મુંબઈમાં મતદાન-પ્રક્રિયા પૂરી થવામાં રાતના બે વાગી ગયા

22 May, 2024 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સબર્બ્સ, નાશિક અને ધુળેમાં કેટલીક જગ્યાએ મતદાન મોડે સુધી ચાલ્યું હોવાનું જણાયું છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સોમવારે મુંબઈમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવામાં અમુક જગ્યાએ અડધાથી બે કલાક જેટલો સમય લાગ્યો હતો એટલે ઇલેક્શન કમિશનની કામ કરવાની સિસ્ટમ સામે સવાલ ઊભા થયા હતા એટલું જ નહીં, યોગ્ય વ્યવસ્થાના અભાવે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મતદાનની પ્રક્રિયા પૂરી કરવામાં રાતના બે વાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આમાં સૌથી ખરાબ હાલત મહિલા કર્મચારીઓની થઈ હતી. તેઓ સવારના પાંચેક વાગ્યે મતદાનકેન્દ્રમાં હાજર થઈ ગઈ હતી અને રાતના એક વાગ્યા સુધી તેમણે કામ કરવું પડ્યું હતું.

બોરીવલીના એક મતદાનકેન્દ્રની જેમને જવાબદારી સોંપવામાં આવી હતી એ ગુજરાતી શિક્ષિકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મતદાનના દિવસે બધાને પાંચ વાગ્યે મતદાનકેન્દ્રમાં પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. મને જ્યાં જવાબદારી સોંપવામાં આવી હતી એ ગોરાઈ પાસેના મતદાનકેન્દ્રમાં રાતે આઠેક વાગ્યે મતદાન પૂરું થઈ ગયું હતું. મતદાન પૂરું થયા બાદ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) સહિતની સામગ્રી અહીંની રાજડા સ્કૂલમાં સબમિટ કરવાની હતી. ઇલેક્શન કમિશને અમારી આસપાસનાં મતદાનકેન્દ્રોના સ્ટાફને રાજડા સ્કૂલ પહોંચવા માટે બસની વ્યવસ્થા કરી હતી. એમાં ઘણા બધા ધાંધિયા થયા હતા. અમે દસ વાગ્યે બસમાં બેસી ગયા હતા, પણ બસ ફરી-ફરીને રાજડા સ્કૂલમાં દોઢ કલાકે પહોંચી હતી. સ્કૂલ પહોંચ્યા બાદ નંબર પ્રમાણે સબમિશન કરવાનું હતું, પણ બધા એકસાથે સ્કૂલની અંદર ધસી ગયા હતા જેને લીધે ખૂબ જ સમય લાગ્યો હતો. હું તો નજીકમાં રહું છું એટલે સાડાબાર વાગ્યે ઘરે પહોંચી હતી, પણ અનેક મહિલાઓ મીરા રોડ અને વિરારથી આવી હતી. તેઓ દોઢથી બે વાગ્યે ઘરે પહોંચી હતી. ઇલેક્શન કમિશને આવી સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ.’

મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણી વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ સબર્બ્સ, નાશિક અને ધુળેમાં કેટલીક જગ્યાએ મતદાન મોડે સુધી ચાલ્યું હોવાનું જણાયું છે.’

mumbai news mumbai Lok Sabha Election 2024 election commission of india nashik