મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો સ્ટૉક માત્ર ૩૦ ટકા, છતાં પાણીકાપ નહીં મુકાય

04 April, 2024 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લાં ત્રણ વર્ષમાં આ સૌથી ઓછો પાણીનો સંગ્રહ છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં સાત જળાશયોમાં એકત્રિત પાણીનો સંગ્રહ ૩૦ ટકા સુધી આવી જવા છતાં પણ મહાનગરપાલિકા પાણીકાપ મૂકવાના મૂડમાં નથી અને એમ માને છે કે આ પુરવઠો ૩૧ જુલાઈ સુધી ચાલી શકે એમ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આ સૌથી ઓછો પાણીનો સંગ્રહ છે. ફેબ્રુઆરીમાં આ સંગ્રહ ૪૯.૩ ટકા અને માર્ચમાં ૩૪.૫ ટકા હતો અને એ સતત ઘટી રહ્યો છે. 
મંગળવાર સુધીની વાત કરવામાં આવે તો સાત જળાશયોમાં કુલ ૪.૩ લાખ મિલ્યન લીટર પર ડે (MLD) પાણીપુરવઠો છે, જે કુલ સંગ્રહ-ક્ષમતા ૧૪.૪૭ લાખ MLDના ૩૦ ટકા જેટલો છે. રાજ્યના સિંચાઈ વિભાગે ભાત્સા અને અપર વૈતરણાના રિઝર્વ સ્ટૉકનો પણ ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. આથી જૂન સુધી મુંબઈને પાણીપુરવઠાની સમસ્યા નથી. ૨૦૨૩માં મૉન્સૂનની શરૂઆત મોડી થઈ હતી એટલે મહાનગરપાલિકાએ પહેલી જુલાઈએ ૧૦ ટકા પાણીકાપ મૂક્યો હતો, પણ ઑગસ્ટ સુધીમાં ૧૧.૮ લાખ MLD પાણીપુરવઠો એકઠો થતાં પાણીકાપ દૂર કરાયો હતો. ઑક્ટોબર સુધીમાં જળાશયોમાં પાણીપુરવઠો ૯૯.૨ ટકા સુધી પહોંચી ગયો હતો.             

mumbai news Water Cut brihanmumbai municipal corporation