...તો શ્રમદાન‍ની જરૂર નહીં પડે

02 October, 2023 11:45 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

ઍક્ટિવિસ્ટોનું કહેવું છે કે લોકો જ ગંદકી ન કરે એ માટેની અવેરનેસ લવાય તો મોટા પાયે સફાઈ કરવા માટે એકઠા થવાની અપીલ કરવાની જરૂર નહીં રહે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પહેલી ઑક્ટોબરે ગિરગામ ચોપાટી ખાતે બીએમસી દ્વારા આયોજિત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ભાગ લીધો હતો (તસવીર : સમીર માર્કન્ડે)

સ્વચ્છતાનો સીધો સંબંધ આરોગ્ય સાથે છે એટલે ગંદકી સાફ કરવા માટે લોકો આગળ આવે એ માટે કેન્દ્ર સરકારના નિર્દેશથી દેશભરમાં ગઈ કાલે એક કલાક શ્રમદાન કરવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષના ગણેશોત્સવનું બે દિવસ પહેલાં જ સમાપન થયું હતું એટલે મુંબઈ અને આસપાસના મોટા ભાગના બીચની સફાઈ કરવામાં આવી હોવા છતાં ગઈ કાલે ફરી અહીં કચરો જોવા મળ્યો હતો. આથી મુંબઈ બીએમસી, રાજકીય પક્ષના નેતા-કાર્યકરો, એનસીસી, એનએસએસ સહિત અસંખ્ય સંસ્થાઓના સ્વયંસેવકોએ વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જોકે નિયમિત રીતે બીચ કે બીજાં સ્થળોએ સફાઈ અભિયાન કરતા ઍક્ટિવિસ્ટોનું કહેવું છે કે શ્રમદાનનો વિચાર સારો છે, પણ લોકોમાં ગંદકી ન કરવા બાબતની અવેરનેસ લાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવે તો સરકાર કે પ્રશાસને શ્રમદાન કરાવવાની જરૂર જ નહીં પડે.

ભારતભરમાં ગઈ કાલથી પંદર દિવસના સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી. આ નિમિત્તે મુંબઈના તમામ બીચ અને ૨૪ વૉર્ડનાં કેટલાંક સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગિરગામ ચોપાટી પર તો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવડીના કિલ્લામાં હાથ ધરવામાં આવેલી સફાઈ ઝુંબેશમાં સામેલ થયા હતા.

જુહુ ચોપાટીમાં કચરો

ગણેશોત્સવના વિસર્જન બાદ જુહુ બીચ પર અનેક સેલિબ્રિટીઓની સાથે સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકોએ સફાઈ કરી હતી. આમ છતાં ગઈ કાલે અહીં ફરી કચરો જોવા મળ્યો હતો. જુહુ ઍરોબિક્સ ગ્રુપના મેમ્બર અનિલ પરમારે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સફાઈનો સીધો સંબંધ આપણા આરોગ્ય સાથે છે. લોકો આ વાત સમજે એ માટે શ્રમદાન ઝુંબેશ કરવામાં આવી છે એ સારી વાત છે. જોકે જુહુ કે બીજા કોઈ પણ બીચ પર શનિ-રવિવારે લોકો ફરવા આવે છે ત્યારે ગેરકાયદે ખાવા-પીવાની વસ્તુઓ વેચતા ફેરિયાઓ ગંદકી કરે છે તેમને નિયંત્રણમાં લાવવાની જરૂર છે. લોકો પણ આ ફેરિયાઓ પાસેથી વસ્તુઓ ખરીદીને ખાય-પીએ છે ત્યારે પાણીની બૉટલથી લઈને બીજી વસ્તુઓ જ્યાં-ત્યાં ફેંકીને ગંદકી કરે છે. સરકાર કે પ્રશાસન દ્વારા બીચની આ સમસ્યા વિશે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે તો બીચ સાફ રહેશે અને ભવિષ્યમાં શ્રમદાન કરવા માટે અપીલ નહીં કરવી પડે.’

લોકોને સમજાવવાની જરૂર

સાયન-કોલીવાડામાં ગુરુદ્વારા સિંહ સભાની સામે અને સનાતન ધર્મ સ્કૂલની પાસેની ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં કચરો એકઠો થાય છે. આ વિશે સોશ્યલ ઍક્ટિવિસ્ટ પાયલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગંદકી સાફ કરવા માટે સામાન્ય લોકોને સરકાર અને પ્રશાસન સાથે જોડીને શ્રમદાન કરાવવાનો વિચાર સારો છે. જોકે મને લાગે છે કે જ્યાં સુધી લોકો આ વિશે જાગૃત નહીં થાય ત્યાં સુધી એકાદ-બે દિવસ આવી ઝુંબેશ ચલાવવાથી કોઈ ફાયદો નહીં થાય. સરકારે કે પ્રશાસને લોકોને સમજાવવું જોઈએ કે ગંદકી કરવાથી બીજા કોઈને નહીં પણ તેમને અને તેમના પરિવારને નુકસાન થાય છે. એવું થશે તો પછી આપણે સફાઈ કરવા માટે શ્રમદાન કરાવવાની જરૂર નહીં પડે.’

swachh bharat abhiyan juhu beach eknath shinde brihanmumbai municipal corporation mumbai mumbai news prakash bambhrolia