર પડી એવો જ મનમાં ઉત્સાહ  જાગ્યો હતો. બસ અચાનક જ વિચાર કર્યો કે આ વખતે જો હું ભારત જઈને મારો મત મારા મનગમતા નેતાને આપું તો? મેં ઑફિસમાં રજાની વાત કરી. શનિ-રવિ વીક-એન્ડ હતો અને સોમવારે પણ અમારે ત્યાં બહુ કામ નથી હોતું એટલે રજા મળી ગઈ. શનિવારે અહીં આવ્યો છું અને સોમવારે સવારે વોટ આપીશ અને સાંજે દુબઈ પાછો નીકળી જઈશ. બાવીસ વર્ષના મારા દુબઈના વસવાટમાં પહેલી વાર મને એમ લાગે છે કે મુંબઈને દુબઈ જેવું ઍડ્વાન્સ બનાવવાની ક્ષમતા જો કોઈ નેતામાં હોય તો એ છે મોદીજી. ગયા ઇલેક્શનમાં જે ફૂટ પડી અને આપણે BJPને વોટ આપ્યા હોવા છતાં અસ્થિર સરકારને કારણે ઘણાં કામ અટકી ગયાં. આ વખતે જો મૅજોરિટી સાથે મહારાષ્ટ્રમાં BJP જીતે તો મુંબઈનો પ્રોગ્રેસ સરળ બને એટલે હું અહીં આવ્યો છું.’

એક્ઝામ-હૉલથી સીધો હૈદરાબાદ ઍરપોર્ટ અને મુંબઈ લૅન્ડ થયા પછી ઍરપોર્ટથી સીધો જ વોટિંગ-બૂથ પર પહોંચીને આપીશ મારો પહેલો વોટ - ક્રિશ ગાલા, સ્ટુડન્ટ

હૈદરાબાદમાં એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં ભણી રહેલા ક્રિશ ગાલાની એક્ઝામનું છેલ્લું પેપર સોમવારે છે. સવારે સાડાદસ વાગ્યે તેની એક્ઝામ પતશે અને ત્યાંથી જ ડાયરેક્ટ તે ઍરપોર્ટ જશે. હૈદરાબાદથી મુંબઈની અઢી વાગ્યાની તેની ફ્લાઇટ છે. સાંજે ૪ વાગ્યે તે મુંબઈ લૅન્ડ થશે અને ઍરપોર્ટથી ડાયરેક્ટ તેને તેના પપ્પા અમિતભાઈ દાદરના ટીટી કિંગ જ્યૉર્જ સ્કૂલના વોટિંગ-બૂથ પર લઈ જશે. ૧૯ વર્ષનો ક્રિશ પોતાના જીવનમાં પહેલી વાર વોટ આપવાનો છે અને એનું તેને એટલું એક્સાઇટમેન્ટ છે કે તેણે તેની બાવીસમી મેની ટ્રેનની ટિકિટ કૅન્સલ કરાવી દીધી. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં ક્રિશ કહે છે, ‘ત્રણ મહિના પહેલાં મારી ટ્રેનની ટિકિટ બુક થઈ ગઈ હતી. ઓરિજિનલી હું બાવીસમીએ હૈદરાબાદથી નીકળવાનો હતો જેથી ફ્રેન્ડ્સ સાથે થોડો ટાઇમ સ્પેન્ડ થાય અને એકાદ દિવસ ફરી શકાય, પણ મુંબઈની વોટિંગની તારીખ ડિક્લેર થઈ ત્યારથી મારા મનમાં પહેલી વારના વોટિંગની ઇચ્છા હતી એટલે મારા પપ્પાએ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના ગયા અઠવાડિયે જ વીસમી તારીખની મારી ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી છે. દેશના નાગરિક તરીકે આ અધિકાર મારે મિસ નહોતો કરવો. મારા માટે રાષ્ટ્ર પહેલાં આવે છે. દેશને એક સારી લીડરશિપ મળે અને દેશનો વિકાસ થાય એવું ઇચ્છતો હોઉં અને એમાં મારો વોટ કામ લાગવાનો હોય તો એ કેટલી મોટી વાત કહેવાય. હાઉ કૅન આઇ મિસ ધૅટ?’

રાજસ્થાનમાં વોટ આપવા ગયાં હતાં, પણ ત્યાંના લિસ્ટમાં નામ નહોતું એટલે હવે મુંબઈ આવીને વોટ તો આપીશું જ - શકુંતલા અને શંકરલાલ ત્રિવેદી, બોરીવલી

રાજસ્થાનના પાલી ડિસ્ટ્રિક્ટમાં બામનેરા ગામના વતની શંકરભાઈ અને તેમનાં પત્ની શકુંતલા ૨૬ એપ્રિલે રાજસ્થાન પહોંચ્યાં હતાં, જે દિવસે ત્યાં મતદાન હતું. ગામમાં પણ ઘર છે, પણ થોડો સમય મુંબઈ અને થોડો સમય ગામડે પસાર કરતું આ વરિષ્ઠ કપલ ખાસ મતદાન માટે જ ત્યાં પહોંચ્યું હતું. એ પછી સરપંચને પૂછતાં ખબર પડી કે તેમનું નામ ત્યાંના વોટર-લિસ્ટમાં નથી એટલે તેમણે મુંબઈ તપાસ કરાવડાવી અને હવે મતદાનના દિવસે જ તેઓ મુંબઈ પહોંચી રહ્યાં છે. શંકરલાલ કહે છે, ‘મારે ગામડાના ઘરનું કામ કરાવવાનું હતું પણ મતદાનની બાબતમાં આ ગોટાળો થયો એટલે એ કામ મુલતવી રાખ્યું. આજ સુધી એકેય એવાં ઇલેક્શન નથી ગયાં જેમાં મેં મતદાન ન કર્યું હોય. સામાન્ય રીતે રાજસ્થાન જઈએ એટલે બે-ચાર મહિના રહીએ, પણ આ વખતે ૧૫ દિવસમાં જ પાછાં આવી રહ્યાં છીએ. હું છેલ્લાં ૫૦ વર્ષથી માત્ર BJPને જ વોટ આપું છું અને આ વખતે પણ એમ જ થવાનું છે. આ સરકાર ડેવલપમેન્ટને લઈને બહુ સભાન છે. ડેવલપમેન્ટ જોઈતું હોય તો વોટ તો આપવો જ પડે.’

દિલ્હી જવાની રિટર્ન ટિકિટ કૅન્સલ કરાવવાની ખુશી છે  જેથી મતદાન કરી શકીશ - રિચા ભાવિક મહેતા, ફૅશન-ડિઝાઇનર

લગ્ન પછી મુંબઈથી દિલ્હી શિફ્ટ થયેલી ફૅશન-ડિઝાઇનર રિચા ભાવિક મહેતા માટે લગ્ન પછીનું આ પહેલું ઇલેક્શન છે. ભાઈ અમેરિકા ભણવા જઈ રહ્યો હોવાથી મુંબઈ આવેલી રિચાની ૧૯ તારીખે દિલ્હી પાછી જવાની ટિકિટ હતી જે તેણે કૅન્સલ કરાવી દીધી છે. રિચા કહે છે, ‘અત્યારની સરકારના કામથી હું ઘણી ખુશ છું. ગયા વખતે હું ફૅશન-ડિઝાઇનિંગનું ભણવા વિદેશમાં હતી એટલે વોટ નહોતી આપી શકી. આ વખતે એ તક મારે મિસ નહોતી કરવી એટલે ખાસ હું રોકાઈ ગઈ. તમે જો વોટ નથી આપતા તો તમને આ દેશમાં રહેવાનો અધિકાર જ ન મળવો જોઈએ. એક-એક વોટ મહત્ત્વનો છે. તમે દેશના નાગરિક તરીકે સુવિધાની અપેક્ષા રાખો અને વોટિંગની જવાબદારીથી દૂર ભાગો એ કેમ ચાલે?’

અમેરિકાની ટિકિટ રીશેડ્યુલ કરવામાં ભલે આર્થિક નુકસાન  ભોગવવું પડ્યું, પણ નસીબ  તો જુઓ અમારાં કે ઘાટકોપરના રોડ-શોમાં મોદીજી સાક્ષાત્ મળી ગયા અને વોટ આપવાની અદમ્ય ઇચ્છા પણ પૂરી થઈ જશે - કીર્તિ અને ભાવના ભટ્ટ, નિવૃત્ત કપલ

ઘાટકોપર (વેસ્ટ)માં સંઘાણી એસ્ટેટમાં નિવૃત્ત જીવન જીવી રહેલાં ૬૭ વર્ષના કીર્તિ ભટ્ટ અને તેમનાં ૫૩ વર્ષનાં પત્ની ભાવના ભટ્ટની પુત્રી અમે​રિકાના બૉસ્ટન શહેરમાં અને પુત્ર ટેક્સસમાં વર્ષોથી સેટલ થયાં છે. કીર્તિ ભટ્ટ અને ભાવનાબહેન છેલ્લાં ત્રણ વર્ષથી છ મહિના ઘાટકોપરમાં અને છ મહિના બૉસ્ટન તથા ટેક્સસમાં પસાર કરે છે. તેમના આ કાર્યક્રમ પ્રમાણે તેમણે જાન્યુઆરી મહિનામાં બૉસ્ટન જવા માટે ૨૪ એપ્રિલની ઍર-ટિકિટ લીધી હતી. જોકે માર્ચ મહિનામાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં આ દંપતીએ તેમની એપ્રિલ મહિનાની ટિકિટ કૅન્સલ કરાવીને ૨૦ મેએ મતદાન કર્યા પછી જવાનો અને ચૂંટણીનો માહોલ માણવાનો નિર્ણય લીધો હતો.

વર્ષો સુધી લાઇસન્સનું કામ કરનારા અને હવે નિવૃત્ત જીવન જીવી રહેલા કીર્તિભાઈ કહે છે, ‘મારો પરિવાર વર્ષોથી ચૂંટણીના સમયે સક્રિય રહેતો આવ્યો છે. આ વખતે મારી ટિકિટ લઈ લીધાના બે મહિના પછી લોકસભાની ચૂંટણી જાહેર થઈ હતી. અમે પરિવારના સભ્યોએ સાથે મળીને નિર્ણય લીધો કે ચૂંટણીનો માહોલ આ વખતે જામવાનો છે એવા સમયે આપણે મતદાન કરવાનો રાષ્ટ્રધર્મ બજાવીને પછી અમેરિકા જઈએ. એટલે તરત જ મેં ૧૯ એપ્રિલે અમારી ટિકિટ કૅન્સલ કરાવી લીધી હતી.’

અમે ટિકિટ કૅન્સલ કરાવી ત્યારે તો ફક્ત લોકસભાની ચૂંટણીની જ જાણકારી હતી, ઘાટકોપરમાં નરેન્દ્ર મોદી રોડ-શો કરશે અને અમને નરેન્દ્ર મોદી પ્રત્યક્ષ જોવા મળશે એવો સપનામાં પણ વિચાર આવ્યો નહોતો એમ જણાવીને કીર્તિભાઈ પોતાની વાત આગળ વધારતા કહે છે, ‘અમે તો મતદાન કરવા અને ચૂંટણીનો માહોલ માણવા અમારા અમેરિકા જવાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. અમારાં નસીબ સારાં હશે અને અમને દેશના વડા પ્રધાન અને યુગપુરુષ નરેન્દ્ર મોદીને પ્રત્યક્ષ જોવાનો લહાવો મળવાનો હશે એટલે જ અમને બુધવારે ૧૫ મેએ લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર ઊભા રહીને તેમનો રોડ-શો જેવો એક ઉત્સવ માણવા મળ્યો. ત્યારે અમને થયું કે અમારી રાષ્ટ્રહિતની ભાવના સફળ થઈ અને ભલે ઍરટિકિટ રદ કરવાથી આર્થિક નુકસાન થયું, પણ એની સામે ભારતના નાગરિક તરીકેનો અમારો જન્મારો ફળી ગયો.’- રોહિત પરીખ

mumbai news mumbai gujaratis of mumbai gujarati community news Lok Sabha Election 2024